વાંકાનેરના લાલપર પાસે વાડીની બાજુમાં આવેલ કેનાલમાં ડૂબી જવાથી માસૂમ બાળકનું મોત
વાર્ષિક સરવૈયું: મોરબી જીલ્લામાં ૨૦.૭૪ કરોડનો દારૂ, ગાંજો અને ડ્રગ્સ ઝડપાયું, ૨૪ અસામાજીક તત્વોના ગેરકાયદે બાંધકામ તોડી પાડ્યા
SHARE
વાર્ષિક સરવૈયું: મોરબી જીલ્લામાં ૨૦.૭૪ કરોડનો દારૂ, ગાંજો અને ડ્રગ્સ ઝડપાયું, ૨૪ અસામાજીક તત્વોના ગેરકાયદે બાંધકામ તોડી પાડ્યા
મોરબી જિલ્લામાં ઘડીયાળ, સિરામિક, સેનેટરીવેર, પેપરમીલ તેમજ નળીયાના ઊદ્યોગો મોટા પ્રમાણમાં આવેલ છે. તેમજ ઘણા ધાર્મિક સ્થળો પણ આવેલ છે જેથી કરીને રોજગારી માટે અને હરવા ફરવા માટે ઘણા લોકો મોરબીમાં આવે છે. ત્યારે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેના માટે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે તે દરમ્યાન છેલ્લા એક વર્ષમાં પોલીસે ૨૦.૬૪ કરોડનો દારૂ અને ૧૦.૮૩ લાખનો ગાંજો, ડ્રગસ વિગેરે નાશકારક પદાર્થ કબ્જે કરેલ છે અને ટ્રાફિકના નિયમન માટે વાહન ચાલકો પાસેથી ૨.૫૬ કરોડથી વધુનો દંડ વસુલ કર્યો છે.
મોરબી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે અને જિલ્લાના ક્રાઇમ રેટમાં ઘટાડો થાય તેના માટે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવતી હોય છે. દરમ્યાન રેન્જ આઇજી અશોકકુમાર યાદવની હાજરીમાં વાર્ષિક ઇન્સપેકસન પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે બાદ જીલ્લામાં છેલ્લા એક વર્ષમાં ગુનાખોરીને ડામવા માટે અને ગુનેગારોને કાયદાનું ભાન કરાવવા માટે કરેલ કાર્યવાહીની માહિતી અધિકારી દ્વારા આપવામાં આવી હતી. જેમાં ગંભીર ગુનાના ડિટેકશનની કામગીરી ઉપર નજર કરીએ તો છેલ્લા એક વર્ષમાં લુંટના ગુનાઓ ૮૩ %, ધાડના ગુનાઓ ૧૦૦%, ઘરફોડ ચોરીના ૭૧% અને વાહન સહિત અન્ય ચોરીના ૭૪% ગુનાઓ શોધી કાઢવામાં આવેલ છે.
દારૂ-જુગારના દૂષણ સામે કાર્યવાહી
મોરબી જિલ્લામાં એક વર્ષમાં દારૂના ૭૦૪૫ કેસ કરવામાં આવેલ છે. અને ૨૦,૬૪,૩૭,૪૩૫ નો મુદામાલ કબ્જે કરવામાં આવેલ છે. તેમજ જુગારના ૫૨૩ ગુન્હા શોધી કાઢીને ૧,૪૬,૩૧,૩૯૫ નો મુદામાલ કબ્જે કર્યો હતો.
હથિયારધારા-એન.ડી.પી.એસ. હેઠળ કાર્યવાહી
છેલ્લા એક વર્ષમાં હથિયારધારા હેઠળ કુલ-૩૪ કેસો કરવામાં આવેલ છે અને એન.ડી.પી.એસ. એક્ટ હેઠળના ૧૪ કેસો કરીને કુલ ૧૦,૮૩,૯૧૦ નો નશીલા પદાર્થ ઝડપી લેવામાં આવેલ છે.
નાસતા ફરતા આરોપીઓ સામે કાર્યવાહી
છેલ્લા એક વર્ષમાં જિલ્લાના નાસતા-ફરતા ૩૮ આરોપીઓ, પેરોલ જમ્પ થયેલ ૪ કેદી તેમજ અન્ય જિલ્લાના ૩ આરોપી આમ કુલ મળીને ૪૫ આરોપીઓને પકડવામાં આવેલ છે.
અટકાયતી પગલા
જિલ્લાના કોઇપણ સામાન્ય બનાવને પ્રથમથી જ ડામી દેવા માટે છેલ્લા એક વર્ષમાં કુલ ૧૫૭૨૮ ઇસમો વિરૂદ્ધ અટકાયતી પગલા લેવામાં આવેલ છે અને ૯૭ ની પાસા તેમજ ૯૨ ની હદપારી દરખાસ્ત કરીને ગુન્હેગારોને કાયદાનું ભાન કરાવ્યુ હતું.
ટ્રાફીક નિયમનની કાર્યવાહી
ટ્રાફીક નિયમોનો ભંગ કરનાર ઇસમો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. દરમ્યાન એક વર્ષમાં ટ્રાફીકના નિયમનો ભંગ કરનાર ૫૬૦૪૯ વાહન ચાલકો પાસેથી ૨,૫૬,૩૧,૭૦૦ નો દંડ વસુલ કર્યો છે અને ૫૦૬૪ વાહનોને ડીટેઇન કર્યા છે.
મહિલાઓની સુરક્ષા
મોરબી જિલ્લામાં ૯૧ બોડી વોર્ન કેમેરા આપવામાં આવેલ છે જે અન્વયે મોરબી જિલ્લા પોલીસ તથા સી- ટીમ દ્વારા બોડી વોર્ન કેમેરાની મદદથી મહિલાઓની સુરક્ષાની સાથેસાથ ટ્રાફીક નિયંત્રણ, કાયદો અને વ્યવસ્થાની જાળવણી સહિતનું કામ વિડીયો રેકોર્ડીંગ સાથે કરવામાં આવે છે.
વાહન ચાલકોના ઇ-ચલણ
વિશ્વાસ પ્રોજેકટ અંતગર્ત ફેજ-1 હાઇ ડેફીનેશન કવોલીટીના ૧૨૦ સી.સી.ટી.વી. કેમેરા શહેરમાં મૂકવામાં આવેલ છે તેના મધ્યમથી ગુનાના ભેદ ઉકેલવામાં આવે છે સાથોસાથ દરરોજ ટ્રાફીકના નિયમોનો ભંગ કરતા ૧૦૦ જેટલા વાહન ચાલકોના ઇ-ચલણ કાઢવામાં આવે છે.
વ્યાજખોર સામે ૨૭ ગુના નોંધાયા
વ્યાજખોરીના દૂષણને ડામવા માટે પોલીસ દ્વારા ધડોધડ ગુના નોંધીને કાર્યવાહી કરવામાં આવે છે તેવામાં છેલ્લા એક વર્ષમાં વ્યાજવટાવની અસામાજિક પ્રવૃતિ સાથે સંકળાયેલા ૧૧૫ ઇસમો સામે કુલ મળીને ૨૭ ગુના નોંધવામાં આવેલ છે જે પૈકીનાં ૪ અસામાજિક તત્વો સામે પાસાની કાર્યવાહી કરવામાં આવી હતી.
સાયબર ક્રાઇમની ટીમની કાર્યવાહી
સાયબર કાઇમનો ભોગ બનેલ લોકોની ફરિયાદ આધારે પોલીસે કાર્યવાહી કરી હતી અને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા કોર્ટ સાથે સંકલન કરીને એક વર્ષમાં ફ્રોડમાં ગયેલ ૯૦,૩૫,૦૧૦ ની રીકવરી કરી હતી અને ભોગ બનેલા લોકોને નાણા પરત અપાવેલ છે.
અસામાજિક તત્વો વિરૂધ્ધ કરેલ કાર્યવાહી
મોરબી જિલ્લામાં અસામાજિક ગુંડા તત્વો સામે ૧૦૦ કલાકના એજન્ડા અંતર્ગત ૧૦૬ અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવામાં આવી હતી અને સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કરવામાં આવેલ હોય તેવા ૨૪ ગેરકાયદે બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા. અને કુલ મળીને ૧,૧૭,૬૯૯ ચોરસ ફુટ જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી તેમજ પી.જી.વી.સી.એલ. સાથે સંકલન કરીને ૩૪ અસામાજિક ઇસમો સામે કાર્યવાહી કરી હતી જેમાં વીજ જોડાણ કટ કરીને કુલ ૨૭,૩૫,૧૫૨ નો વિજકંપનીએ દંડ ફટકાર્યો હતો.