વાંકાનેર તાલુકાના કણકોટ પાસે કુવામાં ઇકો કાર ખાબકતા અમદાવાદના એક જ પરિવારના ચાર સભ્યોના મોત
SHARE









કેતન ભટ્ટી દ્વારા, મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકામાં આવતા કણકોટ ગામ પાસે કૂવામાં ઇકો કાર ખાબકી હતી જેથી કરીને એક જ પરિવારના બે મહિલા અને બે બાળકો આમ કુલ મળીને ચાર વ્યક્તિના ઘટના સ્થળે મોત નિપજયા હતા જોકે કારચાલક અકસ્માત સર્જાયા બાદ ઘટના સ્થળેથી નાસી ગયેલ છે જેથી કરીને હાલમાં અમદાવાદના વૃદ્ધે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ઇકો કારના ચાલકની સામે ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં રહેતા રતિભાઈ ભવનભાઈ પ્રજાપતિ (69) હાલમાં ઇકો કાર નંબર જીજે એચ ઝેડ 1453 ના ચાલકની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે વાંકાનેર તાલુકાના કણકોટ ગામના પાટિયા પાસે કાર ચાલકે પોતાની કાર રોડની સાઈડમાં નીચે ઉતારી દેતાં કાર કુવામાં ખાબકી હતી જેથી કરીને કારમાં બેઠેલ તેના પત્ની મંજુલાબેન રતિલાલભાઈ પ્રજાપતિ (60) તેમનાં પુત્રવધૂ મીનાબેન દિનેશભાઈ પ્રજાપતી(43) તેમના પૌત્ર આદિત્ય દિનેશભાઈ પ્રજાપતિ (16) અને પૌત્ર દિનેશભાઈ પ્રજાપતિ (7) ના ઘટનાસ્થળે જ મોત નિપજયા હતા
વધુમાં પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં રહેતા રતિભાઈ પ્રજાપતિ અને તેનો પરિવાર દિવાળીની રજા હોવાથી સોમનાથ દ્વારકા બાજુ ફરવા માટે પોતાના ઘરેથી ઇકો કારમાં નિકળ્યા હતા અને સોમનાથ બાજુ દર્શન કરીને પરત મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં થઈને મકનસર ગામે તેઓના કોઈ સંબંધી રહેતા હોય તેમના ઘરે આવતા હતા ત્યારે ઇકો કારના ચાલકને ઝોકું આવી જતાં તેની કાર રોડની સાઈડમાં નીચે ઉતરી ગઈ હતી અને રોડની બાજુમાં આવેલ કુવાની અંદર કાર ખાબકી હતી જોકે કારચાલક અને રતિભાઈ તેમજ તેનો દીકરો દિનેશભાઈ પ્રજાપતિ આગળના ભાગે બેઠેલા હોય તેઓ કોઈ રીતે કારમાંથી બહાર નીકળી ગયા હતા જેથી તેમને સામાન્ય ઈજા થઈ હતી
જો કે કારનો પાછળનો દરવાજા ન ખુલવા ના કારણે પાણી ભરેલા કુવામાં કાર ખાબકી હતી જેથી કરીને કારમાં બેઠેલ ફરિયાદીના પત્ની મંજુલાબેન તેની પુત્રવધૂ મીનાબેન અને બે પૌત્ર આદિત્ય અને ઓમના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે આમ એક જ પરિવારના ચાર સભ્યોના ઘટના સ્થળેજ મોત નિપજતા પ્રજાપતિ પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે હાલમાં વાંકાનેર તાલુકા પોલીસે રતિભાઈ પ્રજાપતિની ફરિયાદ લઈને ઇકો કારના ચાલક સામે ગુનો નોંધી તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
