મોરબીમાં ડ્રેનેજના કામમાં બેદરકારી રાખતી એજન્સીનો કોન્ટ્રાક્ટ પાલિકા રદ કર્યો
મોરબીના શનાળા ગામે પ્લોટમાં વંડો બનાવવા બાબતે બે પરિવારો વચ્ચે સામસામી ધબધબાટી : ફરિયાદો નોંધાય
SHARE









મોરબીના શનાળા ગામે પ્લોટમાં વંડો બનાવવા બાબતે બે પરિવારો વચ્ચે સામસામી ધબધબાટી : ફરિયાદો નોંધાય
મોરબી નજીક શકત શનાળા ગામે બે પરિવારો વચ્ચે સામસામી મારામારી થતા ઇજાગ્રસ્તોને મોરબી તેમજ રાજકોટ સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા અને ત્યારબાદ બંને પક્ષેથી સામસામી ફરિયાદ નોંધાવવામાં આવતા એ ડીવીઝન પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.પ્રાથમિક ધોરણે મળતી વિગતો મુજબ પ્લોટમાં વંડો બનાવવા બાબતે ઝઘડો થયો હતો અને સામસામે ઢીકાપાટુ અને ઇંટ-પથ્થરના છુટા ઘા કરવામાં આવતા મારામારીમાં ઇજાઓ થતાં ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા હતા.
મોરબી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના શનાળા ગામે રહેતા જીતેન્દ્રભાઈ રાજાભાઈ વાઘેલા (૩૦), સોનલબેન રાજાભાઈ વાઘેલા (૪૫) અને અરુણાબેન જીતેન્દ્રભાઇ વાઘેલા (૩૦) ને મારામારીમાં ઇજાઓ થતા તેઓને સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને વધુ સારવાર માટે રાજકોટ લઇ જવામાં આવ્યા હતા.બાદમાં એ-ડિવિઝન પોલીસ મથક ખાતે સામસામી ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેમાં સોનલબેન રાજાભાઈ ખીઆભાઇ વાઘેલા (૪૫) રહે.શકત શનાળા વાળાએ શકત શનાળા ગામે સાંઈબાબા મંદિર પાસે રહેતા નરેશ કેસુ વાઘેલા, નરેશભાઈની પત્ની સોનલબેન, મહેશ કેસુ વાઘેલા અને મહેશભાઈના પત્ની જોચ્સનાબેન સામે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે તેઓ તથા તેમનો પરિવાર તેમના કાકાજી સસરા રામજીભાઈ માવજીભાઈના પ્લોટમાં વંડો બનાવી રહ્યા હતા ત્યારે સામે વાળાઓને સારું નહીં લાગતા ઝઘડો કર્યો હતો અને ઢીકાપાટુનો મૂઢ માર મારીને નાકના ભાગે ઢીકો માર્યો હતો અને છુટા ઇંટ પથ્થરના ઘા કર્યા હતા.
જ્યારે સામાપક્ષેથી મહેશ કેશુભાઈ વાઘેલા (૩૬) રહે.શકત શનાળા સાંઈબાબા મંદિર પાસે વાળાએ ત્યાં જ રહેતા જીતેન્દ્ર રામજી વાઘેલા, જીતેન્દ્રના પત્ની અરુણાબેન, જીતેન્દ્રની માતા સોનલબેન અને જિતેન્દ્રની બહેન રવિનાબેન એમ ચાર સામે ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, જીતેન્દ્રભાઈએ તેમની સાથે બોલાચાલી કરીને તેઓને મૂઢ માર માર્યો હતો અને તેમના પત્નીને કપાળના ભાગે ઇંટ મારી દીધી હતી તેમજ ફરિયાદીના ભાઈને પણ હાથના ભાગે ઇંટ મારીને ગાળો આપીને ઝપાઝપી કરવામાં આવી હતી.હાલ સામસામી ફરિયાદો લઈને બીટ વિસ્તારના જમાદાર નંદરામભાઈ મેસવાણિયાએ આ અંગે આગળની તપાસ હાથ ધરી છે.
વાહન અકસ્માતમાં ઈજા
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ત્રાજપર ખારીમાં રહેતા રાજેન્દ્રસિંહ મોરબીથી ગાંગોદર માટી ભરવા માટે ટ્રક લઈને જતા હતા ત્યારે રસ્તામાં સુરજબારી સામખીયારી રોડ ઉપર શિકારપુર નજીક આવેલ સહયોગ હોટલની પાસે રાત્રીના અગીયારેક વાગ્યાના અરસામાં તેમના ટ્રકનો વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો જેમાં ઇજાઓ થવાથી રાજેન્દ્રસિંહને અહીંની આયુષ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયા હતા બનાવને પગલે એ ડિવિઝન પોલીસ મથકના એમ.જી વાળાએ પ્રાથમિક તપાસ કરી હતી.જયારે મોરબીના નગરદરવાજા વિસ્તારમાં લુહાર શેરીમાં પયબાપા સિતારામ ચોકની પાસે રહેતા સાગરસિંહ મહેન્દ્રસિંહ ઠાકોર નામના ૨૫ વર્ષીય યુવાનને મામાજી દુકાન પાસે મારામારીના બનાવમાં ઇજાઓ થતાં તેને સારવાર માટે સિવિલે ખસેડાયો હતો.
