વાંકાનેર પાલીકાના કર્મચારીને ઓફિસમાં આવીને ધમકી આપનારા બે શખ્સો સામે ગુનો નોંધાતા હડતાલ સમેટાઇ
SHARE









વાંકાનેર પાલીકાના કર્મચારીને ઓફિસમાં આવીને ધમકી આપનારા બે શખ્સો સામે ગુનો નોંધાતા હડતાલ સમેટાઇ
વાંકાનેર નગરપાલિકાના કર્મચારીને ઓફિસે આવીને ધમકી આપવામાં આવી હતી અને ગાળો દેવાઈ હતી જેની વાંકાનેર પોલીસ દ્વારા ફરિયાદ લેવામાં આવી ન હતી જેથી કરીને વાંકાનેર પાલિકાના કર્મચારીઓ દ્વારા શનિવારે તમામ કામગીરી બંધ કરી દેવામાં આવી હતી ત્યાર બાદ વાંકાનેર સિટી પોલીસ દ્વારા ભોગ બનેલા કર્મચારીની ફરિયાદ લેવામાં આવી છે અને બે શખ્સોની સામે ગુનો નોંધવામાં આવેલ છે જેથી વાંકાનેર પાલિકાના કર્મચારીઓ દ્વારા તેની હડતાળ સમેટી લેવામાં આવી છે અને હવે બધી જ કામગીરી રાબેતા મુજબ શરૂ કરી દેવામાં આવશે તેવું પાલિકાના કર્મચારીઓએ જણાવ્યું છે.
વાંકાનેર નગરપાલિકાની બાજુમાં આવેલી આશિયાના સોસાયટીમાં થોડા સમય પહેલા ભૂતિયા નળ કનેકશન કાપવાની કામગીરી પાલિકાના કર્મચારીઓ દ્વારા કરવામાં આવી હતી ત્યારે ત્યાંના લોકો દ્વારા કર્મચારીઓની સાથે માથાકૂટ કરવામાં આવી હતી. આ ઉપરાંત સરફરાઝ મકવાણા નામના શખ્સે પાલિકા કચેરી ખાતે આવીને પાલિકાના કર્મચારીઓને ગાળો ભાંડી હતી અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી જેથી કરીને અશોક રાવલ નામના કર્મચારી દ્વારા વાંકાનેર પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી હતી જો કે, સરફરાઝ મકવાણાની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી જેથી કરીને આરોપીની ધરપકડ કરવાની માંગ સાથે શનિવારે આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું
વાંકાનેર પાલિકાના રોષે ભરાયેલા કર્મચારીઓ દ્વારા લાઇટ-પાણી, સફાઇ સહિતની કામગીરીને સદંતર બંધ કરવામાં આવી હતી અને જ્યાં સુધી તેઓની માંગણીઓ સંતોષવામાં નહિં આવે અને પાલિકાના કર્મચારીને જાનથી મારી નાંખવાની ધમકી આપનાર શખ્સની સામે યોગ્ય કાર્યવાહી કરવામાં નહિ આવે ત્યાં સુધી અચોકક્સ મુદ્દતની હડતાલ ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી હતી તેવામાં રવિવારે વાંકાનેર પોલીસ દ્વારા ભોગ બનેલા વાંકાનેર પાલિકાના કર્મચારી અશોકભાઇ રાવલની ફરિયાદ લેવામાં આવી છે અને સરફરાજ હુસેનભાઇ મકવાણા અને સલો રિક્ષા વાળાની સામે ગુનો નોંધવામાં આવેલ છે અને આરોપીઓના વિસ્તારમાં પાલિકાના કર્મચારીઓ ભૂતિયા નળ કનેક્શન કાપવા માટે ગયા હતા તેનો રોષ રાખીને આરોપીઓએ પાલિકા કચેરીમાં આવીને પાલિકાકર્મીની ફરજમાં રૂકાવટ કરીને ગાળો આપી હતી અને ધમકી આપી હતી જેથી કરીને પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
