મોરબીમાં સો-ઓરડી ખાતે મંત્રી બ્રિજેશ મેરજાએ રોડ-રસ્તાના કામનું કર્યું ખાતમૂહુર્ત
મોરબી જીલ્લામાં ત્રિદિવસીય આત્મ નિર્ભર ગ્રામ યાત્રાનો રાજપરથી કરાશે પ્રારંભ
SHARE
મોરબી જીલ્લામાં ત્રિદિવસીય આત્મ નિર્ભર ગ્રામ યાત્રાનો રાજપરથી કરાશે પ્રારંભ
સમગ્ર ગુજરાતમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આગામી તા. ૧૮મી નવેમ્બર થી ત્રિદિવસીય આત્મ નિર્ભર ગ્રામ યાત્રાનો શુભારંભ થનાર છે. જે અંતર્ગત મોરબી જિલ્લામાં યોજાનાર ગ્રામ યાત્રાના આયોજન અને આખરી ઓપ આપવા અંગે જિલ્લા કલેક્ટર જે.બી. પટેલના અધ્યક્ષસ્થાને તેમજ જિલ્લા વિકાસ અધિકારી પરાગ જે. ભગદેવના સહ અધ્યક્ષસ્થાને બેઠક યોજવામાં આવી હતી.
કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે યોજાયેલ બેઠકમાં મોરબી જિલ્લાકક્ષાના કાર્યક્રમના શુભારંભ, સમાપન, વિવિધ કામોનું ખાતમૂહુર્ત – લોકાર્પણ અને યોજનાકીય લાભોનું વિતરણ અંગેની વ્યવસ્થા બાબતે ચર્ચા હાથ ધરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા કલેક્ટર જે.બી. પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા ૧૧ જેટલા જુદા જુદા વિભાગોને સાંકળીને વિવિધ વિકાસ કામોના લોકાર્પણ, ખાતમૂહુર્ત અને વિવિઘ વિભાગના લાભાર્થીઓને વિવિધ યોજનાકીય લાભોનું વિતરણ કરવા માટે તા. ૧૮ થી ૨૦ નવેમ્બર દરમિયાન આત્મ નિર્ભર ગ્રામ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવએ બેઠકમાં આત્મનિર્ભર ગ્રામ યાત્રાના રૂટ અંગેની માહિતી આપતા જણાવ્યું હતું કે, મોરબી જિલ્લાની જિલ્લા પંચાયતની ૨૪ બેઠકો માટે બે રથની ફાળવણી કરવામાં આવી છે. જે મોરબી જિલ્લાના પાંચેય તાલુકા અને ૩૫૯ ગામોને સાંકળી લેશે. જિલ્લા કક્ષાનો કાર્યક્રમ મોરબીના રાજપર મધ્યે યોજવામાં આવશે. આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાને બિન અનામત આયોગના ચેરમેન હંસરાજભાઇ ગજેરા ઉપસ્થિત રહી રથને પ્રસ્થાન કરાવશે. દરમિયાન વિવિધ કામોનું લોકાર્પણ, ખાતમૂહુર્ત અને યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવશે. જે ગામમાંથી રથ પસાર થશે તે ગામની શાળા, પંચાયત ઘર, આંગણવાડી, સબ સેન્ટર, વેલનેસ સેન્ટર તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સફાઇ પણ કરવામાં આવશે.
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક મીતાબેન જોષીએ જિલ્લા પંચાયતની બેઠક પ્રમાણે રથના રૂટ અંગે સંકલન કરવા અંગેના માટે સુચનો કર્યા હતા. નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઇલાબેન ગોહિલે આત્મનિર્ભર ગ્રામ યાત્રા અંગે વિવિધ વિભાગોને સોંપવામાં આવેલ કામગીરી અંગે વિશેષ છણાવટ કરી માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠકમાં અમલીકરણ સમિતિના તમામ સભ્યો, જિલ્લા કક્ષાના તમામ અધિકારીઓ, તમામ પ્રાંત અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી તેમજ સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.