મોરબી જીલ્લામાં એક જ દિવસમાં ૧૮૨ કોરોના પોઝીટીવ કેસ: આરોગ્ય તંત્રમાં દોડધામ
હળવદના મયૂરનગર ગામે પાંચ વર્ષથી તૂટી ગયેલ બેઠા પુલનું નિર્માણ ન થાય તો ગાંધીનગર સુધી આંદોલન કરવાની ચીમકી
SHARE
હળવદના મયૂરનગર ગામે પાંચ વર્ષથી તૂટી ગયેલ બેઠા પુલનું નિર્માણ ન થાય તો ગાંધીનગર સુધી આંદોલન કરવાની ચીમકી
મોરબી જિલ્લાના હળવદ તાલુકાના મયૂરનગર ગામે લગભગ છેલ્લા પાંચેક વર્ષથી બેઠો પુલ તૂટી ગયો છે જે બનાવવા માટે સ્થાનિક લોકો દ્વારા ગ્રામ પંચાયતથી લઈને સાંસદ સુધી રજૂઆતો કરી છે પરંતુ અફસોસ કે, આજ દિવસ સુધી તે બેઠા પુલને બનાવવા માટેનું કોઈ કામ કરવામાં આવ્યું નથી અને આ ભાંગેલા બેઠા પુલ પરથી લોકો જીવના જોખમે અવરજવર કરતાં હોય છે ત્યારે એક મહિલાનું આ બેઠા પુલની પારી ઉપરથી નીચે પાડવાના લીધે થોડા દિવસો પહેલા મોત પણ નીપજયું હતું જેથી હાલમાં ગ્રામજનો દ્વારા આ બેઠા પુલને તાત્કાલિક બનાવવા માટેની માંગ કરવામાં આવી છે અને જો હવે અસરકારક કામગીરી નહીં કરવામાં આવે તો ગાંધીનગર સુધી આંદોલન કરવાની ચિમકી પણ ગામના લોકોએ ઉચ્ચારી છે
વર્તમાન સરકાર દ્વારા માનવી ત્યાં વિકાસની વાતો કરવામાં આવી રહી છે જોકે, કેટલાક એવા વિસ્તારો છે જ્યાં લોકો આજની તારીખે સુવિધાઓને ઝંખી રહ્યા છે આવી જ રીતે જો વાત કરીએ મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં આવતા મયુરનગર ગામની તો આ ગામ પાસે અંધારી વિસ્તારમાં રહેતા લોકો તેમજ ખેડૂતો સહિતનાઓની અવાર જવર માટે સાતેક વર્ષ પહેલા બેઠો પુલ બનાવવામાં આવ્યો હતો જે બેઠો પુલ લગભગ એકાદ વરસમાં જ ચોમાસા દરમિયાન ધોવાઈ ગયો હતો અને ત્યારથી તૂટી ગયેલા પુલને રીપેર કરવા માટે થઈને ગામના આગેવાનો દ્વારા ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ધારાસભ્ય અને સાંસદ સભ્ય સુધી રજૂઆતો કરવામાં આવેલ છે તેમ છતાં પણ આજની તારીખે આ બેઠો પુલને પુનઃ બનાવવા માટે થઇને કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી
મયૂરનગર ગામના નરોત્તમભાઈ લકુમ અને વાસુભાઈ કરમણભાઈ ડાંગર સાથે વાત કરતાં તેઓએ જણાવ્યુ હતું કે, આ બેઠો પુલને પુનઃ બનાવવા માટે તંત્ર વાહકો અને પદાધિકારીઓ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી જેથી કરીને લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને ખાસ કરીને ખેતીની મોટાભાગની જમીન પુલના બીજા કાંઠે આવેલી છે તેમજ શાળા અને હોસ્પિટલ પણ પુલના સામેના ભાગમાં આવેલી હોવાથી લોકોને તેના જીવના જોખમે પુલની પારી ઉપરથી અવરજવર કરવી પડે છે
મયૂરનગર ગામના આગેવાન ભરતભાઈ વાલજીભાઈ ડાંગર અને આહીર વિનોદભાઈએ જણાવ્યુ હતું કે, થોડા દિવસો પહેલા આ બેઠા પુલની પારી પરથી દરણું દાળવવા માટે જતી મહિલા પસાર થતી હતી ત્યારે મહિલા નીચે પટકાઈ હતી જેથી તેને માથામાં અને શરીરે ગંભીર ઈજા થવાથી સારવારમાં લઈ ગયા હતા અને સારવાર દરમિયાન આ મહિલાનું મોત નિપજયું હતુ અને અવારનવાર બાળકો સહિતના પડતાં હોવાથી તેને ફ્રેકચર જેવી ઇજાઓ થતી હોય છે તેમ છતાં પણ જવાબદાર અધિકારી કે પદાધિકારી દ્વારા આ પુલનું નિર્માણ કરવામાં આવતું નથી જેથી ગ્રામજનોમાં રોષની લાગણી છે અને તાત્કાલિક આ પુલનું નિર્માણ કામ નહીં કરવામાં આવે તો ગાંધીનગર સુધી આંદોલન કરવાની ચીમકી ગામના આગેવાનોએ ઉચ્ચારી છે