વાંકાનેરમાં રજડતા ખૂટિયા યુદ્ધે ચડતા લોકોના જીવ પડીકે બંધાયા, કર્ફ્યુ જેવો માહોલ
મોરબીના સાહિલ માજોઠીને ભારત પરત લાવવા માટે રાજકોટના સાંસદે કેન્દ્રિય વિદેશમંત્રીને લખ્યો પત્ર
SHARE
મોરબીના સાહિલ માજોઠીને ભારત પરત લાવવા માટે રાજકોટના સાંસદે કેન્દ્રિય વિદેશમંત્રીને લખ્યો પત્ર
મોરબીનો સાહિલ માજોઠી હાલમાં યુક્રેનના ડિટેન્શન સેન્ટર ખાતે રાખવામાં આવેલ છે અને તેને ભારત પરત લાવવા માટે તેની માતા દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તેના ભાગરૂપે તાજેતરમાં તે રાજકોટના સાંસદ પરસોતમભાઈ રૂપાલાને મળવા માટે ગયા હતા ત્યારે બાદ રાજકોટના સાંસદ દ્વારા કેન્દ્ર સરકારના વિદેશ મંત્રીને લેખિતમાં ભલામણ કરીને યુક્રેનના અધિકારી સાથે સાહિલ માજોઠી બાબતે વિદેશ મંત્રાલય મારફતે ચર્ચા કરીને તેને ભારત પરત લાવવા માટેની કાર્યવાહી કરવા વિનંતી કરેલ છે.
મોરબીનો સાહિલ માજોઠી રશિયાની ITMO યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા માટે ગયો હતો અને પાર્ટ-ટાઇમ નોકરી દરમિયાન તેને અજાણતા એક પાર્સલ પહોંચાડવાનું કહેવામાં આવ્યું હતું જેમાં કથિત રીતે ડ્રગ્સ હતું જેથી રશિયામાં તેની ધરપકડ કરવામાં આવી હતી અને સાહિલ પાસે પાર્સલની સામગ્રી વિશે કોઈ જાણકારી ન હોવા છતાં તેને 7 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. અને ત્યાર બાદ રશિયન અધિકારીઓએ કથિત રીતે તેને રશિયન નાગરિકતા સ્વીકારવા અને રશિયન સેનામાં સામેલ કરવા દબાણ કર્યું હતું, પરંતુ તેમણે ના પાડી તેમ છતાં તેને બંદૂક રાખવા દબાણ કર્યું હતું અને યુક્રેનની સરહદ ઉપર મોકલવામાં આવેલ હતો.
જો કે, જીવ બચાવવા અને યુદ્ધમાં બળજબરીથી બચવા માટે તેણે રશિયન-યુક્રેન સરહદ નજીક યુક્રેનિયન અધિકારીઓ સમક્ષ સ્વેચ્છાએ આત્મસમર્પણ કર્યું હતું જેથી કરીને સાહિલને ફક્ત ભારત પરત મોકલવામાં આવે અને તેણે રશિયા પરત ન મોકલવામાં આવે તેવી તેના માતા હસીનાબેન દ્વારા રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલાને રજૂઆત કરવામાં આવી છે. જેથી કરીને રાજકોટના સાંસદ પરષોત્તમ રૂપાલાએ ભારત સરકારના વિદેશ મંત્રી ડૉ. સુબ્રમણ્યમ જયશંકરને લેખિતમાં ભલામણ કરેલ છે જેમાં જણાવ્યુ છે કે, મોરબીમાં રહેતા હસીનાબેન માજોઠીનો દીકરો સાહિલ મોહમ્મદહુસેન માજોઠી (પાસપોર્ટ નં. X9540641) હાલ યુક્રેનમાં છે ત્યાંથી તેને ભારત પરત લાવવા માટે યુક્રેનના અધિકારી સાથે વાત કરવામાં આવે તે જરૂરી છે.
અત્રે ઉલેખનીય છે કે, સાહિલના માતાએ નવી દિલ્હી ખાતે દિલ્હી હાઇકોર્ટમાં W.P (C) 16587/2025 દાખલ કરી છે અને ન્યાયાધીશ સાહિન દત્તાના તા. 03.11.2025 ના આદેશ દ્વારા પ્રતિવાદી/ વિદેશ મંત્રાલયને યુક્રેન અને યુક્રેન હાઇ કમિશનમાં સંબંધિત અધિકારીઓ સાથે સંપર્ક કરવા માટે એક અધિકારીને નિયુક્ત કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. જેથી સાહિલને વહેલી તકે ભારત પરત લાવવા માટે યુક્રેનના અધિકારીઓ સાથે ચર્ચા કરવા માટે સાંસદે તેના ભલામણ પત્રમાં લખ્યું છે.









