દેશને અંગદાન, દેહદાન અને પર્યાવરણનું જતન આ ત્રણ મેસેજ આપવા માટે દિલ્હીના ડીસીપી વિપુલ અનેકાંત દ્વારા સાયકલ યાત્રા
SHARE
દેશને અંગદાન, દેહદાન અને પર્યાવરણનું જતન આ ત્રણ મેસેજ આપવા માટે દિલ્હીના ડીસીપી વિપુલ અનેકાંત દ્વારા સાયકલ યાત્રા
વર્તમાન સમયમાં મેડિકલનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અભ્યાસ કરવા માટે ડેડબોડીની જરૂર હોય છે પરંતુ તેની અછત જોવા મળી રહી છે ત્યારે દિલ્હી પોલીસમાં ડીસીપી તરીકે ફરજ બજાવતા અધિકારી દ્વારા સાયકલ યાત્રા કરીને લોકોને અંગદાન, દેહદાન અને પર્યાવરણનું જતન કરવા માટેનો મેસેજ આપવામાં આવી રહ્યો છે અને આ યાત્રાનો બીજો તબક્કો જુનાગઢથી શરૂ કરવામાં આવ્યો છે અને યાત્રાને કાશ્મીર ખાતે પૂર્ણ કરવામાં આવશે અને દરમિયાન તેઓ મોરબી પહોંચ્યા હતા.
મૂળ રાજસ્થાનના રહેવાસી અને હાલમાં દિલ્હી ખાતે ડીસીપી તરીકે ફરજ બજાવતા વિપુલ અનેકાંત હાલમાં સમગ્ર ભારત દેશની અંદર લોકોને અંગદાન અને દેહદાન કરવા માટે પ્રેરણા મળે તે માટે સાયકલ યાત્રા કરી રહ્યા છે અને ખાસ કરીને તેઓનો આ મેસેજ પહોંચાડવા દરમિયાન કોઈપણ પ્રકારનું પ્રદૂષણ ન ફેલાય તે માટે વાહનના બદલે સાયકલથી યાત્રા કરવાનું પસંદ કર્યું છે. અને સાયકલ યાત્રા કરવાથી પ્રદૂષણ નહીં ફેલાય આટલું જ નહીં પરંતુ તેમને સ્વાસ્થ્યમાં પણ ઘણો ફાયદો થશે. તેવી લાગણી તેઓએ વ્યક્ત કરી હતી.
દિલ્હીના ડીસીપી વિપુલ અનેકાંત સાથે દિવ્ય ભાસ્કરની ટીમે વાત કરી હતી ત્યારે તેઓએ જણાવ્યું હતું કે વર્ષ 2018 માં તેમના દાદાનું 85 વર્ષની ઉંમરે અવસાન થયું હતું અને જ્યારે તેઓના દાદાનું અવસાન થયું હતું ત્યારે તેઓ વગર ચશ્મે અખબાર પણ વાંચી શકતા હતા જેથી કરીને તેઓના ચક્ષુઓનું ચક્ષુદાન કરવામાં આવ્યું હતું અને તેઓના દેહનુ જુનાગઢ મેડિકલ કોલેજ ખાતે દેહદાન કર્યું હતું. અને તેઓના દાદાના અવસાનને આઠ વર્ષ પૂર્ણ થયા છે ત્યારે આઠમી પુણ્યતિથિ નિમિત્તે તેઓએ સમગ્ર ભારત દેશની અંદર અંગદાન અને દેહદાન માટે લોકોમાં જાગૃતિ આવે તે માટે સાયકલ યાત્રાનું આયોજન કર્યું છે અને અંદાજે 4000 કિલોમીટરની આ યાત્રા કાશ્મીર ખાતે પૂર્ણ કરવામાં આવશે.
વધુમાં તેઓએ જણાવ્યુ હતું કે, જુદા જુદા બે તબક્કામાં તેમના દ્વારા આ સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને હાલમાં બીજો તબક્કો જુનાગઢ ખાતેથી શરૂ કરવામાં આવ્યો છે અને આ યાત્રા દરમિયાન તેઓ મોરબીમાં આવેલ ઐતિહાસિક મણીમંદિર ખાતે પહોચ્યા હતા અને ત્યારે તેઓની સાથે મોરબીના એસપી મુકેશ પટેલ પણ જોડાયા હતા અને આ તકે વિપુલ અનેકાંત જણાવ્યું હતું કે, હાલમાં મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ડેડબોડી અભ્યાસ કરવા માટે મળતી નથી અને સામાન્ય રીતે કોઈપણ વ્યક્તિનું અવસાન થાય ત્યારબાદ તેની અંતિમ ક્રિયા કરવામાં આવે કે દફનવિધિ કરવામાં આવે તેના બદલે જો દેહદાન કરવામાં આવે તો મેડિકલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અભ્યાસ કરવા માટે બોડી મળશે. અને અંગોનું દાન કરવામાં આવે તો કેટલાક જરૂરીયાતમંદ દર્દીઓને અંગ મળવાથી નવજીવન મળશે.
ખાસ કરીને તેઓએ આટલી મોટી યાત્રા સાયકલ ઉપર કરવાનો નિર્ણય શા માટે કર્યો તેવો સવાલ કરતાં ડીસીપી વિપુલ અનેકાંતે જણાવ્યુ હતું કે, બાઈક, બુલેટ કે કારથી યાત્રા કરે તો તેનાથી પ્રદૂષણ ફેલાય અને તેઓના સ્વાસ્થ્યને કોઈ ફાયદો થાય નહીં પરંતુ કોઈપણ પ્રકારનું પ્રદૂષણ ન ફેલાય અને તેઓને શરરિક પણ ફાયદો થાય તેના માટે તેઓએ સાયકલથી યાત્રા કરવાનો સંકલ્પ કર્યો હતો. આમ એક યાત્રા કરીને ડીસીપી વિપુલ અનેકાંત સમાજને અંગદાન, દેહદાન અને પર્યાવરણનું જતન કરવા માટેના ત્રણ મેસેજ આપી રહ્યા છે.
ઉલ્લેખની છે કે તેઓ ઘરેથી માત્ર બે ટીશર્ટ, બે હાફ પેન્ટ, મોબાઈલ, ચાર્જર અને ટુથપેસ્ટ લઈને નીકળ્યા છે અને તેઓ પ્રતિ દિવસ સરેરાશ 130 થી 40 કિલોમીટર જેટલી સાયકલ ચલાવે છે ખાસ કરીને તેઓ દેશના જુદા જુદા રાજ્યમાંથી જ્યારે સાયકલ લઈને પસાર થતા હોય છે ત્યારે સ્થાનિક લોકો દ્વારા તેઓનું સ્વાગત અને સન્માન કરવામાં આવે છે તેની કલ્પના પણ તેઓએ કરી ન હતી અને તેમના આ પ્રયાસ થકી લોકોને અંગદાન અને દેહદાન કરવા માટે થઈને પ્રેરણા મળે અને લોકો પર્યાવરણનું જતન કરવા માટે આગળ આવે તે તેમની લાગણી છે.









