મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા
SHARE
મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા
મોરબી મહાનગરપાલિકાની ચૂંટણી માટે રવિવારે સવારે સાત વાગ્યાથી લઈને સાંજના છ વાગ્યા સુધી મતદાન ચાલ્યું હતું અને મતદારો દ્વારા કાળઝાળ ગરમીમાં પણ ઉત્સાહપૂર્વક મતદાન કર્યું હતુ અને સાંજ સુધીમાં કુલ મળીને 65.62 ટકા જેટલું મતદાન મહાપાલિકા માટે કરવામાં આવ્યું છે જેમાં સૌથી વધુ વોર્ડ નં. 4 માં 70.71 ટકા અને જે સૌથી ઓછું વોર્ડ નં 7 માં 55.55 ટકા મતદાન નોંધાયું છે હાલમાં મતદારોએ મતદાન કરીને ઉમેદવારોના ભાવિ ઇવીએમ મશીનમાં કેદ કર્યા છે અને આગામી મંગળવારના રોજ ઇવીએમ મશીન ખોલીને મતદારોએ આપેલા મતના આંકડા જાહેર કરીને વિજેતાઓના નામ જાહેર કરવામાં આવે તેની આતુરતાથી રાહ જોવાઇ રહી છે
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે રવિવારે સવારના સાત વાગ્યાથી લઈને સાંજના છ વાગ્યા સુધી મતદાનની પ્રક્રિયા ચાલી હતી ત્યારે મોરબી મહાનગરપાલિકાની વાત કરીએ તો 13 બોર્ડની 52 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી અને તેમાં સવારે 7 વાગ્યાથી મતદાન મથકો ઉપર મતદાનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી અને સાંજે 6 વાગ્યે મતદાન પૂર્ણ કરવામાં આવ્યું હતું. તે દરમ્યાન મતદારોની સંખ્યામાં વધઘટ જોવા મળતી હતી જોકે મહાપાલિકાની ચૂંટણી માટે કુલ મળીને 65.62 ટકા મતદાન નોંધાયું છે જેમાં 69.69 ટકા પુરુષ તથા 61.20 ટકા સ્ત્રી મતદારો દ્વારા મતદાન કરવામાં આવ્યું હોવાનું અધિકારી પાસેથી જાણવા મળી ગયું છે
મહાપાલિકાની આ પ્રથમ ચૂંટણીમાં પ્રચાર પ્રસાર માટે ઉમેદવારો માટે માત્ર 10 દિવસનો સમય હતો અને આ સમયગાળા દરમિયાન ઓછામાં ઓછા 13 હજારથી લઈને વધુમાં વધુ 25500 કરતાં વધુ મતદારો સુધી ઉમેદવારોએ પહોંચવાનું હતું પરંતુ ઓછો સમય ગાળો હોવાના કારણે અનેક વિસ્તારોમાં મતદારો સુધી ઉમેદવારો પહોંચી શક્યા નથી આટલું જ નહીં પરંતુ મતદારો સુધી તેઓની મતદાન માટેની જરૂરી સ્લીપો પણ પહોંચાડવામાં આવી ન હતી જેથી કેટલાક મતદારો મતદાન કરવા માટે મતદાન મથક સુધી આવ્યા તેમ છતાં પણ હાલાકીનો સામનો કરીને મતદાન કર્યા વગર જ પાછા ગયા હોય તેવો ઘાટ પણ કેટલીક જગ્યાએ જોવા મળ્યો હતો
મોરબીમાં રવિવારે દિવસ દરમિયાન જ્યારે મતદાન ચાલી રહ્યું હતું ત્યારે મોરબીના વોર્ડ નં 6 મા લખધીરવાસ પ્રાથમિક શાળામાં આવેલા બે પૈકીનાં એક બુથમાં ઇવીએમ મશીનમાં વારંવાર આવતી એરરના લીધે મશીન 45 મિનિટ કરતાં વધુ સમય સુધી બંધ રહ્યું હતું. જેથી કરીને મતદારો લાઇનમાં ઊભા રહીને મતદાન કર્યા વગર જ પાછા ગયા હતા. જેથી કરીને થોડીવાર માટે મતદાન મથકે હોબાળો પણ થયો હતો. ત્યારબાદ ઇવીએમ મશીનની એરર દૂર કરીને મતદાન ચાલુ કરાવવામાં આવ્યું હતું. અધિકારી સૂત્રો પાસેથી મળતી વિગત પ્રમાણે મતદાન કરવા માટે થઈને જે મતદારો આવતા હતા તેમના દ્વારા ઇવીએમમાં મતદાન કર્યા બાદ રજીસ્ટર બટન બે વખત દબાવવામાં આવતું હતું જેથી કરીને મશીનમાં એરર આવી જતી હતી.
મોરબી મહાપાલિકાની આમ તો 13 વોર્ડ માટેની ચૂંટણી હતી પરંતુ સમગ્ર ચૂંટણી પ્રચાર દરમિયાન મોરબીના વોર્ડ નં. 1, 3, 7, 8, 9, 10 અને 11 વધુ ચર્ચાનો વિષય બન્યા હતા જેથી કરીને આ વોર્ડના શું પરિણામ આવે છે તે જોવા માટે થઈને લોકોમાં આતુરતા જોવા મળી રહે છે હાલમાં ઇવીએમ મશીનની અંદર મોરબી મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉભેલા 177 ઉમેદવારોના ભાવિ કેદ થઈ ગયા છે અને આગામી મંગળવારે મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ પોલિટેકનિક કોલેજ ખાતે મોરબી મહાપાલિકાના 1 થી 13 બોર્ડ માટેની 52 એ 52 બેઠકોની મતગણતરી શરૂ કરવામાં આવશે અને ગણતરીની કલાકમાં વિજેતા ઉમેદવારોના નામ જાહેર થઈ જશે