મોરબીના પ્રેમજીનગરમાં છરીનો ઘા ઝીકિને પત્નીની હત્યા કરનારા પતિની ધરપકડ
મોરબી જિલ્લાના હળવદ ખાતે ૭૪ માં પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉત્સાહભેર ઉજવણી કરાઈ: ઠેરઠેર તિરંગો લહેરાયો
SHARE
મોરબી જિલ્લાના હળવદ ખાતે ૭૪ માં પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉત્સાહભેર ઉજવણી કરાઈ: ઠેરઠેર તિરંગો લહેરાયો
હળવદ ખાતે ૭૪ માં સ્વાતંત્ર્ય પર્વની અનેરા ઉત્સાહ સાથેની ઉજવણી હળવદ માર્કેટિંગ યાર્ડ ખાતે કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર જી.ટી. પંડ્યાએ ધ્વજવંદન કરી, તિરંગો લહેરાવ્યો હતો તથા પરેડનું નિરીક્ષણ કર્યું હતું. અને પ્રજાસત્તાક પર્વની શુભેચ્છાઓ આપતા કલેક્ટર જી.ટી. પંડ્યાએ જણાવ્યું હતું કે, આજનો દિવસ સ્વાતંત્ર્ય વીરો અને દેશ માટે હસતા મુખે શહાદત વહોરનાર શહીદોને યાદ કરવાનો અવસર છે. દેશ માટે કંઈ કરી છૂટવાની પ્રેરણા આપતા તેમણે જણાવ્યું હતું કે, હવે દેશ માટે જીવી બતાવવાનો સમય છે, તો જ આપણે તિરંગાની શાન વિશ્વ ફલક પર હજી વધુ સારી રીતે ઉજાગર કરી શકીશું.
આ તકે કલેક્ટરએ જિલ્લા વહીવટી તંત્રના આરોગ્ય, માર્ગ અને મકાન, આયોજન, શિક્ષણ, પોલીસ, સમાજ કલ્યાણ, પાણી પુરવઠા, વાસ્મો, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, પીજીવીસીએલ, પુરવઠા સહિતના તમામ વિભાગો દ્વારા વિવિધ યોજનાઓ હેઠળ થયેલા જન કલ્યાણના કામોની પણ માહિતી આપી હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, પ્રવર્તમાન સરકાર પ્રજાભિમુખ રહી અનેક વિકાસ કાર્યો કરી રહી છે ત્યારે આપણે સૌએ પણ દેશની ઉન્નતિ માટે યથાયોગ્ય સહભાગી બનવું જોઈએ. ભારતભૂમિને વિશ્વ ગુરૂ બનાવવા માટે સૌને સંગઠિત બની પ્રયાસો કરવા હાકલ કરી હતી. આ પ્રસંગે તેમણે સરહદ પર તૈનાત જવાનોને વંદન કર્યા હતા.
આ ઉજવણીમાં મહિલા પોલીસ સહિત પોલીસના જવાનોએ પરેડ યોજી ત્રિરંગાને સલામી આપી હતી અને માર્ચ પાસ્ટ પણ યોજી હતી. લોકોને દેશ ભક્તિના રંગે રંગી દે તેવા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરાંત જિલ્લા વહીવટી તંત્રના પોલીસ વિભાગ, વન વિભાગ, પીજીવીસીએલ વિભાગ, વાસ્મો, બાગાયત કચેરી, આરોગ્ય વિભાગ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, શિક્ષણ વિભાગ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તેમજ આઈસીડીએસ વિભાગ વગેરની વિકાસગાથા અને કામગીરી દર્શાવતા વિશેષ ટેબ્લોની સાંસ્કૃતિક ઝાંખી પણ લોકોએ હર્ષભેર નિહાળી હતી. કાર્યક્રમના અંતે સર્વે મહાનુભવોએ વૃક્ષારોપણ કર્યું હતું. આ કાર્યક્રમમાં ડીડીઓ પરાગ ભગદેવ, એસપી રાહુલ ત્રિપાઠી, નાયબ વન સંરક્ષક ચિરાગ અમીન, નિવાસી અધિક કલેક્ટર એન.કે. મુછાર, ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, પૂર્વ ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા, હળવદ પાલિકાના પ્રમુખ રમેશભાઈ પટેલ, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન પ્રવિણભાઈ સોનગ્રા, હળવદ તાલુકા પંચાયત પ્રમુખ બકુબેન પઢિયાર, હળવદ પ્રાંત અધિકારી હર્ષદીપ આચાર્ય, હળવદ યાર્ડના ચેરમેન રણછોડભાઈ પટેલ, મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી રણછોડભાઈ દલવાડી સહિતના હાજર રહ્યા હતા

માહિતી કચેરીનું સન્માન કરાયું
ઝૂલતા પુલ દુર્ઘટના સમયે સકારાત્મક કામગીરી કરવા માટે થતા દુર્ઘટના સમયે અને ત્યાર બાદ સંપૂર્ણ બચાવ કામગીરીની પળેપળની વિગતો, ફોટોગ્રાફ અને વીડિયો ત્વરિત સરકાર તેમજ મીડિયા સુધી પહોંચવાડવાની શ્રેષ્ઠ કામગીરી બદલ કલેક્ટર જી.ટી.પંડ્યાના હસ્તે પ્રશસ્તિ પત્ર એનાયત કરી વિશિષ્ટ બહુમાન કરવામાં આવ્યું હતું. મોરબી જિલ્લા માહિતી કચેરીના સહાયક માહિતી નિયામક ઘનશ્યામ પેડવા, માહિતી મદદનીશ બળવંતસિંહ જાડેજા, કેમેરામેન ભરતભાઈ ફૂલતરિયા, ફોટોગ્રાફર પ્રવિણભાઈ શનાળીયા, અન્ય સ્ટાફ જયેશ વ્યાસ તથા અજય મુછડિયા સહિતના ઉપસ્થિતોએ આ સન્માન સ્વીકાર્યું હતું.

જલારામ મંદિરના આગેવાનું કરાયું સન્માન
મોરબી જીલ્લા વહીવટી તંત્ર દ્વારા જીલ્લા કક્ષાના પ્રજાસતાક પર્વ ની ઉજવણી દરમિયાન જલારામ પ્રાર્થના મંદિરના ગીરીશભાઈ ઘેલાણી, ચિરાગભાઈ રાચ્છ, હસુભાઈ પંડિત, નિર્મિતભાઈ કક્કડ સહીતનાં અગ્રણીઓનુ કલેક્ટરના હસ્તે પારિતોષિક અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યુ હતુ.

ચકમપર ગામ
ચકમપરમાં આવેલ પ્રાથમિક શાળામાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને આ કાર્યક્રમમાં ચકમપર ગામના સરપંચ કાલરીયા અવનીબેન રવિભાઈ તથા સભ્ય સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા અને ત્યારે બાળકો દ્વારા વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી આ સુંદર અને સફળ કાર્યક્રમ માટે આચાર્ય અને શિક્ષકો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી

સોખડા ગામ
મોરબીના સોખડા ગામની શાળામાં પ્રજાસતાકની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. તેમાં ધો. ૧ થી ૮ સુધીના બાળકોએ ભાગ લીધો હતો અને જુદીજુદી કૃતિઓ રજૂ કરી હતી ત્યારે મોટી સંખ્યામાં ગામના લોકો ત્યાં હાજર રહ્યા હતા અને જુદીજુદી રમતો અને પ્રવૃતિઓમાં વિજેતા બનેલા વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા જિલ્લા શૈક્ષિક મહાસંઘના ઉપપ્રમુખ પ્રદીપભાઈ કુવાડીયા, આચાર્ય બિંદિયાબેન સહિતનાઓ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી

ખાખરેચી ગામ
માળીયા તાલુકાના ખાખરેચી ગામે આવેલ સાર્વજનિક હાઈસ્કૂલ તથા મિશ્ર પ્રાથમિક શાળા, કુમાર શાળા, કન્યા શાળા તેમજ ક્રિષ્ના વિદ્યાલયની સંયુક્ત રીતે પ્રજાસતાક દિનની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે સરકારના આદેશ મુજબ કન્યા કેળવણીને પ્રાધાન્ય આપતા ગામની વધુ ભણેલી દીકરી તેમજ દિવ્યાંગ દીકરીના હસ્તે પરેડ સાથે ધ્વજવંદન વિધિ કરવામાં આવી હતી આ તકે વિદ્યાર્થીઓએ દ્વારા સ્વામી વિવેકાનંદ, બેટી બચાવો બેટી પઢાવો, સરદાર પટેલ, મહાત્મા ગાંધીજી વિશેના વક્તવ્યો અને કૃતિઓ રજુ કરવામાં આવી હતી અને જુદીજુદી સ્પર્ધાઓમાં પ્રથમ નંબર મેળવેલ વિદ્યાર્થીઓને ગામના સરપંચ વનીતાબેન દિનેશભાઇ પારજીયાના હસ્તે ઇનામ આપવામાં આવ્યા હતા

પીલુડી ગામ
મોરબીના પીલુડી ગામે પ્રાથમિક શાળામાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી ત્યારે ગામના સરપંચ ગીરીરાજસિંહ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું ત્યાર બાદ વિદ્યાર્થીઓએ દ્વારા જુદીજુદી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી અને બાળકો માટે લીંબુ ચમચી, સંગીત ખુરશી, ફુગ્ગા ફોડ વગેરે જેવી રમતો રાખવામા આવી હતી અને ગ્રામજનો દ્વારા બાળકો માટે નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી અને રમતના અંતે વિજેતા થયેલા બાળકોને ઇનામો આપીને સન્માનીત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવામાં શાળાના આચાર્ય જીગ્નેશભાઈ, શિક્ષિકા ઉષાબહેન અને એસએમસીના શિક્ષણવિદ હરપાલસિંહે ખૂબ જ જહેમત ઉઠાવી હતી.

માણેકવાડા ગામ
માણેકવાડા ગામની સરકારી શાળામાં જાગૃતિ ચનિયારાના હસ્તે તિરંગો લહેરાવવામાં આવ્યો હતો ત્યાર બાદ ધો.૧ થી ૮ માં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંકે ઉતીર્ણ થનાર વિદ્યાર્થીઓને શિલ્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા અને સૌથી વધુ હાજરી ધરાવતા બાળકોને શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી અને શાળાના કાયમી દાતા રતિલાલ પ્રાગજીભાઈ દેત્રોજા (પૂર્વ ઉપ સરપંચ) દ્વારા કરવામાં આ ભેટ આપવામાં આવી હતી અને સરપંચ બ્રીજરાજસિંહ જાડેજાએ દીપ પ્રાગટ્ય કરી સાંસ્કૃતિક કાર્યક્રમની શરૂઆત કરાવી હતી. અને બાળકોએ જુદીજુદી ક્રુતિ રજૂ કરતાં ગ્રામજનોએ રૂપિયા ૬૦૦૦ જેટલી આર્થિક રાશિ બાળકોને શુભેચ્છા ભેટમાં આપી હતી કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી

ભારતીય વિદ્યાલય
મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ઉમા ટાઉનશીપની બાજુમાં ભારતીય વિદ્યાલય ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે શાળાના સ્થાપક લાલજીભાઈ મહેતાના હસ્તે તિરંગાને ખુલ્લા આકાશમાં લહેરાવીને વિદ્યાર્થીઓ, વાલીઓ સહિતના કાર્યક્રમમાં હાજર રહેલા તમામ લોકો દ્વારા તિરંગાને સલામી આપવામાં આવી હતી અને ત્યારબાદ શાળામાં યોજાયેલ રમતોત્સવમાં ભાગ લઈને વિજેતા બનેલા વિદ્યાર્થીઓને શિલ્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે મોરબી જિલ્લા ચિલ્ડ્રન ડેવલોપમેન્ટ સંસ્થાના પ્રમુખ અને શાળાના સ્થાપક લાલજીભાઈ મહેતા, નારાયણ સેવા સંસ્થાના મોરબી જિલ્લાના કર્તાહર્તા ઘનશ્યામસિંહ ઝાલા, મોરબી પત્રકાર એસોસિએશનના પ્રમુખ હિમાંશુભાઈ ભટ્ટ, ભારતીય વિદ્યાલય શાળાના પ્રમુખ હિતેશભાઈ મહેતા સહિતના હાજર રહ્યા હતા અને તેઓના હસ્તે બાળકોને શિલ્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા ત્યારબાદ બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો તેમાં પણ ખાસ કરીને દેશભક્તિના ગીત ઉપર એકથી એક ચડિયાતી કૃતિઓ વિદ્યાર્થીઓ દ્વારા રજુ કરવામાં આવી હતી આ તકે પત્રકાર એસોસિએશનના પ્રમુખ હિમાંશુભાઈ ભટ્ટ તથા ભારતીય વિદ્યાલય શાળાના પ્રમુખ હિતેશભાઈ મહેતા દ્વારા કાર્યક્રમમાં હાજર રહેલા વાલીઓને તેમના સંતાનોના માનસિક વિકાસ માટે મોબાઇલથી દૂર રાખીને વધુમાં વધુ શેરી રમતો માટે પ્રોત્સાહિત કરવાની ટકોર કરવામાં આવી હતી









