મોરબી-પ્રભુનગરમાં સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયાની સ્મૃતિમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પ
મોરબીમાં આશરે ૨૫થી ૩૦ હજાર હેક્ટરમાં ચેરના જંગલો: દરિયાઇ ખારાશ આગળ વધતી અટકાવે
SHARE
મોરબીમાં આશરે ૨૫થી ૩૦ હજાર હેક્ટરમાં ચેરના જંગલો: દરિયાઇ ખારાશ આગળ વધતી અટકાવે
૨૬ જુલાઈ એટલે વિશ્વ ચેર સંરક્ષણ દિવસ. લોકો ચેરનું મહત્વ સમજે અને જાગૃત બની ચેરના સંરક્ષણમાં મહત્વની ભૂમિકા ભજવે તેવા ઉમદા આશય સાથે સમગ્ર વિશ્વમાં ચેર સંરક્ષણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ચેરના વૃક્ષને દરિયાકાંઠાનું કલ્પવૃક્ષ કહેવામાં આવે છે કારણ કે, તે સમગ્ર કિનારાના વિસ્તારની કાયાકલ્પ કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. ચેરના વૃક્ષની સૌથી અગત્યની બાબત એ છે કે, તે બહુ મોટા પ્રમાણમાં કાર્બનનું ગ્રહણ કરી જીવસૃષ્ટિ માટે પ્રાણવાયુ એવા ઓક્સિજનનું સર્જન કરે છે. ચેર એ વિશ્વનું સૌથી વધુ ઉત્પાદક નિવસનતંત્ર છે, જે માછલી, કરચલા અને અન્ય પ્રાણીઓ માટે રહેઠાણ પ્રદાન કરે છે. ધોવાણ અને વાવાઝોડાના નુકસાનથી કિનારાને સુરક્ષિત કરવામાં મદદ કરે છે અને પાણીમાંથી પ્રદૂષકોને ફિલ્ટ૨ કરે છે.
ચેરનું મહત્વ સમજી દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 'MISHTI’ (મેન્ગ્રોવ ઇનિશિયએટિવ ફોર શોરલાઈન હેબીટેટ એન્ડ ટેન્જીબલ ઇન્કમ) અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાનના ભાગરૂપે દેશમાં ૭૫ થી વધુ જગ્યાઓએ ચેરના વૃક્ષનું વાવેતર હાથ ધરવામાં આવ્યું છે. જેમાં ગુજરાત રાજ્યના અમદાવાદ, આણંદ, કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, નવસારી, ભરૂચ, ભાવનગર, વલસાડ અને સુરત જિલ્લાની સાથે મોરબીમાં પણ મિષ્ટી કાર્યક્રમ હેઠળ ચેર (મેન્ગ્રોવ)ના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. આ અભિયાન હેઠળ મોરબી જિલ્લામાં ૨૫૦ હેક્ટરથી વધુ વિસ્તારમાં ચેરનું વાવેતર કરવામાં આવ્યું છે.
સમગ્ર ભારતમાં ગુજરાત રાજ્ય સૌથી લાંબો ૧૬૦૦ કિલોમીટરનો દરિયા કિનારો ધરાવે છે. ત્યારે દરિયાઈ વિસ્તારની સાથે ચેરના વૃક્ષનું પણ ગુજરાતમાં મહત્વ અનેરૂં છે. સુંદરવન બાદ ગુજરાત ચેરના વૃક્ષોના આવરણ વિસ્તારની દ્રષ્ટિએ ભારતમાં બીજો ક્રમ ધરાવે છે. ચેરના વૃક્ષોના સંરક્ષણ અને સંવર્ધન માટે લોકો જાગૃત થાય તે માટે આ મિષ્ટી પ્રોજેક્ટ ખૂબ જ મહત્વનો છે. મોરબી જિલ્લામાં વન વિભાગ હેઠળ ૭૭૭૦ હેક્ટર વિસ્તાર ચેરના જંગલો આવેલા છે. ઉપરાંત નવલખી બંદર તેમજ નીલ સર્વે નંબર હેઠળ આશરે ૧૫ થી ૨૦ હજાર હેક્ટર વિતારમાં ચેરના જંગલો આવેલા છે, આમ જિલ્લામાં આશરે ૨૫ થી ૩૦ હજાર હેક્ટર વિતારમાં ચેરના જંગલો આવેલા છે. જિલ્લા વન વિભાગ દ્વારા મિષ્ટી પ્રોજેક્ટ હેઠળ ૨૫૦ હેક્ટર વિસ્તારમાં ચેરનું વાવેતર કરવામાં આવ્યું છે. ઉપરાંત વન વિભાગ હેઠળના અન્ય વિસ્તારમાં પણ ચેરનું વાવેતર કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
ચેર એ માટીનું ધોવાણ અટકાવે છે જેથી તે દરિયાકાંઠા વિસ્તારમાં કુદરતી દિવાલ તરીકે કાર્ય કરે છે. ચેર એ દરિયાઇ ખારાશ આગળ વધતી અટકાવે છે. ઉપરાંત તે દરિયાઇ બળતણ તેમજ ઔષધી તરીકે પણ મહત્વ ધરાવે છે. ચેર એ દરિયાઈ તોફાનો, સુનામી જેવા ભયાનક વિનાશથી દરિયાકાંઠાને બચાવે છે. તદઉપરાંત દુષ્કાળ સમયમાં માલ-ઢોરના ચારા તરીકે ઉપયોગમાં લેવાય છે. જળચર જીવો માટે અને દરિયા કિનારાના સંવર્ધન માટે પણ ચેર સવિશેષ મહત્વ ધરાવે છે. મેન્ગ્રોવના મૂળ જમીનના ધોવાણથી આવેલ કાંપને અસરકારક રીતે પકડીને ફિલ્ટરનું કામ કરે છે. ખારાશવાળા સખત દરિયાઈ પવનોને મેન્ગ્રોવ આગળ વધતા અટકાવે છે. મેન્ગ્રુવ મોટા જથ્થામાં પાંદડા ઉત્પન્ન કરે છે જેમાંથી ઉત્પન્ન થતા સેન્દ્રિય બાયોમાસ દરિયાઈ જીવો માટે ખોરાક તરીકે કામ આવે છે. મેન્ગ્રુવના વૃક્ષો વિવિધ પ્રકારના પક્ષીઓને રહેઠાણ તેમજ સંવર્ધન આશ્રયસ્થાન પૂરૂ પાડે છે અને સ્થાનિક હવામાન પણ સુધારે છે.
ચેરના વૃક્ષો મોટાભાગે દરિયા કિનારાના કાદવવાળા વિસ્તારોમાં જોવા મળે છે. આ પ્રકારના વૃક્ષો ખારા પાણીમાં ઉગવા માટેની વિશેષ ક્ષમતાવાળું કુદરતી અનુકૂલન ધરાવતા હોય છે. આ વૃક્ષો નદીઓના મુખ ત્રિકોણ પ્રદેશમાં પણ સારી સંખ્યામાં જોવા મળે છે. મોરબી જિલ્લાના બેટ તેમજ ખાડી વિસ્તારોમાં કુદરતી રીતે 'એવિસિનીયા મરીના' પ્રજાતિના વૃક્ષો જોવા મળે છે આ ઉપરાંત વન વિભાગ દ્વારા છેલ્લા થોડા વર્ષોમાં આ વિસ્તારોમાં ચેરની બે પ્રજાતિ 'રાઈઝોફોરા મ્યુક્રોનાટા' તથા 'સિરીઓપ્સ ટગલ'નું વાવેતર કરવામાં આવ્યું છે. આ બંને પ્રજાતિની હાજરી પણ મોરબીમાં હવે જોવા મળી રહી છે. ચેરના જંગલો અને વાવેતરને વાવાઝોડા, દરિયાઈ તોફાનો, ભૂકંપ, આબોહવા જેવા કુદરતી પરિબળો અસર કરે છે. વાવાઝોડા અને દરિયાઈ તોફાનના લીધે ચેરના વૃક્ષો મૂળ સાથે ઉખડી જાય છે. આ ઉપરાંત, ભારે પવનોના લીધે ચેરના વૃક્ષોની ડાળીઓ, પાંદડા તૂટી જાય છે જેના લીધે વૃક્ષ સૂકાઈ જાય છે.
ચેર એ ભારે પવન અને તોફાનોથી કિનારાનું ધોવાણ અટકાવે છે અને દરિયાઈ તોફાન કે વાવાઝોડા વખતે તેની અસરને ખાળવામાં મદરૂપ બને છે. ઉપરાંત લોકો માટે ઓક્સિજનનું પણ આ વૃક્ષો મહત્વનું અંગ છે ત્યારે વન વિભાગ દ્વારા વિવિધ સેમીનાર કરી તેમને ચેરના વૃક્ષનું મહત્વ સમજાવવા પ્રયાસ કરવામાં આવે છે. જેથી દરિયા કાંઠાના લોકો પણ ચેરના સંવર્ધનમાં મહત્વનું યોગદાન આપી રહ્યા છે.









