મોરબીના પોસ્ટમેન કોઠારીયા નોકરીએ પહોંચે તે પહેલાં કાળ આંબી ગ્યો : કારની ઠોકરે કમકમાટીભર્યું મોત
SHARE






હડાળા - રતનપર ગામ વચ્ચે હિટ એન્ડ રન
મોરબીના પોસ્ટમેન કોઠારીયા નોકરીએ પહોંચે તે પહેલાં કાળ આંબી ગ્યો : કારની ઠોકરે કમકમાટીભર્યું મોત
અજાણ્યો કાર ચાલક 54 વર્ષીય રાજેશભાઇ સુરાણીને ઠોકરે ચડાવી નાસી છૂટ્યો, પરીવારમાં આક્રંદ, કુવાડવા રોડ પોલીસ મથકમાં ગુનો નોંધાયો
હડાળા-રતનપર ગામ વચ્ચે હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે. મોરબીના પોસ્ટમેન કોઠારીયા નોકરી પર પહોંચે તે પહેલાં કાળ આંબી ગયો હતો.
કારની ઠોકરે કમકમાટીભર્યું મોત નિપજતાં પરિવારમાં આક્રંદ છવાયો હતો. અજાણ્યો કાર ચાલક 54 વર્ષીય રાજેશભાઇ સુરાણીને ઠોકરે ચડાવી નાસી છૂટતાં કુવાડવા રોડ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
બનાવ અંગે મોરબીમાં ક્ધયા છાત્રાલય રોડ પર ધર્મવિજય સોસોયટીમાં શિવમ હાઈટ્સમાં રહેતાં મેહુલકુમાર રાજેશભાઈ સુરાણીએ કુવાડવા રોડ પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ એકસપોર્ટ ઇનપોર્ટને લગતો વ્યવસાય કરી પરીવારનું ગુજરાન ચલાવે છે. તેઓ બે ભાઇઓ છે. જેમાં મોટા પોતે અને નાનો કિશનકુમાર છે. તેમના પિતા રાજેશભાઇ શીવલાલભાઈ સુરાણી (ઉ.વ.54) જેઓ રાજકોટના કોઠારીયા ગામમાં આવેલ પોસ્ટ ઓફીસમા પોસ્ટમેન તરીકે નોકરી કરતા હતા.
તેમના પિતા ગઈકાલે બપોરના સાડા બારેક વાગ્યાની આસપાસ તેમના કુંટુંબી મોટા બાપુજીના દિકરા કિશનભાઈ સુરાણીએ ફોન કરી જાણ કરેલ કે, પોલીસ તરફથી ફોન આવેલ હતો કે એક ભાઈને મોરબી રોડ રતનપર ગામ નજીક અકસ્માતમાં ઇજા થવાથી 108 મારફત રાજકોટ સરકારી દવાખાને ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરેલ છે, જે દર્દીનુ નામ આધાર કાર્ડમા સુરાણી રાજેશભાઈ શિવલાલ નામ લખેલ છે. જેથી યુવાન તુરંત મિત્ર સાથે મોરબીથી રાજકોટ સરકારી દવાખાને દોડી આવ્યો હતો.
હોસ્પિટલમાં ઇમરજન્સી રૂમમાં તેમના પિતા બેભાન હાલતમાં હોય અને બનાવ બાબતે તપાસ કરતાં તેમના પિતા મોરબીથી બાઈક લઇ રાજકોટ નોકરીએ આવવા માટે સવારના નિકળી ગયેલ હતા. બાદમાં મોરબી રોડ હડાળા ગામથી રતનપર ગામ તરફ જતા પેટ્રોલ પંપ પાસેથી પસાર થતી સમયે અજાણ્યાકાર ચાલકે હડફેટે લઇ નાસી છૂટ્યો હતો. બાદમાં તેમના પિતાને ફરજ પરના તબીબીએ તપાસી મૃત જાહેર કર્યા હતાં.
બનાવ અંગેની ફરીયાદ પરથી કુવાડવા રોડ પોલીસે અજાણ્યા કાર ચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી હતી. બનાવથી પરીવારમાં કાળો કલ્પાંત છવાયો હતો.


