મોરબીમાં ઘરેથી નીકળી ગયેલ મહિલાનું અભયમની ટીમે પરિવાર સાથે મિલન કરાવ્યુ
સૂડી વચ્ચે સોપારી: મોરબીના સિરામિક કારખાનામાં વીજ પુરવઠો આવતો નથી ?, જનરેટર માટે પેટ્રોલપંપેથી ડીઝલ બેરલમાં આપતા નથી !
SHARE
સૂડી વચ્ચે સોપારી: મોરબીના સિરામિક કારખાનામાં વીજ પુરવઠો આવતો નથી ?, જનરેટર માટે પેટ્રોલપંપેથી ડીઝલ બેરલમાં આપતા નથી !
મોરબીના સિરામિક ઉદ્યોગકારો સામે એક પછી એક સમસ્યાઓ મોં ફાડીને ઉભી હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે અને ગેસના સંકટમાંથી રાહત મળી અને કારખાનેદારોને ગેસ મળતો થયો છે ત્યાં વીજ પુરવઠો ખોરવા લાગ્યો છે જેથી કારખાનેદારો પારાવાર મુશ્કેલીમાં સામનો કરે છે આટલું જ નહીં પરંતુ વીજ પુરવઠો બંધ હોવાના કારણે તેઓના કારખાનાની અંદર જનરેટર ચલાવવા પડતા હોય છે જો કે, તે જનરેટર ચલાવવા માટે ડીઝલની જરૂરિયાત પડે છે પરંતુ પેટ્રોલ પંપ ઉપરથી બેરલમાં ડીઝલ આપવાની ના પાડવામાં આવે છે જેથી કરીને ઉદ્યોગકારોએ પોતાના કારખાના કઈ રીતે ચલાવવા તેવો પ્રશ્ન મોરબી પંથકમાં ઊભો થયો છે
મોરબીના જેતપર રોડ ઉપર આવેલ ઔદ્યોગિક વિસ્તારની અંદર છેલ્લા બે દિવસથી વીજધાંધિયા હોવાના કારણે કારખાનેદારો ત્રાહિમામ પોકારી ગયા છે અને કારખાનેદારો પાસેથી મળતી વિગત પ્રમાણે સોમવારે બપોરે 1:30 વાગ્યાથી વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે અને કલાકો સુધી વીજ પુરવઠો કાર્યરત થયો ન હતો અને ત્યારબાદ વીજ પુરવઠો કાર્યરત થયો તેની ગણતરીની કલાકોમાં જ ફરી પાછા ધાંધિયા શરૂ થઈ ગયા છે જેથી કરીને કારખાનાની અંદર વીજ પુરવઠો ન આવતો હોવાથી ઉદ્યોગકારોને અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
એક બાજુ મોરબીમાં સીરામીક ઉદ્યોગકારોને ગેસ મળતો ન હતો જેથી કરીને કારખાનેદારોની ગાડી પાટા ઉપરથી નીચે ઉતરી ગઈ હતી અને લગભગ બે મહિના જેટલા સમયગાળા સુધી સિરામિક કારખાના બંધ રહ્યા બાદ હાલમાં ગેસની સપ્લાય નિયમિત ચાલુ થઈ છે જેથી કારખાના ચાલુ થયા છે પરંતુ હવે વીજ પુરવઠાના ધાંધિયાના કારણે ઉદ્યોગકારો ત્રાહિમામ પોકારી ગયા છે હાલમાં મોરબીના જેતપર રોડ ઉપર આવેલ બેલા અને ગાળા સબ ડિવિઝન હેઠળ પીપળી જેટકો પાવર હાઉસમાંથી કુલ 34 ફીડરોમાં પાવરની સપ્લાય કરવામાં આવે છે અને આ તમામ ફીડરમાં ધાંધિયા છે.
મોરબીમાં સોમવારે બપોરે 2:00 વાગ્યાના અરસામાં રંગપર ગામ પાસે 66 કેવીના અંડર ગ્રાઉન્ડ કેબલ વાયરમાં બ્લાસ્ટ થવાના કારણે વીજ પુરવઠો ખોરવાયો હતો ત્યાં મોડી રાત સુધી રીપેરીંગ કામ કરવામાં આવ્યું હતું ત્યાં સુધી કારખાનામાં વીજ પુરવઠો ખોરવાયો હતો જેથી ઉદ્યોગકારોને ના છૂટકે પોતાના કારખાનામાં પાવરની સપ્લાય માટે જનરેટરો ચાલુ કરવા પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું જોકે પેટ્રોલ ડીઝલની કટોકટીના એંધાણ છે જેથી હાલમાં ઉદ્યોગ માટે ડીઝલની સપ્લાય ઉપર બ્રેક લાગવવામાં આવી છે જેથી કારખાનેદારોને તેના કારખાનામાં મૂકવામાં આવેલા જનરેટરો ચાલુ કરવા માટે ડીઝલ પણ પણ મળતું નથી માટે ઉદ્યોગકારોની હાલત સોડી વચ્ચે સોપારી જેવી થઈ ગઈ છે.
મોરબી પીજીવીસીએલના નાયબ ઇજનેર એસ.બી.અમૃતિયા પાસેથી મળતી વિગત પ્રમાણે બેલા અને ગાળા સબ ડિવિઝનમાં કુલ મળીને 34 જેટલા ફીડરો આવેલા છે અને તેમાં જેટકો દ્વારા વીજ પુરવઠો સપ્લાય કરવામાં આવે છે જોકે જેટકોના કેબલમાં બ્લાસ્ટ થયા પછી ફીડર ચાલુ રાખવા માટેની અલ્ટરનેટી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અને ક્રમશઃ જુદા જુદા વિસ્તારની અંદર ફીડર ચાલુ રાખવામાં આવે છે. આજની તારીખે બેલા ફીડર માં 11 અને ગાળા ફિડરમાં 1 ચાલુ છે તે બંધ થયા પછી બીજા ફીડર ચાલુ થશે.
આ બાબતે જેટકોના કાર્યપાલક ઇજનેર એ.કે. પટેલ સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે, રંગપર ગામ પાસે 66 કેવી ના અંડર ગ્રાઉન્ડ કેબલની અંદર સોમવારે બપોરે દોઢ વાગ્યાના અરસામા ક્ષતિ થઈ હતી જેથી વીજ પુરવઠો ખોરવાયો હતો તે લાઈન રીપેર કરીને વીજ પુરવઠો પુનઃ કાર્યરત કરવામાં આવ્યો હતો જોકે આજે બપોરે દોઢ વાગ્યે પાછો પ્રોબ્લેમ આવ્યો હોવાના કારણે હાલમાં વીજ સપ્લાય માટે ઓલ્ટરનેટિવ વ્યવસ્થા રાખવામાં આવી છે અને વહેલી તકે કારખાનેદારોને વીજ પુરવઠો મળતો થાય તેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે
મોરબી સિરામિક એસો.ના પ્રમુખ મનોજભાઈ એરવાડીયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે છેલ્લા બે દિવસથી મોરબીના જેતપર રોડ ઉપર આવેલા ઔદ્યોગિક વિસ્તારમાં વીજ ધાંધિયા છે જેથી ઉદ્યોગકારો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે હાલમાં કારખાનાની અંદર વીજ પુરવઠો આવતો નથી અને બીજી બાજુ તેમના કારખાનાની અંદર મૂકવામાં આવેલા જનરેટર ચાલુ રાખવા માટે થઈને તેઓને ડીઝલની જરૂરિયાત પડે છે પરંતુ પેટ્રોલ પંપ ઉપરથી ડીઝલ બેરલમાં આપવામાં આવતું નથી. જેથી જનરેટર ચાલુ કેવી રીતે કરવા તે પ્રશ્ન ઊભો થયો છે અને હાલમાં ગેસ મળે છે પરંતુ વીજ પુરવઠાના ધાંધિયાના કારણે ઉદ્યોગકારોને પોતાના કારખાના બંધ કરવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે