વાંકાનેર નજીક હાઇવે રોડ ઉપર ભાયાતી જાંબુડીયાના બોર્ડ પાસે આઇસરના ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાનનું મોત
SHARE






વાંકાનેર નજીક હાઇવે રોડ ઉપર ભાયાતી જાંબુડીયાના બોર્ડ પાસે આઇસરના ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાનનું મોત
વાંકાનેર મોરબી નેશનલ હાઈવે રોડ ઉપર આવેલ ભાયાતી જાંબુડીયાના બોર્ડથી મોરબી તરફ જવાના રસ્તા ઉપર જુની અશ્વમેઘ હોટલ સામેથી યુવાન પોતાનું બાઈક લઈને પસાર થતો હતો ત્યારે આઇસરના ચાલકે તેના બાઇકને હડફેટે લીધું હતું.જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો તેમાં યુવાનને મોઢા, ડાબા પગ અને શરીરે ગંભીર ઇજાઓ થઈ હોવાના કારણે તેનું મોત નીપજ્યુ હતું જે બનાવ સંદર્ભે હાલમાં મૃતકના ભાઈ દ્વારા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
જાણવા મળતી માહિતી પ્રમાણે હાલમાં થાનગઢ ખાતે આંબેડકર નગર-૪ નવો વાસ જીઆઇડીસી તરણેતર રોડ ખાતે રહેતા હકાભાઇ મોતીભાઈ ઝાલા (૫૦) એ આઇસર નંબર જીજે ૧૩ ડબ્લ્યુ ૦૬૦૯ ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે વાંકાનેર મોરબી નેશનલ હાઈવે રોડ ઉપર ભાયાતી જાંબુડીયા ગામના બોર્ડથી આગળ મોરબી તરફ જૂની અશ્વમેઘ હોટલ સામેથી તેના ભાઈ રમેશભાઈ મોતીભાઈ ઝાલા (૩૬) પોતાના હવાલા વાળું બાઈક નંબર જીજે ૩ બીકે ૬૦૪૭ લઈને જઈ રહ્યા હતા. ત્યારે આઇસર ગાડીના ચાલકે બેફિકરાઇથી પોતાનું વાહન ચલાવીને ફરિયાદીના ભાઈના બાઈકને હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને તે બનાવમાં ફરિયાદીના ભાઈને મોઢાના ભાગે, ડાબા પગમાં અને શરીરે ગંભીર ઇજા થઇ હોવાથી તેનું મોત નીપજ્યું હતું અને અકસ્માત મૃત્યુના બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ વનરાજસિંહ અભેસિંહ ઝાલા ચલાવી રહ્યા છે.
ટ્રકનું ટાયર ફાટતા ઇજા
મોરબીના બહાદુરગઢ ગામના પાટીયા પાસે ગત તા.૨૭ ના રોજ વહેલી સવારે છ વાગ્યાના અરસામાં ટ્રકનું ટાયર ફાટી ગયું હતું.જેથી સર્જાયેલ અકસ્માત બનાવમાં મોહમ્મદ ઇસ્તખાર શેખ નામના ૧૯ વર્ષના યુવાનને ઇજા પામેલ હાલતમાં મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ લઇ જવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે.બનાવને પગલે તાલુકા પોલીસ મથકના નેહલબેન ખડિયા દ્વારા નોંધ કરી આ બાબતે વધુ તપાસ કરવામાં આવી હતી.જ્યારે મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ પેપર મીલ નજીક થયેલ મારામારીના બનાવમાં રામભજન ચોપાલ નામના ૨૫ વર્ષના યુવાનને ઇજાઓ પહોંચી હતી.જેથી તેને અત્રે ક્રિષ્ના હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.
તેમજ માળીયા મીંયાણા તાલુકાના વેજલપર ગામે રહેતા હિરજીભાઈ જાદવજીભાઈ કૈલા નામના ૭૩ વર્ષના વૃદ્ધ પોતાના પુત્ર સાથે બાઈકમાં પાછળ બેસીને જતા હતા.ત્યારે રસ્તામાં તેઓ અકસ્માતે બાઈકમાંથી નીચે પડી જતા ઇજાગ્રસ્ત હાલતમાં તેઓને અત્રેની ખાનગી હોસ્પિટલે ખસેડાયા હતા.બનાવને પગલે એ ડિવિઝન પોલીસ મથકના ડી.આર. ઝાલાએ પ્રાથમિક તપાસ કરી બનાવ અંગે માળિયા પોલીસને જાણ કરી હતી


