ટંકારાના છતર પાસે બસના ચાલકે બાઈકને હડફેટે લેતા ઇજા પામેલ આધેડ સારવારમાં
વાંકાનેરના નાણાકીય ઉચાપત કાંડની અસર: મોરબી જિલ્લામાં પાંચેય પંચાયતની શિક્ષણ શાખામાંથી શિક્ષકોને હટાવવા આદેશ
SHARE
વાંકાનેરના નાણાકીય ઉચાપત કાંડની અસર: મોરબી જિલ્લામાં પાંચેય પંચાયતની શિક્ષણ શાખામાંથી શિક્ષકોને હટાવવા આદેશ
મોરબી જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી વાંકાનેર તાલુકામાં શિક્ષણ વિભાગમાં કરવામાં આવેલ નાણાકીય ઉચાપતના કૌભાંડની ચર્ચાઓ થઈ રહી છે જોકે, આ કૌભાંડ કરનારાઓની સામેના અનેક પુરાવા હોવા છતાં તેને નજર અંદાજ કરીને હજુ સુધી કોઈ પણ કૌભાંડીઓની સામે નકર પગલાં લેવામાં આવ્યા નથી તેવામાં મોરબી જિલ્લા પંચાયત ખાતેથી જાણવા મળતી માહિતી મુજબ મોરબી જિલ્લાના વાંકાનેર ખાતે થયેલ ભ્રષ્ટાચારને ધ્યાનમાં રાખીને જિલ્લાની તમામ તાલુકા પંચાયતોમાં શિક્ષણ વિભાગમાં શિક્ષકો દ્વારા જે કામગીરી કરવામાં આવી રહી છે તેની જગ્યાએ તાલુકા પંચાયતના રેગ્યુલર સ્ટાફને મૂકવા માટે થઈને તત્કાલિન ડીડીઓ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે જોકે આ આદેશને દોઢ મહિના કરતાં વધુ સમય થઈ ગયો છે તેમ છતાં પણ તેની અમલવારી કરવામાં આવી નથી ! ત્યારે સવાલ એ ઉભો થાય છે કે મોરબી જિલ્લામાં ડીડીઓ દ્વારા કરવામાં આવેલ આદેશની પણ જો અમલવારી કરવામાં આવતી ન હોય તો ભ્રષ્ટાચાર કેવી રીતે રોકી શકાશે
મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં શિક્ષક ન હોય તેવા વ્યક્તિઓના ખાતામાં પણ રૂપિયા જમા કરાવીને નાણાકીય ઉચાપત કરવામાં આવી છે અને કૌભાંડ કરાયું છે આટલું જ નહીં પરંતુ અન્ય પણ ઘણી બાબતોમાં નાણાકીય ગેરરીતી કરીને લાખો રૂપિયાની ઉચાપત કરવામાં આવી છે જેથી કરીને મોરબીના તત્કાલીન ડીડીઓ દ્વારા રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામકને અહેવાલ મોકલીને નાણાકીય ઉચાપતની જે બાબતો સામે આવી છે તેને ધ્યાનમાં રાખીને શિક્ષક, સીઆરસી સહિતનાઓની સામે ફોજદારી ફરિયાદ નોંધવા માટે થઈને જાણ કરવામાં આવી છે જોકે, હજુ સુધી આ બાબતે કોઈ ફરિયાદ નોંધવામાં આવી નથી તેવામાં જાણવા મળતી વિગત મુજબ મોરબી જિલ્લાની તમામ તાલુકા પંચાયતોમાં શિક્ષણ વિભાગની કામગીરીમાં તાલુકા પંચાયતના રેગ્યુલર સ્ટાફના બદલે મોટાભાગે જુદી જુદી શાળાઓમાંથી તાલુકા પંચાયતમાં શિક્ષણ વિભાગમાં શિક્ષકોને મૂકવામાં આવ્યા છે અને વાંકાનેર તાલુકા પંચાયત કચેરીનું લોકલ ફંડ દ્વારા જે ઓડિટ કરવામાં આવ્યું છે તેમાં શિક્ષણ શાખામાં શિક્ષકો દ્વારા કામગીરી કરવામાં આવતી હતી તેમાં ભ્રષ્ટાચાર થયેલ છે તેવું સામે આવ્યું છે જેથી કરીને તાલુકા પંચાયત કચેરીના શિક્ષણ વિભાગમાં કામ કરતા શિક્ષકોની જગ્યાએ તાલુકા પંચાયતના રેગ્યુલર કર્મચારીઓને મુકવા માટે થઈને આદેશ કરવામાં આવ્યો છે
મોરબી જિલ્લા પંચાયતના તત્કાલીન ડીડીઓ પરાગ ભગદેવ દ્વારા ગત તા. ૨૦/૩/૨૦૨૩ ના રોજ લેખિત આદેશ કરીને મોરબી જિલ્લામાં આવેલ મોરબી, માળિયા, હળવદ, ટંકારા અને વાંકાનેર તાલુકા પંચાયતમાં શિક્ષણ વિભાગની અંદર કામ કરતાં શિક્ષકોની જગ્યાએ તાલુકા પંચાયતના રેગ્યુલર સ્ટાફને મૂકવામાં આવે તેવો હુકમ કરવામાં આવ્યો છે જેમાં જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક જેવા કર્મચારીઓને શિક્ષણ શાખાની કામગીરી સોંપવા માટે કહેવામાં આવ્યું છે અને આ લેખિત આદેશની અમલવારી કરીને તાત્કાલિક તે અંગેની જાણ ડીડીઓને કરવા માટેની સૂચના પણ આપવામાં આવી હતી તેમ છતાં પણ આજની તારીખે મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં શિક્ષણ વિભાગની અંદર જે કર્મચારીઓ કામ કરી રહ્યા છે તેમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી ! અને જુદી જુદી સરકારી શાળાઓમાંથી જિલ્લા પંચાયતના શિક્ષણ વિભાગમાં મૂકવામાં આવેલા શિક્ષકો દ્વારા જ શિક્ષણ વિભાગની કામગીરી કરવામાં આવી રહી છે ? આવા સંજોગોમાં શિક્ષણ વિભાગની અંદર ચાલતા ભ્રષ્ટાચારને કેવી રીતે રોકી શકાય તે સૌથી મોટો સવાલ અહીં ઉભો થઈ રહ્યો છે
અત્રે ઉલ્લેખનીય છે કે ભ્રષ્ટાચાર મુક્ત શાસનની વાતો કરવામાં આવી રહી છે પરંતુ ડગલેને પગલે લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થતો હોય તેવું અનેક જગ્યાએ જોવા અને સાંભળવા મળી રહ્યું છે અને જો વાંકાનેર તાલુકાની વાત કરીએ તો વાંકાનેર તાલુકામાં પગાર બિલમાં મોટા પ્રમાણમાં ગેરરીતિ કરવામાં આવી હોય અને સરકારી ચોપડે શિક્ષક તરીકે ન હોય તેવા વ્યક્તિઓના ખાતામાં પણ પગાર જમા કરીને સરકારી નાણાંની ઉચાપત કરવામાં આવી છે આવી ગંભીર બાબત ઓડિટ દરમિયાન સામે આવી હોવા છતાં પણ હજુ સુધી નાણાકીય ઉચાપતરાઓની સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી નથી. આટલું જ નહીં પરંતુ ડીડીઓ દ્વારા જે લેખિત આદેશ કરવામાં આવ્યો છે તેમાં પણપણે સ્પષ્ટ લખવામાં આવ્યું છેકરના કે “લોકલ ફંડ દ્વારા ઓડિટ થતા શિક્ષણ વિભાગમાં શિક્ષકો દ્વારા થતી કામગીરીમાં ભ્રષ્ટાચાર થયેલ હોય શિક્ષણ વિભાગમાં કામ કરતાં શિક્ષકોને તાત્કાલિક ત્યાંથી હટાવીને તાલુકા પંચાયતના રેગ્યુલર કર્મચારીઓને ત્યાં કામગીરી સોંપવામાં આવે” આમ વાંકાનેરની તાલુકા પંચાયત કચેરીના શિક્ષણ વિભાગની અંદર ભ્રષ્ટાચાર થયો છે તે વાતને મોરબી જિલ્લાના તત્કાલીન ડીડીઓ દ્વારા પણ તેના લેખિત આદેશમાં સમર્થન આપવામાં આવ્યું છે આટલું જ નહીં પરંતુ તેમણે નાણાકીય ઉચાપત કરનારા, સીઆરસી સહિતનાઓની સામે ફરિયાદ નોંધવા માટે થઈને રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામકને સંપૂર્ણ અહેવાલ મોકલ્યો હતો તેમ છતાં પણ હજુ સુધી કોઈ કાર્યવાહી થયેલ નથી ! અને શિક્ષણ વિભાગની અંદર કામ કરતા શિક્ષકોની જગ્યાએ રેગ્યુલર કર્મચારીઓને મૂકવામાં આવ્યા નથી ? તો શા માટે ડીડીઓના આદેશની પણ અમલવારી મોરબી જીલ્લામાં થતી નથી તે પણ તપાસનો વિષય છે.