મોરબીના રવાપરથી વાંકાનેર જવાનો ઉબડખાબડ રસ્તો રીપેર કરવા કોંગ્રેસનાં ઉપપ્રમુખની માંગ
SHARE









મોરબીના રવાપરથી વાંકાનેર જવાનો ઉબડખાબડ રસ્તો રીપેર કરવા કોંગ્રેસનાં ઉપપ્રમુખની માંગ
મોરબીના રવાપર ગામથી વાંકાનેર તરફ જવાનો રસ્તો જે છે તેના ઉપર પ્રસિદ્ધ જડેશ્વર મહાદેવ મંદિર આવેલું છે અને શ્રાવણ માસ દરમિયાન ત્યાં મોટા પ્રમાણમાં મોરબી શહેર અને તાલુકા વિસ્તારમાંથી લોકો રવાપર થઈને જતા હોય છે જોકે આ રસ્તો ઉબડખાબડ થઈ ગયો હોવાના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી પરિસ્થિતિ છે જેથી કરીને વહેલી તકે આ રોડ બનાવવામાં આવે તેવી મોરબી તાલુકા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ દ્વારા કલેક્ટર સમક્ષ માંગ કરવામાં આવી છે
મોરબી તાલુકા પંચાયતના માજી સભ્ય અને મોરબી તાલુકા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ લલિતભાઈ કસુન્દ્ર દ્વારા હાલમાં કલેકટરને રજૂઆત કરવામાં આવી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, મોરબીના રવાપર ગામથી રવાપરને જોડતો સ્ટેટ હાઇવેનો રોડ છે અને તે રોડ ઉપર જડેશ્વર મહાદેવ મંદિર પણ આવેલ છે. આગામી સમયમાં શ્રાવણ મહિનો આવી રહ્યો છે અને મહાદેવના દર્શન કરવા માટે તથા મેળામાં જવા માટે થઈને રવાપર અને મોરબી તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી મોટાભાગના લોકો રવાપર રોડ ઉપરથી જડેશ્વર મહાદેવ મંદિરે જતા હોય છે જોકે આ રસ્તો ઉબડખાબડ થઈ ગયો હોવાના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે આટલું જ નહીં રવાપર કેનાલ ચોકડીથી ન્યુયરા સ્કૂલ સુધી 500 મીટરના રસ્તામાં બહુમાળી બિલ્ડીંગો ખડકાઈ ગયા છે જેમાં 50,000 થી વધુ ની વસ્તી હોય અને તે લોકોની અવરજવરમાં આ રસ્તા ઉપરથી જ હોય છે તેમજ આ રસ્તા ઉપર શાળાઓ આવેલી હોવાના કારણે ખાનગી શાળાના વાહનોની અવરજવર પણ મોટા પ્રમાણમાં રહેતી હોય છે, અને ખરાબ રસ્તાના કારણે ટ્રાફિકજામ સહિતના પ્રશ્નો ઊભા થતા હોય છે ત્યારે ઉબડખાબડ રોડ રસ્તાને રીપેર કરવામાં આવે તેવી માંગ કરી છે તેની સાથો સાથ હાલમાં જે ખાનગી શાળાઓ આ રસ્તા ઉપર આવેલ છે તે ઉપરાંત અન્ય નવી બે થી ત્રણ મોટી ખાનગી શાળાના બાંધકામો કરવામાં આવી રહ્યા છે અને ગામની વચ્ચે કોની મંજૂરીથી અને સરકારના કયા ધારા ધોરણ મુજબ આ શાળાઓને મંજૂરી આપવામાં આવી છે તે અંગેની ચર્ચાઓ રવાપર ગામમાં થઈ રહી હોવાથી તે બાબતે પણ કલેકટર દ્વારા અંગત રસ લઈને રવાપરના લોકોની સમસ્યાઓને દૂર કરવા માટે કોંગ્રેસના ઉપપ્રમુખ દ્વારા રજૂઆત કરવામાં આવેલ છે.

