અમદાવાદથી ટેક્સીમાં પેસેંજરને લઈને આવેલા ડ્રાઈવરનું મોરબીના જોધપર પાસે કારમાં જ મોત
માળિયા(મી) તાલુકા પંચાયત કચેરી કે મોતનો માંચડો !: અધિકારી, કર્મચારી અને અરજદારો ઉપર જોખમ
SHARE
માળિયા(મી) તાલુકા પંચાયત કચેરી કે મોતનો માંચડો !: અધિકારી, કર્મચારી અને અરજદારો ઉપર જોખમ
સરકાર દ્વારા માનવી ત્યાં વિકાસની વાતો કરવામાં આવે છે જો કે, મોરબી જીલ્લામાં આવેલા માળિયા તાલુકા પંચાયત કચેરી એક કે બે મહિના નહિ પરંતુ છેલ્લા ઘણા વર્ષથી જર્જરિત છે અને તેનો ઉપયોગ નહિ કરવા માટેનો લેખિતમાં અગાઉ રીપોર્ટ આપી દેવામાં આવ્યો છે તો પણ જોખમી ઓફિસમાં બેસીને ટીડીઓ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ કામ કરે છે જેથી આ બિલ્ડીંગ ગમે ત્યારે અધિકારી અને અરજદાર માટે જોખમી બને તેવી શક્યતા હોવાથી તાત્કાલિક નવું બિલ્ડીંગ બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.
મોરબી જીલ્લામાં આવેલ માળિયા તાલુકા પંચાયતની કચેરી છેલ્લા ઘણા સમયથી જર્જરિત છે અને કચેરીની છતમાંથી ગમે ત્યારે પોપડા પડે છે જેથી કચેરીમાં બેસીને લોકોનુ કામ કરતા અધિકારી અને કર્મચારી તેમજ અહી કામ કરાવવા માટે આવતા અરજદારો માટે સરકારી કચેરી જોખમી બને તેવી શક્યતા છે તો પણ કેમ જવાબદાર અધિકારીના પેટનું પાણી હાલતું નથી તે સૌથી મોટો સવાલ છે અત્રે ઉલેખનીય છે કે, વર્ષ ૨૦૧૭ માં મોરબી જીલ્લામાં ભારે વરસાદ થયો હતો ત્યારે મચ્છુ ડેમમાંથી એકસાથે વધુ પાણી છોડવામાં આવતા માળિયા તાલુકાઓ બેટમાં ફેરાવી ગયો હતો અને લોકોને બચાવવા માટે હેલીકોપ્ટરની મદદ લેવી પડી હતી ત્યારે માળિયા તાલુકા પંચાયત કચેરીમાં ચાર ફૂટ સુધી પાણી વરસાદી પાણી ભરાઈ ગયા હતા અને ઓફિસનું તમામ સાહિત્ય અને ફર્નીચર પાણીમાં ડૂબી ગયું હતું.
ત્યારે બાદ વર્ષ ૨૦૧૮ માં માર્ગ મકાન વિભાગ દ્વારા માર્ચ મહિનામાં સરકારમાં એવો રીપોર્ટ કરવામાં આવ્યો હતો કે આ બિલ્ડીંગમાં બેસીને કામ કરવું સલામત નથી અને આ બિલ્ડીંગ વાપરવા લાયક નથી જેની જીલ્લા પંચાયતના અધિકારીઓને પણ જાણ છે તો પણ જર્જરિત બિલ્ડીંગને કેમ તોડી પાડવામાં આવતું નથી તે સો મણનો સવાલ છે હાલમાં માળિયા તાલુકા પંચાયત કચેરીમાં છતમાંથી ગમે ત્યારે પોપડા પડી રહ્યા છે અને નીચેના ભાગમાં ધાબો પણ બેસી ગયો હોવાથી લાદીઓ પણ નીકળી ગયેલ છે આમ આ કચેરીમાં આવતા લોકો માટે ઉપર અને નીચે બન્ને બાજુ જોખમ છે તે હક્કિત છે.
માળીયાના અગાઉના ટીડીઓ દ્વારા જીલ્લા પંચાયતના બાંધકામ વિભાગમાં જુના બિલ્ડીંગને તોડીને નવું બિલ્ડીંગ બનાવવા માટે લેખિતમાં જાણ કરવામાં આવી હતી જો કે, એક કે બે મહિના નહી પરંતુ છેલ્લા ઘણા વર્ષથી જુના બિલ્ડીંગને તોડીને નવા બિલ્ડીંગને બનાવવા માટેનો કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી જેથી અધિકારીઓ અને કર્મચારીઓ તેની જ કચેરીમાં ભયના ઓથાર નીચે કામ કરી રહ્યા છે એક બાજુ સરકાર દ્વારા ગામોગામ નવા સરકારી બિલ્ડીંગ અને સરકારી કર્મચારીઓ માટેના આવાસ બનાવવામાં આવી રહ્યા તેવા સમયે છેલ્લા ઘણા વર્ષથી સરકારી કચેરી નહિ પરંતુ ગોડાઉન જેવી બની ગયેલ મોતના માંચડા સમાન માળિયા તાલુકા પંચાયત કચેરીમાં બેસીને અધિકારીઓ અને કર્મચારીઓ કામ કરી રહ્યા છે અને અરજદારો પણ તેના કામકાજે આવતા હોવાથી આ કચેરીમાં કોઈ દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી કોની રહેશે તે સૌથી મોટો પ્રશ્ન છે.