મોરબીની ચિત્રકૂટ સોસાયટીમાં યુવાનને લંગડા-બાડો કહીને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરીને માર માર્યો
SHARE









મોરબીની ચિત્રકૂટ સોસાયટીમાં યુવાનને લંગડા-બાડો કહીને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરીને માર માર્યો
મોરબી શહેરના સનાળા રોડ ઉપર નવા બસ સ્ટેન્ડ પાછળના ભાગમાં ચિત્રકૂટ સોસાયટીમાંથી પસાર થતાં યુવાનને લંગડા બાડો કહીને બોલાવતા તેણે તે રીતે બોલવાની ના પાડી હતી જેથી કરીને ઉશ્કેરાઈ ગયેલા શખ્સે તેને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરીને ચાલવાની ઘોડી વડે ડાબા પગના સાથળના ભાગે અને ડાબા ખભા ઉપર પાવડા વડે માર માર્યો હતો જેથી કરીને ઈજા પામેલા યુવાનને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેણે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે મારામારી અને એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી શહેરના સનાળા રોડ ઉપર કન્યા છાત્રાલયની પાછળના ભાગમાં પંચવટી સોસાયટીની બાજુમાં આવેલ પંચવટી સોસાયટીમાં રહેતો જગદીશભાઈ નારણભાઈ જીતિયા (ઉંમર ૪૧) ચિત્રકૂટ સોસાયટીમાંથી પસાર થઇ રહ્યો હતો ત્યારે રાહુલ ફૂલતરિયાએ લંગડા બાડો કહીને જગદીશભાઇને બોલાવતા તેમ ન બોલવા માટે તેને જગદીશભાઇએ કહ્યું હતું જેથી ઉશ્કેરાઈ ગયેલા રાહુલ ફૂલતરિયાએ તેના જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યો હતો અને ત્યારબાદ તેને ચાલવાની ઘોડી વડે ડાબા પગના સાથળના ભાગે અને પાવડા વડે ડાબા ખભા ઉપર અને હાથની આંગળીમાં માર માર્યો હતો જેથી કરીને ભોગ બનેલા જગદીશભાઈએ સારવાર લીધા બાદ હાલમાં મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે રાહુલ ફૂલતરિયાની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે મારામારી અને એટ્રોસિટી સહિતની આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
જુગારી પકડાયા
મોરબી શહેરના સનાળા બાયપાસ પાસે આવેલ ગોકુલનગર શેરી નં-૧૦ ના ખૂણા પાસે ચલણી નોટના આધારે જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે રામજીભાઈ મોહનભાઈ ચાવડા (ઉમર ૩૭) અને મુકેશભાઈ સમુભાઇ ડામોર (ઉંમર ૩૫) ચલણી નોટના આધારે જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેઓની પાસેથી ૫૧૦ રૂપિયાની રોકડ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી આવી જ રીતે મોરબીના જૂના બસસ્ટેન્ડ પાસે જાહેરમાં વરલી જુગાર આંકડા લેવામાં આવતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે રેડ કરતાં સલીમ અકબરભાઈ સમા (૩૮) રહે. મોરબી વાળો વરલી જુગારના આંકડા લેતો હોય તેની પાસેથી પોલીસે ૩૫૦ રૂપિયાની રોકડ કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધ્યો હતો.
