મોરબીના ઉંચી માડલ પાસે ચક્કર આવતા પડી ગયેલ યુવાનનું સારવાર દરમિયાન મોત
SHARE
મોરબીના ઉંચી માડલ પાસે ચક્કર આવતા પડી ગયેલ યુવાનનું સારવાર દરમિયાન મોત
મોરબી-હળવદ હાઇવે પર આવેલા ઉંચી માંડલ ગામે આવેલ નોકેન વિટ્રીફાઇડ નામના યુનીટ ખાતે રહીને ત્યાં જ મજુરી કામ કરતો ભવરલાલ મેઘલાલ સોમેરીયા નામનો યુવાન કરતો હતો ત્યારે ચક્કર આવતા પડી ગયો હતો જેથી બેભાન હાલતમાં સામાકાંઠેની સમર્પણ હોસ્પીટલ અને ત્યાંથી અત્રેની આયુષ હોસ્પીટલે ખસેડાયો હતો જ્યાં તેનું મોત નિપજતા ડેડબોડીને પીએમ માટે સિવિલે ખસેડાયું હતું જેથી તાલુકા પોલીસે નોંધ કરી તપાસ કરી હતી. જ્યારે વીસીપરામાં રહેતા અકબરશા બચલાશા નામના 60 વર્ષના વૃધ્ધને તા.31ના સવારે બીમારી સબબ સિવિલે લાવવામાં આવ્યા હતા જેઓનું ગઇકાલ તા.1ના રોજ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
ગુમ પરત
મહેન્દ્રનગર ગામે સર્વોપરી સ્કુલ પાસે રહેતા સંજય મોહનભાઇ દેવાયત બારોટની પુત્રી તેના નાનાભાઇને સ્કૂલે મુકવા ગયા બાદ ગુમ થયેલ હતી. પુત્રી ધ્રુવિકાબેન બારોટ ગુમ થયા અંગે તેઓએ બી-ડીવીઝનમાં જાણ કરી હતી અને તપાસ દરમિયાન તા.29-8ના ગુમ થયેલા ધ્રુવિકાબેન ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશન ખાતેથી મળી આવ્યા હતા જેથી મોરબી પોલીસે આ અંગે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી.
વાહન અકસ્માત
જેતપર રોડ પાવડીયારી પાસેના મેગાટોન સિરામીક પાસે વાહન અકસ્માતમાં ઇજા થતાં બાબુલાલ ગીરધારીલાલ મામુલીયા (ઉ.વ. 58, રહે. લેમોસા સિરામીક પાવડીયારી)ને સીવીલે સારવારમાં ખસેડાયો હતો.
જ્યારે ચોટીલાના થાન ખાતે રહેતા હકાભાઇ પોલાભાઇ ડાભી (ઉ.વ.55) રીક્ષા લઇને જતા હતા ત્યારે થાનના જામવરી ગામ પાસે રીક્ષા ઇકોકાર સાથે અથડાતા સારવાર માટે મોરબી લવાયા હતા તેમજ ટંકારાના નાના રામપર ગામે વાડી વિસ્તારમાં કામ દરમિયાન સાપ કરડી જતા કાંતાબેન ડામોરને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.
દવા પી લીધી
માળીયા મીં.ના રોહીશાળા ગામે ભાઇલાલભાઇની વાડીએ કોઇ કારણોસર ઝેરી દવા પી લેતા રેખાબેન નાયકાને જેતપર પીએચસી ખાતે અને બાદમાં અત્રેની સિવિલે લાવવામાં આવ્યા હતા. જ્યારે કચ્છના જંગી વિસ્તારમાં રહેતા રમેશભાઇ બચુભાઇ કોળી (30) નામનો યુવાન સુરેશ જેરામભાઇ કોળી પાછળ એક્ટીવામાં બેસીને જંગી-લલીયાણા રોડેથી જતા હતા ત્યાં વાહન આડે કુતરુ આડુ ઉતરતા વાહનમાંથી પડી જતાં અત્રેની આયુષ હોસ્પિટલે સારવારમાં લાવવામાં આવ્યો હતો.
યુવાન સારવારમાં
ગાળા-સાપરના રસ્તે આવેલા એન્ટોનોવા કારખાનાના લેબર ક્વાટરમાં રહેતો અનિલ બાબુભાઇ વર્મા (26) નામનો યુવાન ક્વાટરના ત્રીજા માળેથી નીચે પડી જતાં માથામાં ઇજા થતાં સારવારમાં મોરબી લવાયો હતો. જ્યારે ઘુંટુ રોડ અલ્ટ્રા સીરામીક સામે દુકાનદાર સાથે મારામારીના બનાવમાં ઇજા થતાં રીન્કીબેન રોહિતભાઇ નીસાદને અને સામાકાંઠે સો ઓરડીમાં રહેતા કમલાબેન હંસરાજભાઇ નારણીયા (ઉ.વ.65)ને રીક્ષામાં બેસીને જતી વખતે બરવાળા ગામે ખાડો આવતા રીક્ષામાંથી પડી જતાં ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે સિવિલે ખસેડાયા હતા.
જ્યારે મધ્યપ્રદેશના ધાર જીલ્લાના રાજગઢ ગામેથી ગુમ થયેલી યુવતી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હોવાની બાતમી આધારે ત્યાંની પોલીસ મોરબી આવી હતી અને અત્રેથી તે યુવતી આરોપી રોહિત રમેશભાઇ ધુંધપરીયા સાથે મળી આવતા કાર્યવાહી અર્થે બંનેને એમપી લઇ ગયેલ હોવાનું જાણવા મળેલ છે









