માળિયા (મી)ના બોગસ ખેડૂત ખાતેદાર પ્રકરણમાં ઝડપાયેલ આરોપીના 31 મી સુધીના રિમાન્ડ મંજૂર: સાગર ફુલતરિયાનું કનેક્શન ખુલ્યું, આમા પણ ધરપકડ નિશ્ચિત
SHARE








માળિયા (મી)ના બોગસ ખેડૂત ખાતેદાર પ્રકરણમાં ઝડપાયેલ આરોપીના 31 મી સુધીના રિમાન્ડ મંજૂર: સાગર ફુલતરિયાનું કનેક્શન ખુલ્યું, આમા પણ ધરપકડ નિશ્ચિત
માળીયા મીયાણા તાલુકાના બોગસ ખેડૂત ખાતેદાર પ્રકરણમાં સીઆઇડીની ટીમ દ્વારા સરવડ ગામના તત્કાલીન તલાટી મંત્રીની ધરપકડ કરવામાં આવી છે અને આજે તેને રિમાન્ડની માંગણી સાથે માળિયાની કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે તેના તા.31/ 7 ના બપોરના 12:00 સુધીના ડિમાન્ડ મંજૂર કર્યા છે અને આ ગુનામાં મોરબી 602 જમીન કૌભાંડમાં ઝડપાયેલ આરોપી સાગર ફુલતરીયનું ઇન્વોલમેન્ટ સામે આવ્યું છે.જેથી તેની આ ગુનામાં પણ આગામી દિવસમાં ધરપકડ કરવામાં આવશે.તેવું જાણવા મળ્યું છે.
મોરબી જિલ્લા કૌભાંડોની હરમાળા હોય તે રીતે 602 જમીન કૌભાંડ સમગ્ર રાજ્યમાં ગુંજી રહ્યું છે.તેવામાં માળિયા મીયાણા તાલુકાના રહેવાસી મહેશ પ્રભાશંકર રાવલ કે જેઓનું થોડા સમય પહેલા જ બીમારી સબબ અવસાન થયું છે તેમણે પોતાના ત્રણ સંતાનો ઉપરાંત જે મહિલા તેની દીકરી ન હતી તેને બોગસ સોગંદનામુ કરીને તેના આધારે મેળવેલ વારસાઈ આંબામાં દીકરી તરીકે દર્શાવી હતી અને તેના આધારે તેઓની ખેતીની જમીનમાં તે મહિલાને વારસદાર બનાવમાં આવી હતી.જે બાબતે ગત મે મહિનામાં માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મહેશ પ્રભાશંકર રાવલ તથા બોગસ વારસાઈ આંબો બનાવનાર, બોગસ સોગંદનામુ બનાવનાર તથા બોગસ ખેડૂત ખાતેદાર બનેલ અને તેમાં મદદ કરનારની સામે સરવડ ગામના હાલના તલાટી મંત્રી દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
જેની તપાસ હાલમાં રાજકોટ ગ્રામ્યના પીઆઇ કે.કે.જાડેજા અને તેની ટીમ ચલાવી રહી છે અને તેના દ્વારા આરોપી ભરતભાઈ દેવજીભાઈ ખોખર (37) રહે.મોરબી ની ધરપકડ કરવામાં આવી હતી.આ આરોપી અગાઉ સરવડ ગામે તલાટી મંત્રી તરીકે ફરજ બજાવતો હતો ત્યારે તેના દ્વારા બોગસ વારસાઈ આંબો બનાવી દેવામાં આવ્યો હતો.જેથી તેની આ ગુનાના કામે ધરપકડ થયેલ છે અને માળિયા (મી) ની કોર્ટમાં આરોપીને રજૂ કરીને તેના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી.દરમિયાન મદદનીશ સરકારી વકીલ તેમજ તપાસનીસ અધિકારી અને આરોપીના વકીલે કરેલી દલીલોને ધ્યાને રાખીને કોર્ટે આરોપીના તા. 31/ 7 ના રોજ બપોરે 12:00 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.
વધુમાં જાણવા મળતી વિગત પ્રમાણે જે બોગસ વારસાઈ આંબો બનાવવામાં આવ્યો છે તેના માટે જે પંચોની સહી લેવામાં આવી છે.તેના કોર્ટ સમક્ષ નિવેદન લેવામાં આવ્યા છે ત્યારે તેઓએ જણાવ્યું હતું કે જ્યારે તેઓએ વારસાઈ આંબો જોયો હતો ત્યારે તેમાં માત્ર ત્રણ સંતાનોના નામ હતા.ચોથું નામ પાછળથી ઉમેરવામાં આવ્યું છે અને તે વારસાઈ આંબાની અંદર જે છેકછાક અને સુધારા કરવામાં આવ્યા છે.તે હાલમાં પકડાયેલા આરોપી તલાટી મંત્રી દ્વારા કરવામાં આવ્યા હોય તેના હસ્તાક્ષર મેળવીને એફએસએલમાં તેની ખરાઈ કરવા માટેની કાર્યવાહી તપાસ અધિકારીની ટીમ દ્વારા કરવામાં આવશે.
આ ઉપરાંત મહેશ પ્રભાશંકર રાવલ દ્વારા જ્યારે તેમના પત્નીનો મરણનો દાખલો મેળવવા માટે થઈને અરજદારે અરજી કરી આપી હતી.તેમાં કોઈપણ પ્રકારનું પંચરોજ કામ કર્યા વગર જે તારીખે અરજી કરી તે જ દિવસે મરણનો દાખલો ઇશ્યૂ કરી દેવામાં આવ્યો હતો અને હાલમાં પકડાયેલા આરોપીની પ્રાથમિક પૂછપરછ દરમિયાન તેણે કહ્યું હતું કે હાલમાં મોરબીના 602 જમીન કૌભાંડમાં પકડાયેલા આરોપી સાગર ફુલતરીયાએ કહ્યું હતું કે તેની પાસે મહેશ રાવલ અને તેનો દીકરો ઉદય રાવલ આવશે તેને વારસાઈ આંબો કાઢી આપવાનો છે.આમ આ ગુનામાં પણ સાગર ફૂલતરીયાનું ઇન્વોલમેન્ટ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.જેથી કરીને હાલમાં મોરબીના 602 જમીન કૌભાંડમાં પકડાયેલ આરોપીની આગામી દિવસોમાં રાજકોટ ગ્રામ્ય સીઆઈડીના પીઆઇ દ્વારા માળીયા મીયાણા તાલુકાના બોગસ ખેડૂત ખાતેદાર પ્રકરણમાં ધરપકડ કરીને વધુ પૂછપરછ કરવામાં આવશે તેવું જાણવા મળે છે.
