હળવદ તાલુકામાં મંદિરના વિકાસ માટે ઇનામી ટિકિટનો ડ્રો કર્યા બાદ આયોજકો ગુમ !: 606 વસ્તુઓના વિજેતાઓને ઠેંગો: એક કરોડથી વધુની છેતરપિંડીનો આક્ષેપ
SHARE
હળવદ તાલુકામાં મંદિરના વિકાસ માટે ઇનામી ટિકિટનો ડ્રો કર્યા બાદ આયોજકો ગુમ !: 606 વસ્તુઓના વિજેતાઓને ઠેંગો: એક કરોડથી વધુની છેતરપિંડીનો આક્ષેપ
હળવદ તાલુકાના માથક ગામ પાસે મામાદેવનું મંદિર આવેલું છે તેનો વિકાસ કરવાનો છે તેવું કહીને લોકોને ઇનામી ડ્રો ની ટિકિટો વેચવામાં આવી હતી અને ત્યાર બાદ તાજેતરમાં ઇનામી ડ્રો પણ કરવામાં આવેલ હતો જો કે, ડ્રો કરવામાં આવ્યો તેને 5 દિવસ થઈ ગયા તો પણ વિજેતાને કોઈ વસ્તુ આપવામાં આવેલ નથી. અને તેઓની સાથે છેતરપિંડી કરવામાં આવેલ છે અને હાલમાં આયોજકોના મોબાઈલ ફોન પણ સ્વીચ ઓફ આવે છે અને તેઓ ગુમ થઈ ગયા છે. જેથી લોકો સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવામાં આવેલ છે માટે આ મામલો ચર્ચાનો વિષય બનેલ છે.
હળવદ તાલુકાના માથક અને કડીયાણા ગામ વચ્ચે ખરબાની જગ્યા ઉપર મામાદેવનું મંદિર આવેલું છે અને આ મંદિરનો વિકાસ કરવા માટે થઈને ઇનામી ડ્રો ની ટિકિટ વિશુભાઈ રાજપુત (મામાદેવના ભુવા), મેહુલભાઈ આચાર્ય, ક્રિપાલસિંહ પરમાર, શક્તિસિંહ પરમાર, અર્જુનસિંહ ટાંક, યશપાલસિંહ રાઠોડ, અનિરુદ્ધસિંહ ડોડીયા, જશુભા ડોડીયા સહિતનાઓ દ્વારા બહાર પાડવામાં આવી હતી અને ત્યારબાદ ઇનામી ડ્રો ગત તા. 15/1/2026 ના રોજ મામાદેવના મંદિર ખાતે કરવામાં આવ્યો હતો જોકે ઇનામી ડ્રો માં ડુંગરપર ગામના રહેવાસી રમેશભાઈ સોમાભાઇને 11 લાખની ઈનામ લાગ્યું હતું તેઓને કશું જ આપવામાં આવ્યું નથી અને આવી જ રીતે જુદા જુદા 606 લોકોને જે ઇનામની વસ્તુઓ લાગી છે તે પૈકીના કોઈને એકપણ ઇનામની વસ્તુ કે રૂપિયા આપવામાં આવેલ નથી.
સાપકડા ગામે રહેતા રતભાઈ ભરવાડના ભત્રીજાને 2.51 નું ઈનામ લાગ્યું છે તેઓએ જણાવ્યુ હતું કે, મામાધણી ગ્રુપ દ્વારા જે ડ્રો કરવામાં આવ્યો હતો તેમાં જે ટિકિટો ડ્રમમાં મૂકવામાં આવી હતી તેમાં 40,000 સુધીની સીરીઝના નંબરો જોવા મળેલ છે એટલે કે આયોજકો દ્વારા અંદાજે 40,000 જેટલા લોકોને ટિકિટ વેચવામાં આવી હતી અને એક ટિકિટનો દર 299 રૂપિયા રાખવામાં આવ્યો હતો તે જોતા આયોજકો દ્વારા લોકો પાસેથી 1.20 કરોડ જેટલી રકમ એકત્રિત કરવામાં આવેલ છે અને ઇનામના વિજેતા બનેલા 606 પૈકીનાં એકપણ ટિકિટ ધારકને કોઈ ઈનામ આપવામાં આવ્યું નથી. અને આ ડ્રો ના આયોજકો દ્વારા જે રકમ વધે તેનો ઉપયોગ મામાદેવના મંદિરના વિકાસ અને સેવાકીય કામમાં કરવાની જાહેરાત કરવામાં આવી હતી જેથી લોકોએ ઇનામી ડ્રો ની ટિકિટ સેવાના ભાવ સાથે ખરીદી હતી પરંતુ ડ્રો થયા બાદ આયોજકો બીજા દિવસથી અચાનક ગુમ થઈ જતાં લોકોની સાથે છેતરપિંડી કરવામાં આવી હોય તેવો ઘાટ સર્જાયો છે.
હાલમાં છેતરપિંડીનો ભોગ બનેલ હળવદના રહેવાસી મહેશભાઇ કુપેણીયા સહિતના લોકોના કહેવા મુજબ ધર્મ અને સેવાકીય કામ કરવાના બહાને ઇનામી ડ્રો ની ટિકિટો બહાર પાડવામાં આવી હતી. જેથી ધર્મનું કામ કરે છે તેવું સમજીને લોકોએ એક નહીં પરંતુ 20 થી 25 જેટલી ટિકિટો આયોજકો પાસેથી ખરીદી કરી હતી અને ઇનામી ડ્રો થયા બાદ પીડીએફમાં વિજેતાઓના નામ જાહેર કરવામાં આવશે અને પછી જુદી જુદી વસ્તુઓના વિજેતાઓને આપવામાં આવશે તેવું કહેવામા આવ્યું હતું પરંતુ ઇનામી ડ્રો પૂરો થયા બાદ આયોજક વિશુભાઈ રાજપુતનો મોબાઇલ નંબર સ્વીચ ઓફ આવે છે. અને હાલમાં તેનો કોઈ જગ્યાએથી પત્તો લાગતો નથી જેથી ટિકિટ ખરીદનારાઓ તેમજ જે લોકોને ઈનામી ડ્રોમાં ઇનામ લાગેલ છે તેઓની સાથે વિશ્વાસઘાત અને છેતરપીડી કરવામાં આવેલ છે. જેથી આ મામલો ભવિષ્યમાં પોલીસ મથક સુધી પહોંચે તો નવાઈ નથી.
મોરબી જિલ્લામાં મામાધણી ગ્રૂપ દ્વારા કરવામાં આવેલ ઇનામી ડ્રો હાલમાં ચર્ચાનો વિષય બનેલ છે કેમ કે, માત્ર ગુજરાત જ નહીં ગુજરાત બહાર પણ આ ટિકિટોનું વેચાણ કરવામાં આવ્યું છે. અને જે રીતે ડ્રો સમયે 40,000 જેટલા નંબર સુધીની ટિકિટ બોક્સમાં નાખવામાં આવી હતી તે જોતાં આયોજકો દ્વારા 1.20 કરોડ રૂપિયા ભેગા કરીને વિજેતા બનેલા લોકો કશું જ આપવામાં આવ્યું નથી અને મંદિરનો પણ વિકાસ કરવામાં આવેલ નથી. જેથી ભોગ બનેલ લોકો દ્વારા હવે પોલીસ ફરિયાદ કરવા માટેની ગતિવિધિ શરૂ કરવામાં આવેલ છે. જો કે, હજુ સુધી આ બાબતે પોલીસમાં કોઈ અરજી કે ફરિયાદ થયેલ નથી.