હળવદ તાલુકામાં કરોડો રૂપિયાની સરકારી જમીન પચાવી પાડવાના કૌભાંડમાં પડકયેલા 4 આરોપીઓના 12 સુધીના રિમાન્ડ મંજૂર
SHARE
હળવદ તાલુકામાં કરોડો રૂપિયાની સરકારી જમીન પચાવી પાડવાના કૌભાંડમાં પડકયેલા 4 આરોપીઓના 12 સુધીના રિમાન્ડ મંજૂર
હળવદ તાલુકામાં કોયબા, ઘનશ્યામપુર અને સુંદરી ભવાની ગામે સરકારી જમીનને પચાવી પાડવા માટેનું કૌભાંડ કરવામાં આવ્યું હતું જેથી હળવદના મામલતદારે બે મહિલા સહિત 9 લોકોની સામે ફરિયાદ કરી હતી જે ગુનામાં 4 આરોપીને પકડવામાં આવ્યા હતા અને પકડાયેલ આરોપીઓને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે તેના 12 મી તારીખ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.
હળવદ તાલુકાનાં ત્રણ ગામની સરકારી જમીન પચાવી પાડવા માટેનું કૌભાંડ થયું હતું જેની હળવદના મામલતદાર અલ્કેશભાઇ પ્રફુલચંદ્ર ભટ્ટ (55) એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રમેશભાઈ બાબાભાઈ કોળી, છગનભાઈ નાગજીભાઈ ધારિયાપરમાર, બીજલભાઇ અમરશીભાઈ કોળી, દલાભાઈ રણછોડભાઈ ડાભી, દિનેશભાઈ હમીરભાઇ વનાણી, રાઠોડ માવજીભાઈ ડાભાભાઇ, જશુબેન બાબુભાઈ કોળી, મંજુબેન રત્નાભાઇ કોળી અને વનાણી હમીરભાઈ વજુભાઈ સામે ફરિયાદ કરી હતી જે ગુનામાં હળવદ પોલીસે આરોપી દિનેશભાઈ હમીરભાઇ વનાણી (42) રહે. રાયસીંગપુર, છગનભાઈ નાગજીભાઈ ધારિયાપરમાર (58) રહે. હળવદ, રાઠોડ માવજીભાઈ ડાભાભાઇ (59) રહે. ઘનશ્યામપુર, વનાણી હમીરભાઈ વજુભાઈ (70) રહે. રાયસીંગપુર તાલુકો મુળી વાળાની ધરપકડ કરેલ હતી અને તે આરોપીઓને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીઓના 12 તારીખ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. તેવી માહિતી વાંકાનેરના ડીવાયએસપી સમીર સારડા પાસેથી જાણવા મળેલ છે.
આ કૌભાંડની અધિકારી પાસેથી મળતી માહિતી મુજબ તા. 26/3/2016 થી 17/7/2020 દરમિયાન આરોપીઓએ હળવદ તાલુકાના કોયબા, ઘનશ્યામપુર અને સુંદરીભવાની ગામે રેવન્યુ રેક્ડે ચાલતી સરકારની અલગ અલગ રેવન્યુ સર્વે નંબર વાળી જમીનનું બનાવટી રેકોર્ડ ઉભુ કર્યું હતું અને તેને પચાવી પાડવા માટે સરકારી કચેરીના હોદ્દા વાળા બનાવટી રબર સ્ટેમ્પ બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કર્યો હતો અને પોતાના કબજામાં સ્ટેમ્પ રાખ્યા હતા અને જે તે સમયના સક્ષમ સત્તા અધિકારીઓની ખોટી સહી તથા ખોટા હુકમો કરી ત્રણેય ગામોની અલગ અલગ સર્વે નંબરની કુલ મળીને 344.27 વિધા સરકારી જમીનોની સરકારી કચેરીમાં નોંધ પડાવી પોતાના નામે કરી કરાવીને કૌભાંડ કર્યું હતું. જે ગુનાની તપાસમાં આગામી સમયમાં અનેક ચોંકાવનારી માહિતી સામે આવે તેવી શ્ક્યતા છે.
મોરબી જીલ્લામાં ખડભડાટ મચાવી દેનારા આ કૌભાંડમાં પોલીસે કાવતરા સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટેની તજવીજ શરૂ કરેલ છે અને 9 પૈકીનાં 4 આરોપીઓને તો ગણતરીની કલાકોમાં ઝડપી લેવામાં આવેલ છે જો કે, બાકીના આરોપીઓને પકડવા માટેની તજવીજ ચાલી રહી છે અને આ ગુનાની તપાસનો રેલો હળવદ તાલુકામાં અગાઉ ફરજ બજાવી ગયેલ તત્કાલિન સરકારી અધિકારી તેમજ કર્મચારી સુધી પહોચશે તેવા સંકેત મળી રહ્યા છે જોકે, તપાસમાં પોલીસ શું બહાર આવશે તેના ઉપર સહુ કોઇની નજર મંડાયેલ છે.









