મોરબીના પીપળી ગામ પાસે 4 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધાઓ માટે ચક્કાજામ કરતાં વાહનોના થપ્પા, તાબડતોબ ફરિયાદ લેવાની DYSP એ ખાતરી આપતા રસ્તો ખોલ્યો
SHARE
મોરબીના પીપળી ગામ પાસે 4 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધાઓ માટે ચક્કાજામ કરતાં વાહનોના થપ્પા, તાબડતોબ ફરિયાદ લેવાની DYSP એ ખાતરી આપતા રસ્તો ખોલ્યો
મોરબીના જેતપર રોડ પર આવેલ પીપળી ગામ પાસે આજે જુદી જુદી ચાર સોસાયટીના લોકો દ્વારા ચક્કાજામ કરી દેવામાં આવ્યો હતો અને બિલ્ડરો દ્વારા તેઓની સાથે ખેતરપિંડી કરીને મકાનનું વેચાણ કર્યું હોવા છતાં પ્લોટના દસ્તાવેજ કરી આપ્યા છે અને પાકા દસ્તાવેજ તેમજ પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવી નથી જેથી કરીને આજે રોષે ભરાયેલ લોકો ચક્કાજામ કરી દેવામાં આવતા બંને બાજુએ 10 કિલો મીટર સુધી વાહનોના થપ્પા લાગી ગયા હતા અને ત્યારબાદ ડીવાયએસપી એ સ્થળ ઉપર આવીને તાત્કાલિક ફરિયાદ લેવાની ખાતરી આપતા રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો.
મોરબીના જેતપર રોડ ઉપર આવેલ માનસધામ 1, માનસ ધામ 2, ત્રિલોક ધામ અને ગોકુલનગર આ ચાર સોસાયટીના લોકો દ્વારા આજે જેતપર રોડને પીપળી ગામ પાસે ચક્કાજામ કરી દેવામાં આવ્યો હતો અને આ સોસાયટીમાં અંદાજે સાડા ત્રણસો જેટલા મકાન આવેલા છે અને ત્યાં રહેતા લોકોને રોડ રસ્તા, લાઈટ, પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ જે બિલ્ડરોએ આપવાની હોય તે આપવામાં આવી નથી અને બિલ્ડરો દ્વારા સ્થાનિક લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી છે જોકે, આ બાબતે અગાઉ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદ નોંધાઈ હતી અને હજુ પણ તેઓને પ્રાથમિક સુવિધાઓ મળતી ન હોવાથી રોષે ભરાયેલા મહિલાઓ સહિતના લોકો દ્વારા પીપળી ગામ પાસે રસ્તો રોકીને ચક્કાજામ કરવામાં આવ્યો હતો.
જેથી મોરબીથી જેતપર ગામ તરફ આવવા જવાનો મુખ્ય રસ્તો બંધ થતા અંદાજે 10 કિલોમીટર સુધી વાહનોના થપ્પા લાગી ગયા હતા અને વિનોદભાઇ પરમાર અને રૂખિબેન ગોરડીયા સહિતના સ્થાનિક લોકોએ જણાવ્યુ હતું કે, અનેક વખત રજૂઆત કરી છે તેમ છતાં પણ તેમને લાઈટ, પાણી, રોડ રસ્તા જેવી પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવતી નથી અને બિલ્ડરો દ્વારા તેઓને 15 - 15 લાખમાં મકાનનું વેચાણ કરવામાં આવ્યું છે તેમ છતાં પણ કેટલાક લોકોને પ્લોટના દસ્તાવેજ કરી આપવામાં આવ્યા છે અને જેના કારણે તેમના મકાન પીપળી ગ્રામ પંચાયતમાં ચડાવવામાં આવતા નથી અને તેઓને પ્રાથમિક સુવિધાઓ પંચાયત તરફથી મળતી નથી.
સોમવારે સવારે નવ વાગ્યાથી લોકોએ બે કલાક સુધી ચક્કાજામ કરી દેતા જેતપર રોડ ઉપર આવેલા કારખાનાઓમાં નોકરી માટે જતા કર્મચારીઓ, ગ્રામ્ય વિસ્તારોના લોકો તથા માલ સામાનની હેરાફેરી માટે જતા વાહન ચાલકોને કલાકો સુધી રોડ ઉપર ફસાઈ રહેવું પડ્યું હતું અને ત્યારબાદ ડીવાયએસપી વિરલ દલવાડી સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને તેઓએ જુદી જુદી ચાર સોસાયટીના લોકોની જે બિલ્ડરો સામે સ્થાનિક લોકોની ફરિયાદ છે તેઓની સામે સોસાયટી દીઠ એક ફરિયાદ લેવાની ખાતરી આપી હતી જેથી લોકોએ રસ્તો ખોલો આપ્યો હતો જોકે, વાહનોના થપ્પા લાગી ગયા હતા જેથી ટ્રાફિકની ક્લિયર થતા દોઢેક કલાક જેટલો સમય લાગ્યો હતો.









