મોરબી યુ.એન. મહેતા આર્ટ્સ કોલેજના આચાર્યનાં વિદાય સમારોહમાં રાજ્ય મંત્રી મેરજા હાજર રહયા
SHARE









મોરબી યુ.એન. મહેતા આર્ટ્સ કોલેજના આચાર્યનાં વિદાય સમારોહમાં રાજ્ય મંત્રી મેરજા હાજર રહયા
મોરબીની શ્રી સર્વોદય એજ્યુકેશન સોસાયટીના આચાર્ય ડૉ. એલ.એમ. કંઝારિયાના નિવૃતિ પ્રસંગે વિદાય સમારંભનું આયોજન રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું આ વિદાય સમારંભમાં મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ નિવૃત થતાં સંસ્થાના આચાર્ય ડૉ. એલ.એમ. કંઝારિયાના શૈક્ષણિક કાર્યો અને કાર્યપદ્ધતિ અંગે પ્રકાશ પાડી શિક્ષણ ક્ષેત્રમાં તેમણે કરેલા પ્રદાનને બિરદાવ્યું હતું. વધુમાં મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ જણાવ્યું હતું કે, સંસ્થાના પૂર્વ પ્રમુખ છબીલભાઇ સંઘવીએ જે જવાબદારી ડૉ. કંઝારીયાને સોંપી છે તેને નિષ્ઠાપૂર્વક નીભાવી આ સંસ્થાને શ્રેષ્ઠ બનાવવામાં મહત્તમ ફાળો આપ્યો છે.
આ કાર્યક્રમના પ્રારંભે સંસ્થાના પ્રમુખ પ્રદિપભાઇ વોરાએ પ્રસંગોચિત્ત ઉદ્દબોધન કરી સંસ્થાના કાર્યો અંગે વિસ્તારથી સૌને વાકેફ કર્યા હતા. જ્યારે સંસ્થાના કે. આર. દંગીએ પ્રાસંગિત પ્રવચન કર્યું હતું. સંસ્થાના આગેવાન કેતનભાઇ દફતરી દ્વારા નિવૃત થતાં આચાર્ય ડૉ. એલ.એમ. કંઝારિયાને આપવામાં આવેલ બહુમાનપત્રનું વાંચન કર્યુ હતું. આ પ્રસંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ ડૉ. વિજયભાઇ દેસાણીએ નિવૃતિ બાદ પણ એલ.એમ. કંઝારીયા આ સંસ્થાને પોતાનો લાભ આપતા રહેશે તેવી અભિલાષા વ્યક્ત કરી હતી. સાંસદ મોહનભાઇ કુંડારીયાએ પ્રાસંગિક ઉદ્દબોધનમાં જણાવ્યું હતું કે, દેશ સેવામાં કાર્યરત અનેક યુવાનો કંઝારીયાના માર્ગદર્શન હેઠળ તૈયાર થયા છે. અને નિવૃત થનાર આચાર્ય ડૉ. એલ.એમ. કંઝારિયાએ પોતાના પ્રતિભાવમાં જણાવ્યું કે, સંસ્થા દ્વારા હંમેશા અપેક્ષા કરતાં વધુ સન્માન મળ્યું છે. આ વિદાય સમારંભમાં સર્વોદય સંસ્થા સાથે જોડાયેલ વિદ્યાર્થીઓ, શિક્ષણ સ્ટાફ તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન કેતનભાઇ દફતરી અને કાર્યક્રમના અંતે સંસ્થાના અરૂણભાઇ વોરા દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.
