હળવદ તાલુકામાં યુવતીના માતા-પિતા ઉપર જીવલેણ હુમલો કરીને કાકાની હત્યા કરવાના ગુનામાં પ્રેમી સહિત બે આરોપીને આજીવન કારાવાસ
SHARE
હળવદ તાલુકામાં યુવતીના માતા-પિતા ઉપર જીવલેણ હુમલો કરીને કાકાની હત્યા કરવાના ગુનામાં પ્રેમી સહિત બે આરોપીને આજીવન કારાવાસ
હળવદ તાલુકામાં વિસ્તારમાંથી યુવતીના પ્રેમી દ્વારા યુવતીને ભગાડી જવાનો પ્રયાસ કરવામાં આવેલ હતો જો કે, તે નિષ્ફળ જતાં પ્રેમી યુવક સહિત બે શખ્સ યુવતીના માતા પિતાને મારી નાખવા માટે તેના ઘરે ગયા હતા અને ત્યાં મહિલા અને તેના પતિની આંખમાં મરચાનો પાવડર નાખ્યો હતો અને ત્યાર બાદ છરી વડે હુમલો કરીને યુવતીના પિતાને ગંભીર ઇજા કરી હતી ત્યારે તેને બચાવવા માટે યુવતીના કાકા વચ્ચે પડ્યા હતા અને તેને પણ આરોપીએ છરીના ઘા માર્યા હતા જેથી કરીને ઇજા પામેલા બંને ભાઈને સારવાર માટે લઈ ગયા હતા અને સારવાર દરમ્યાન યુવતીના કાકાનું મોત નીપજયું હતું જેથી હત્યનો ગુનો નોંધાયેલ હતો અને તે કેસ મોરબીની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં જિલ્લાના સરકારી વકીલ દ્વારા કરવામાં આવેલ દલીલ અને રજૂ કરાયેલા પુરાવાઓને ધ્યાને લઈને કોર્ટે બંને આરોપીઓને આજીવન કારાવાસ તેમજ જુદીજુદી કલમ હેઠળ કુલ મળીને ૩૫,૦૦૦ નો દંડ ફટકાર્યો છે.
હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદી રંજનબેન લક્ષ્મણભાઈ મોરવાડીયાએ રાજેશભાઈ ઉર્ફે મુન્નો મનજીભાઈ પટેલ અને સુધીરભાઈ પંકજભાઈ વાઘેલાની સામે હત્યાની ફરિયાદ કરી હતી જેમાં જણાવ્યુ હતું કે, આરોપીઓ રાજેશભાઈએ ફરીયાદીની પુત્રી કાજલબેનને અગાઉ ભગાડી જવા પ્રયત્ન કર્યો હતો જે ફળીભુત ન થતા તેનું મનદુખ રાખીને ફરીયાદી અને તેના પતિને મારી નખાવવાના ઈરાદાથી બન્ને આરોપીએ એક સંપ કરીને પુર્વ આયોજીત કાવતરૂ રચીને છરી તથા મરચુ પાવડર સાથે ફરીયાદીના ઘરે આવ્યા હતા અને ફરીયાદી તથા તેના પતિને મરચુ પાવડર ઉડાડી બન્ને આરોપીઓ ગાળો આપી હતી અને છરીથી ફરીયાદીના પતિને ગંભીર ઇજા કરી તેમજ મરણ જનાર ભરતભાઈ મગનભાઈ મોરવાડીયા (૩૦) તેઓને છોડાવવા વચ્ચે પડતા તેને પણ છરીના જીવલેણ ઘા મારીને ઈજા કરી હતી જેથી કરીને ફરિયાદીના પતિ અને ભરતભાઈ મોરવાડીયાને સારવાર માટે લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમ્યાન ભરતભાઈ મગનભાઈ મોરવાડીયાનું મોત નીપજયું હતું જે ગુનામાં પોલીસે બંને આરોપીની ધરપકડ કરી હતી અને આ કેસ મોરબી ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલી જતા મહે. પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ અને સેસન્સ જજ પી.વી.શ્રીવાસ્તવ સાહેબે જિલ્લાના સરકારી વકીલ વિજયભાઈ જાનીની દલીલો તેમજ પુરાવાઓને ધ્યાને રાખીને આરોપી રાજેશભાઈ ઉર્ફે મુન્નો મનજીભાઈ પટેલ અને સુધીરભાઈ પંકજભાઈ વાઘેલાને હત્યાના ગુનામાં દોષિત ઠેરવીને આજીવન કારાવાસ તેમજ જુદીજુદી કલમ હેઠળ કુલ મળીને ૩૫,૦૦૦ નો દંડ ફટકાર્યો છે. અને જો આરોપીઓ દંડની રકમ ન ભરે તો તેને વધુ બે વર્ષની સજા ફરમાવેલ છે. તેવી માહિતી જિલ્લા સરકારી વકીલ પાસેથી મળેલ છે.