એક મર્ડર કરેલ છે, તારું મર્ડર કરતાં વાર નહીં લાગે: મોરબીમાં વ્યાજના રૂપિયા વસૂલવા યુવાનને ધમકી
માળીયા (મી)ના બગસરા ગામે રહેતા યુવાને વ્યાજે લીધેલ રૂપિયા કરતાં વધુ રકમ ચૂકવી દીધી છતાં 65 હજારની પઠાણી ઉઘરાણી ચાલુ !
SHARE
માળીયા (મી)ના બગસરા ગામે રહેતા યુવાને વ્યાજે લીધેલ રૂપિયા કરતાં વધુ રકમ ચૂકવી દીધી છતાં 65 હજારની પઠાણી ઉઘરાણી ચાલુ !
માળીયા (મી)ના બગસરા ગામે રહેતા યુવાને 5 ટકાના વ્યાજ લેખે રૂપિયા લીધા હતા અને જેટલા રૂપિયા લીધેલ હતા તેનાથી વધુ રકમ આપી દીધી છે તો પણ તેની પાસેથી વધુ રૂપિયા પડાવવા માટે થઈને વ્યાજની પઠાણી ઉઘરાણી કરવામાં આવી રહી છે અને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવે છે. જેથી ભોગ બનેલ યુવાન દ્વારા માળિયા (મી) તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
જાણવા મળતી માહિતી પ્રમાણે માળિયા તાલુકાના બગસરા ગામે રહેતા સુધીરભાઈ વલ્લભભાઈ પાટડીયા (38)એ દેવશીભાઈ લાલજીભાઈ સરડવા રહે. સરવડ ગામ તાલુકો માળિયા વાળા સામે માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તે જણાવ્યું છે કે તેણે દેવશીભાઈ સરડવા પાસેથી 90 હજાર રૂપિયા 5 ટકાના વ્યાજ લેખે લીધેલ હતા અને તેની સામે તેણે અત્યાર સુધીમાં 1.13 લાખ રૂપિયા વ્યાજ સહિત તેને પાછા આપી દીધા છે તેમ છતાં પણ આરોપી દ્વારા ફરિયાદી પાસેથી વધુ 65,000 રૂપિયાની માંગણી કરવામાં આવી રહી છે અને વ્યાજની પઠાણી ઉઘરાણી કરી ફરિયાદીને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવે છે તેમજ ફરિયાદી પાસેથી બળજબરી પૂર્વક કોરા ચેકમાં સહી કરી કોરા ચેક પડાવી લેવામાં આવેલ છે જેથી ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.