મોરબી જીલ્લામાં અણઘડ વહીવટ-પ્રજા વિરોધી કામગીરીથી ત્રસ્ત થઈને ભાજપ છોડ્યો: કિશોરભાઈ ચીખલીયા
મોરબી પાલિકાના ચિફ ઓફિસરની તાબડતોબ બદલી માટે નડ્ડાનો પ્રવાસ કે તે પછીનો બેફામ વાણી વિલાસ જવાબદાર ?: ટોક ઓફ ટાઉન
SHARE
કોની સાથે કર્યો'તો મોરબીના ચિફ ઓફિસરે ઓફિસમાં જ બેફામ વાણી વિલાસ ?: બદલીનો મુદ્દો કર્મચારીઓ-રાજકારણીઓમાં ચર્ચાસ્પદ !
સામાન્ય રીતે મોરબી નગરપાલિકામાં પ્રાથમિક સુવિધાની રજૂઆત કરવા માટે આવેલા ટોળા તેમજ લોકો દ્વારા અસભ્ય વર્તન કરવામાં આવે અથવા તો અપ શબ્દો બોલવામાં આવે તેવી ઘટનાઓ બનતી હોય છે પરંતુ મોરબી નગરપાલિકામાં તાજેતરમાં પાલિકાના જવાબદાર ચીફ ઓફિસર દ્વારા પાલિકાના જ એક કર્મચારીને બેફામ વાણી વિલાસ કરીને અન્ય લોકોની હાજરીમાં ખખડાવવામાં આવ્યા હતા અને આ મુદ્દો પણ પાલિકાના ચીફ ઓફિસરની બદલી પાછળ કારણભૂત હોય તેવી ચર્ચાઓ થઈ રહી છે તેની સાથો સાથ થોડા સમય પહેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ મોરબીમાં આવ્યા હતા ત્યારે પહેલા સફાઈ, રજડતા ઢોર સહિતના મુદ્દાઓને લઈને પણ જે બેદરકારી દાખવામાં આવી હતી તે મુદ્દાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક અસર છેલ્લે રાજ્ય સરકાર દ્વારા જે ચીફ ઓફિસરોની બદલીનો ઘાણવો કાઢવામાં આવ્યો છે તેમાં મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરને પણ ઉથલાવવામાં આવ્યા હોવાની ચર્ચા થઈ રહી છે જોકે હકીકતમાં કયા કારણોસર તેમની બદલી થયેલ છે તે હજુ રહસ્ય અકબંધ છે
ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં રાજ્યના ૨૦ ચીફ ઓફિસરોની બદલી કરવામાં આવેલ છે જેમાં મોરબી નગરપાલિકામાં થોડા સમય પહેલા જ મૂકવામાં આવેલા ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલાની પણ મોરબી નગરપાલિકા ખાતેથી બદલી કરીને હળવદ ખાતે મુકવામાં આવેલ છે જેથી કરીને અચાનક જ મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરની બદલી કરવામાં આવી હોય તેને લઈને અનેક ચર્ચાઓ નગરપાલિકામાં થઈ રહી છે હાલમાં પાલિકાના વર્તુળો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીમાં થોડા સમય પહેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા આવ્યા હતા અને ત્યાર પહેલા નગરના રસ્તાઓની સફાઈ, તૂટેલા રસ્તાના રીપેરીંગ કામ, કચરાના ઢગલાના નિકાલ, રજડતા ઢોર સહિતના જે પ્રશ્નો હતા તેને તાત્કાલિક યુદ્ધના ધોરણે ઉકેલવા માટે થઈને ચીફ ઓફિસરને ભાજપના ઉચ્ચ હોદ્દેદારો અને પદાધિકારીઓ દ્વારા કહેવામાં આવ્યું હતું તેમ છતાં પણ તે કામગીરીમાં ક્યાંકને ક્યાંક ચીફ ઓફિસર દ્વારા બેદરકારી રાખવામાં આવી હોય તેવો ઘાટ જોવા મળ્યો હતો જેથી કરીને જે તે સમયે ચકમક પણ જરી હતી અને ત્યારબાદ આ મુદ્દાને લઈને તેની સેનીટેશન વિભાગના જવાબદાર કર્મચારીને પાલિકાના ચીફ ઓફિસર દ્વારા શોકોઝ નોટિસ પણ આપવામાં આવી હતી
ત્યારબાદ છેલ્લા દિવસોમાં પાલિકાના ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલાની ઓફિસમાં પાલિકાના જ એક કર્મચારીને પાલિકાના અન્ય કર્મચારીઓ અને બહારના લોકોની હાજરીમાં બેફામ વાણી વિલાસ (ગાળો જે બોલી, લખી કે સાંભળી ન શકાય) કરીને ખખડાવવામાં આવ્યા હતા જેથી કરીને વાતાવરણ તંગ બની ગયુ હતુ અને ત્યારે ન માત્ર એક તરફેથી પરંતુ બંને બાજુથી બેફામ વાણી વિલાસ કરવામાં આવ્યો હતો અને ઝઘડો થાય તેવી પરિસ્થિતિ ઊભી થઈ હતી તેવું પણ પાલિકાના કર્મચારીઓમાં ચર્ચાઇ રહ્યું છે અને આ મુદ્દો હાલમાં ન માત્ર પાલિકાના પટાંગણમાં ચર્ચાનો વિષય છે પરંતુ રાજકીય વર્તુળોમાં પણ ચર્ચાનો વિષય બનેલ છે કારણ કે મોરબી નગરપાલિકામાં ચીફ ઓફિસર તરીકે સંદીપસિંહ ઝાલાને મુકવામાં આવ્યા બાદ કેટલાક હંગામી કહ્યાગરા કર્મચારીઓને ચીફ ઓફિસર દ્વારા છુટા કરવામાં આવ્યા હતા.
આટલું જ નહીં મોરબી નગરપાલિકામાં વર્ષોથી અસ્તિત્વમાં હોય તેવી કમિટીનું અસ્તિત્વ જ નથી તેવું કહીને જે તે કમિટીના ચેરમેનને પણ હાંસિયામાં ધકેલી દેવામાં આવ્યા હતા જેથી કરીને આ તમામ મુદ્દાઓને લઈને ક્યાંકને ક્યાંક ચૂંટાયેલા પ્રતિનિધિઓ, પદાધિકારીઓ અને કર્મચારીઓમાં કચવાટની લાગણી હતી અને તેને લઈને સ્થાનિક રાજકીય પ્રતિનિધિઓ, રાજકીય હોદ્દેદારો અને આગેવાનોને તેમજ ગાંધીનગર સુધી આ મુદ્દે રજૂઆતો કરવામાં આવી હતી અને છેલ્લે જે ઘટનાક્રમ પાલિકાની અંદર ચીફ ઓફિસરની ચેમ્બરમાં પાલિકા કર્મચારી સાથે બેફામ વાણી વિલાસનો થયો હતો તેને લઈને તાત્કાલિક અસરથી મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરને મોરબીમાંથી ઉથલાવવામાં આવ્યા હોય તેવી ચર્ચા હાલમાં પાલિકાના કર્મચારીઓમાં અને રાજકીય વર્તુળોમાં થઈ રહી છે જોકે ખરેખર મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરની કયા કારણોસર તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે તે રહસ્ય હજુ પણ ક્યાંકને ક્યાંક અકબંધ હોય તેવું જોવા મળી રહ્યું છે