મોરબી: નજીવી વાતમાં કારખાનેદાર અને તેની પત્નીએ શ્રમિકને માર મારતા બંને સામે ગુનો નોંધાયો
SHARE
મોરબી: નજીવી વાતમાં કારખાનેદાર અને તેની પત્નીએ શ્રમિકને માર મારતા બંને સામે ગુનો નોંધાયો
મોરબીના જોધપર ગામ પાસે આવેલ ઔદ્યોગિક વિસ્તારમાં કારખાના પાસે બેઠેલા શ્રમિકને બાજુમાં કારખાના ધરાવતા કારખાનેદાર અને તેના પત્ની દ્વારા માર મારવામાં આવ્યો હતો, જેથી ઇજા પામેલા શ્રમિકે સારવાર લીધા બાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે માર મરનારા કારખાનેદાર અને તેના પત્ની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વળતી ફરિયાદ લઈને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી તાલુકાના જોધપર ગામ પાસે આવેલ મારુતિનંદન પોલીમર્સ કારખાનાની લેબર કોલોનીમાં રહેતા બિંદીયાયલ ઉર્ફે બિંદ લાલમોહન પ્રસાદ નામના યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સંગમ બેવરેજિસના શેઠ દિનેશભાઈ પટેલ તથા તેના પત્ની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, ગત તા. 21/10 ના રોજ સાંજના 4:30 વાગ્યાના અરસામાં ફરિયાદી બજારમાં તેના લેબર કવાર્ટર નજીક ઝૂલા ઉપર બેઠો હતો ત્યારે સંગમ બેવરેજિસ વાળા દિનેશભાઈ તેની પાસે આવ્યા હતા અને જેમ ફાવે તેમ બોલવા લાગ્યા હતા અને ત્યારબાદ ગાળો આપીને પોતાનું ચપ્પલ કાઢીને ફરિયાદીના મોઢા ઉપર માર્યું હતું તેવામાં તેઓના પત્ની પણ ત્યાં આવી ગયા હતા અને ફરિયાદી સાથે ઝઘડો કર્યો હતો જેથી દેકારો થતાં ફરિયાદીનો મિત્ર અર્જુન કારખાનાની બહાર આવ્યો હતો અને તેને છોડાવવા માટે થઈને વચ્ચે પડતા દિનેશભાઈ અને તેના પત્નીએ ઝપાઝપી કરી ઝઘડો કર્યો હતો અને દિનેશભાઈ કહેતા હતા કે “તુમ હિન્દી લોકો કો મારના હૈ ઔર માર કે કેનાલ મેં ફેક દેગે હમારા પોલીસ ઓર કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરે તો કુછ ભી નહી બીગાડ લેંગે” તેવી ધમકી આપી હતી અને આ બનાવમાં ફરિયાદી તથા અર્જુનને માથાના ભાગે ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર લીધા બાદ ભોગ બનેલા યુવાને હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.









