વ્યાજે લીધેલી એક લાખ સામે આઠ લાખ માંગવામાં આવતા મોરબીમાં યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
મહારાજા કેસરીદેવસિંહ ઝાલાના માધ્યમથી જે પ્રશ્નો આવશે તે ઉકેલાશે: વાંકાનેરમાં 2022 ને લઇને સી.આર.પાટીલનો મોટો સંકેત
SHARE
મહારાજા કેસરીદેવસિંહ ઝાલાના માધ્યમથી જે પ્રશ્નો આવશે તે ઉકેલાશે: વાંકાનેરમાં 2022 ને લઇને સી.આર.પાટીલનો મોટો સંકેત
મોરબી જીલ્લાના વાંકાનેરમાં આજે વાંકાનેરના રાજા કેસરીદેવસિંહ ઝાલાનો અભિવાદન સમારોહ યોજાયો હતો જેમાં ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર.પાટીલ હાજર રહ્યા હતા અને તેઓએ આ તકે ખાસ કરીને ભારતની એકતા અને અખંડતા માટે રાજવીઓએ આપેલ બલિદાન અને લોકોના કલ્યાણ માટે આપેલા યોગદાનને યાદ કર્યું હતું અને ખાસ કરીને આગામી સમયમાં 2022માં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે તેનો પણ સંકેત આપતા તેઓએ મહારાજા કેસરીદેવસિંહ ઝાલાના માધ્યમથી જે કોઈ પ્રશ્નોની રજૂઆતો સરકાર સુધી કે તેઓના સુધી પહોંચે છે તેનો તાત્કાલિક નિકાલ આવશે તેવી તેઓએ ખાતરી આપી હતી
છેલ્લા પાંચ દિવસથી વાંકાનેરમાં વાંકાનેરના યુવરાજ કેસરીદેવસિંહ દિગ્વિજયસિંહ ઝાલાનો તિલકવિધી અને રાજ્યભિષેકનો કાર્યક્રમ ચાલી રહ્યો છે દરમિયાન આજે દરેક જ્ઞાતિ સમાજ, સંગઠન તેમજ રાજકીય અને સામાજિક આગેવાનો દ્વારા તેમનું અભિવાદન કરી શકાય તે માટે થઈને વાંકાનેરમાં અભિવાદન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર.પાટીલ, રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારીયા, મંત્રી બ્રિજેશભાઈ મેરજા અને કિરીટસિંહ રાણા, ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી અને સાંસદ વિનોદભાઈ ચાવડા, રાજ્યના મંત્રી અરવિંદભાઈ રૈયાણી, આઇ.કે. જાડેજા, માજી ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા સહિતના આગેવાનો આ કાર્યક્રમની અંદર હાજર રહ્યા હતા અને ખાસ કરીને વાંકાનેરના મહારાજા કેસરીદેવસિંહ ઝાલાએ ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખનું પાઘડી પહેરાવીને તલવાર આપી તેનું સ્વાગત સન્માન કર્યું હતું
આ તકે પાટિલે લોકોનું સંબોધન કરતા કહ્યું હતું કે વાંકાનેકના રાજવી પરિવાર દ્વારા લોકોના કલ્યાણ માટે અનેકવિધ કામો કરવામાં આવ્યા છે અને ખાસ કરીને ભારતની એકતા અને અખંડતા માટે સમગ્ર ભારતની અંદર રાજવી પરિવારો દ્વારા જે બલિદાન આપવામાં આવ્યા છે અને લોકોની સુખાકારીમાં વધારો થાય તે માટે થઈને જે યોગદાન આપવામાં આવ્યું છે તેની નોંધ લીધી હતી અને આગામી સમયમાં વાકાનેર પંથકની અંદર લોકોના કોઈ પણ પ્રશ્ન કે સમસ્યા હોય તો તે મહારાજા કેસરીદોવસિંહ ઝાલા મારફતે તેઓ સુધી કે સરકાર સુધી પહોંચશે તો સો ટકા તેના નિકાલ માટે સરકાર અને તેઓ દ્વારા પ્રયત્ન કરવામાં આવશે તેવી તેમણે ખાતરી આપી હતી આમ 2022માં આવનાર વિધાનસભાની ચૂંટણીમાં વાંકાનેર બેઠક માટે તેઓએ મહારાજા કેસરીદેવસિંહ ઝાલા તરફ સુચક ઈશારો કર્યો હતો અને આ તકે પોતાના પ્રતિભાવમાં મહારાજા કેસરીદેવસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે રાજવી પરિવાર હંમેશા લોકોના કલ્યાણ માટે કામ કરતો રહ્યો છે અને ભવિષ્યમાં પણ લોકોના કલ્યાણ માટે કામ કરતો રહેશે