મોરબીના વજેપરમાં મહિલાના ઘરમાં ઘૂસીને પડોશીએ ઘર પાસે પાણી કેમ કાઢે છે કહીને પાઇપ વડે માર માર્યો
SHARE









મોરબીના વજેપરમાં મહિલાના ઘરમાં ઘૂસીને પડોશીએ ઘર પાસે પાણી કેમ કાઢે છે કહીને પાઇપ વડે માર માર્યો
મોરબી વજેપર શેરી નંબર ૧૭ માં રામાપીરના મંદીર પાસે રહેતી મહિલાના ઘરમાં ઘૂસીને તેના પડોશી યુવાને 'ઘર પાસે પાણી કેમ કાઢે છે..?' તેમ કહીને લોખંડના પાઇપ વડે માથાના ભાગે માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલ મહિલાની ફરીયાદ ઉપરથી પોલીસે હુમલાખોર યુવાન સામે ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી વજેપર શેરી નંબર ૧૭ માં રામાપીરના મંદીર પાસે રહેતા ભાવનાબેન ભુપતભાઈ માવજીભાઈ ખાણધર જાતે સતવારા (ઉમર ૪૦) એ પાડોસમાં જ રહેતા નિલેશભાઈ અરજણભાઈ સતવારા રહે. વજેપર શેરી નંબર ૧૭ રામાપીરના મંદીર પાસેની સામે સીટી એ ડિવિજન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણીએ જણાવ્યુ છે કે, તેમની પાડોસમાં રહેતા નિલેશ સતવારાએ ઘરમાં ઘુસીને “મારા ઘર પાસે કેમ પાણી કાઢે છે..?” તેમ કહિને જેમ ફાવે તેમ ગાળો આપીને તેના હાથમાં રહેલ લોખંડના પાઈપ વડે ભાવનાબેનને માથામાં એક ઘા માર્યો હતો અને ગંભીર ઈજા પહોંચાડીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી જેથી પોલીસે મહિલાની ફરિયાદ લઈને આઇપીસી કલમ ૩૨૪, ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨) તથા ૧૩૫ મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
યુવતી-સગીર યુવાન સારવારમાં
મોરબીના માળિયા મિંયાણામાં રહેતાં સલમાબેન કરીમભાઈ મોવર નામની ૧૮ વર્ષીય અપરિણીત યુવતીએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતાં તેણીને સારવાર માટે અત્રેની ક્રિષ્ના હોસ્પિટલે લાવવામાં આવી હતી જેને પગલે બનાવની જાણ થતા સીટી એ ડીવીઝન પોલીસે પ્રાથમિક તપાસ કરીને વધુ તપાસ અર્થે માળીયા પોલીસને બનાવ અંગે જાણ કરી હતી.તે રીતે જ ટંકારા તાલુકાના બંગાવડી ગામે રહેતા યશ સવજીભાઇ ભીમાણી નામના ૧૫ વર્ષીય સગીર વયના યુવાને ઝેરી દવા પી લેતાં તેને સારવાર માટે અહીંની મંગલમ હોસ્પિટલે ખસેડાયો હતો અને પોલીસની પ્રાથમિક તપાસમાં ખૂલ્યું હતું કે રમતા રમતા ભૂલથી ઝેરી દવા પીવા જતા યશ ભીમાણીને સારવારમાં ખસેડાયો છે.
