મોરબીના મહેન્દ્રનગર નજીક રહેણાંક મકાનમાંથી ૧૨૯ બોટલ દારૂ સાથે એક પકડાયો
SHARE









મોરબીના મહેન્દ્રનગર નજીક રહેણાંક મકાનમાંથી ૧૨૯ બોટલ દારૂ સાથે એક પકડાયો
મોરબીના હળવદ રોડ ઉપર મહેન્દ્રનગર ગામ પાસે આવેલ ઉમા વિલેજ સોસાયટીમાં બાતમીના આધારે બી ડિવિઝન પોલીસ સ્ટાફ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે મકાનમાં આવેલ ગેલેરીમાંથી નાની-મોટી કુલ મળીને ૧૨૯ બોટલ દારૂ મળી આવતાં હાલમાં રૂા.૩૨ હજારના મુદ્દામાલ સાથે એક ઇસમની ધરપકડ કરવામાં આવેલ છે.
મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટાફ તરફથી મળતી માહિતી મુજબ બાતમીના આધારે મોરબીના હળવદ રોડ ઉપર મહેન્દ્રનગર ગામે આવેલી ઉમા વિલેજ સોસાયટીમાં રહેતા પ્રવીણ શિવા કોળીના રહેણાંક મકાનમાં રેડ કરવામાં આવી હતી ત્યારે મકાનની ગેલેરીમાંથી વિદેશી દારૂની ૫૪ મોટી બોટલો તેમજ વિદેશી દારૂની નાની ૭૫ બોટલ(ચપલા) એમ કુલ મળીને ૧૨૯ નાની-મોટી દારૂની બોટલ કિંમક રૂા.૩૨,૦૦૫ સાથે હાલમાં પ્રવિણ શિવા કોળી (ઉમર ૨૬) હાલ રહે.મોરબી મહેન્દ્રનગર ઉમા વિલેજ સોસાયટી મૂળ રહે ગુંદાળા તા.વિંછીયા જી.રાજકોટ વાળાની દારૂના ગુનામાં ધરપકડ કરવામાં આવેલ છે.તેણે દારૂનો આ જથ્થો કોની પાસેથી મેળવ્યો હતો..? અને કેટલા સમયથી તે દારૂનો ધંધો કરતો હતો તેમજ માલ ક્યાં પહોંચાડવાનો હતો..? એ દિશામાં બી ડિવિઝન પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
મારામારીમાં ઇજા
મોરબી નજીકના ધરમપુર ગામે રહેતા દેવકરણ પ્રભુભાઈ રૂદાતલા જાતે કોળી નામના ૩૯ વર્ષીય યુવાનને ટીંબડી અને ધરમપુરની વચ્ચે મારામારીના બનાવમાં ઇજાઓ થતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલે લવાયો છે.બનાવને પગલે તાલુકા પોલીસ મથકના એમ.એલ.બારૈયાએ નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.જ્યારે મોરબીના નવા જાંબુડીયા ગામે સોનાલીકા સિરામિક પાસે રહેતા મનસુખભાઇ ચતુરભાઈ કોઠારીયા નામના ૫૦ વર્ષિય આધેડને સરતાનપર ચોકડી નજીક મહેશભાઈ દ્વારા માર મારવામાં આવતા મનસુખભાઈને સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યા હતા જેને પગલે તાલુકા પોલીસ મથકના અજીતસિંહ પરમારે નોંધ કરીને આગળની તપાસ શરૂ કરી છે.
વાહન અકસ્માતમાં ઇજા
સુરેન્દ્રનગરના જામવાળી વિસ્તારમાં રહેતા ભરત સોમાભાઈ અબગોતર (૨૫) અને હરી નારણભાઈ અબગોતર (૨૩) નામના બે યુવાનોને મોરબી-વાંકાનેર હાઇવે ઉપર મકનસર ગામ નજીક વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થતાં હાલમાં સિવિલે ખસેડાયા હતા અને તાલુકા પોલીસ મથકના અજીતસિંહ પરમારે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.
