મોરબીના બરવાળા પાસે ટ્રેન સાથે અથડાતાં યુવાનનું મોત
SHARE
મોરબીના બરવાળા પાસે ટ્રેન સાથે અથડાતાં યુવાનનું મોત
મોરબીના બરવાળા ગામ પાસે રેલવેના પાટા ઉપર કોઈ પણ કારણોસર યુવાન ટ્રેન સાથે અથડાતાં તેને શરીરે ઇજાઓ થઈ હતી અને ઇજા પામેલા યુવાનનું મોત નીપજયું હતુ જેથી તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી.
માળીયા મીયાણા તાલુકાના મેઘપર (દેરાળા) ગામના રહેવાસી વિજયભાઈ નારણભાઈ રાઠોડ (45) નામનો યુવાન મોરબીના બરવાળા રેલવે સ્ટેશન પાસે પાટા ઉપર ફાટક નંબર 39 સામે રેલ્વે ટ્રેન સાથે અથડાતા તેને શરીરે ગંભીર ઇજાઓ થઈ હતી જેથી તેનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તે યુવાનના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને આ બનાવની મૃતક યુવાનના પરિવારજન સાવનભાઈ વિજયભાઈ રાઠોડ રહે. મેઘપર વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી
મારામારીના બનાવોમાં ઇજા
મોરબી તાલુકાના અણીયારી ગામે રહેતા લીલાભાઈ હરજીભાઈ દેગામા (60) નામના વૃદ્ધને મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈ આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી. આવી જ રીતે મોરબીના નવલખી ફાટક પાસે આવેલ લાયન્સનગર વિસ્તારની અંદર રહેતા બેબીબેન જયેશભાઈ સુરેલા (30) નામની મહિલાને મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે જયારે મોરબીના વીસીપરામાં રહેતા સલમાબેન શાહમદાર (40) નામની મહિલાને મારામારીના બનાવમાં ઈજા થતાં તેને સારવાર માટે લાહી ગયા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરી છે.