શું મોરબીના તોડબાજ પત્રકાર-ક્રિમિનલ માઈન્ડેડ રાજકારણીથી કલેક્ટર અને એસપી ડરે છે !: મુખોટા ખુલ્લા પાડવા સુઓમોટો વાપરશે ખરા ?
SHARE
શું મોરબીના તોડબાજ પત્રકાર-ક્રિમિનલ માઈન્ડેડ રાજકારણીથી કલેક્ટર અને એસપી ડરે છે !: મુખોટા ખુલ્લા પાડવા સુઓમોટો વાપરશે ખરા ?
મોરબીમાં હનીટ્રેપ, જમીન કૌભાંડ અને તોડ વિગેરે જેવી ઘટનાઓ સમયાંતરે બનતી હોય છે અને તે બહાર પણ આવતી હોય છે પરંતુ હનીટ્રેપ, જમીન કૌભાંડ અને તોડના મૂળ સુધી પહોંચવાની જે અધિકારીઓ અને કર્મચારીઓની જવાબદારી છે તેમના દ્વારા પોતાની ફરજ સામે આંખ આડા કાન કરવામાં આવે છે અને “અમારા સુધી ફરિયાદ આવી નથી” તેવું કહીને હાથ ખંખેરવામાં આવતા હોય છે જોકે દારૂ, જુગાર, બાઈકના સ્ટંટ કે અન્ય કોઈપણ ઘણી બાબતોમાં જે રીતે ફરિયાદ ન મળી હોય તો પણ પોલીસ વિભાગ કે પછી તંત્ર કામ કરતું હોય છે અને ગુના નોંધાતા હોય છે આવી જ રીતે મોરબીમાં છેલ્લા ઘણા સમયથી હનીટ્રેપ, જમીન કૌભાંડ અને તોડના બનાવો જે બની રહ્યા છે તેના મૂળ સુધી જવા માટે મોરબી જિલ્લાના કલેક્ટર અને એસપીએ દરમિયાનગીરી કરીને જે સત્ય હોય તેને બહાર લાવવાની જરૂર છે અને આટલું જ નહીં તેની સાથે સંડોવાયેલા જે કોઈ વ્યક્તિ હોય તેની સામે કોઈપણ જાતની શરમ રાખ્યા વગર નમૂનારૂપ કહી શકાય તેવી કામગીરી કરવી જોઈએ તેવું લોકોમાં ચર્ચા રહયું છે.
મોરબીમાં હનીટ્રેપ, જમીન કૌભાંડ અને તોડ આ શબ્દ અવારનવાર સાંભળવા મળતા હોય છે કારણ કે છેલ્લા થોડા વર્ષોથી મોરબીમાં આર્થિક સમૃદ્ધિની સાથે અનેક દુષણોએ ઘર કર્યું છે.તેવું કહીએ તો તેમાં જરા પણ અતિશયોક્તિ નથી થોડા સમય પહેલા હનિટ્રેપના કિસ્સાઓને લઈને ઘણી બધી ચર્ચાઓ ચાલતી હતી અને કરોડો રૂપિયાના તોડ થયા હોવાનું ચર્ચાઇ રહ્યું છે અને સોશિયલ મીડિયામાં થોડા સમય પહેલા મોરબી-માળીયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય દ્વારા પણ તોડકાંડને લઈને વાત કરવામાં આવી હતી અને તે વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ પણ થયો હતો.ત્યારબાદ જવાબદાર પોલીસ અધિકારીને આ બાબતે પૂછવામાં આવ્યું હતું ત્યારે “અમારા સુધી ફરિયાદ આવી નથી” આવું કહીને તપાસ કરવાના બદલે હાથ ખંખેરી લેવામાં આવ્યા હતા..! જોકે મોરબી પંથકમાં એક બે નહીં પરંતુ અનેક વ્યક્તિઓ પાસેથી યેનકેન પ્રકારે તેમજ હનીટ્રેપમાં નાણા ખંખેરવામાં આવ્યા હોવાની ચર્ચાઓ ખૂણે ખાચરે થતી હોય છે અને થોડા સમય પહેલા તબીબ સાથેની વાતચિતનો કથિત ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ હતી.જેમાં પણ રૂપિયાની લેતી દેતી બાબતની ચર્ચા સાંભળવા મળી હતી તેમ છતાં તે ઓડિયો ક્લિપમાં જે વ્યક્તિઓ વાત કરી રહ્યા છે તેની પ્રાથમિક પૂછપરછ પણ મોરબીમાં જવાબદાર અધિકારીઓ દ્વારા કરવામાં આવી નથી તે હક્કિત છે અને જો ધારાસભ્યના નિવેદન, વાયરલ ઓડિયો ક્લિપ, લોકોમાં થતી ચર્ચા વગેરેને ધ્યાનમાં લઈને પણ કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી ન હોય તો મોરબીને આ દૂષણોમાંથી કોઈ રોકી શકે નહી તે નિશ્ચિત છે
તાજેતરમાં મોરબીની અંદર એક જમીન કૌભાંડના સમાચાર જુદા જુદા માધ્યમોમાં વાયરલ થયા હતા તેને લઈને શહેરમાં બિલ્ડર લોબી સહિતનાઓમાં ખૂબ ચર્ચાઓ ચાલી રહી છે જોકે, જમીન કૌભાંડ હોય તો તેમાં મોરબી જિલ્લાના કલેકટરે સીધી દરમિયાનગીરી કરવી જોઈએ અને આ ઘટનાના મૂળ સુધી જવા માટે પોતે સીધા તપાસ (સૂઓમોટો)ના આદેશ કરવા જોઈએ અને ખરેખર જમીન કૌભાંડ શું છે ?, જમીન કૌભાંડ ક્યાં થયું છે ?, જમીન કૌભાંડ કેવી રીતે થયું છે ?, જમીન કૌભાંડ કોના દ્વારા થયું છે ?, આમાં કોણ કોણ સંડોવાયેલા છે ?, કયા રાજકારણી ?, કયા મીડિયાકર્મી ?, કયા પત્રકાર ? અને કયા અધિકારી સંડોવાયેલા છે ? આ તમામ બાબતો સમાજમાં ઉજાગર થાય તેના માટે થઈને કલેકટર દ્વારા આ સમગ્ર બાબતની નિષ્પક્ષ અને તટસ્થ તપાસ થાય તે જરૂરી છે પરંતુ કલેક્ટર દ્વારા હજુ સુધી સુઓમોટો વાપરીને આ સમગ્ર ઘટનામાં કેટલું તથ્ય છે અને કોણ કોણ સંડોવાય છે તે બહાર લાવવા માટે થઈને નક્કર કોઈ કાર્યવાહી કરી હોય તેવું સામે આવેલ નથી અને નાયબ મામલતદાર કક્ષાના અધિકારીનું નામ ઊછળી રહ્યું છે ત્યારે ખાતાકીય તપાસ કરવામાં આવશે કે કેમ તે પણ પ્રશ્ન છે અને બહુમાળીના બાંધકામ બાબતે ખોટુ પંચરોજ કામ થયું હોવાનું લોકમુખે ચર્ચાઇ રહ્યું છે ત્યારે તેના છાંટા કોને કોને ઉડશે તે તો આગામી સમય જ બતાવશે
જોકે નાની નાની વાતમાં પણ પોલીસ ફરિયાદી બનતી હોય છે પરંતુ મોરબીમાં લાખો અને કરોડો રૂપિયાના તોડની ઘટનાઓ સમયાંતરે સોશ્યલ મીડિયા કે પછી અન્ય માધ્યમો દ્વારા સામે આવતી હોય છે અને તેની ચર્ચાઓ ચોરે અને ચોટે થતી હોય છે આટલું જ નહીં મોરબીના ધારાસભ્ય દ્વારા પણ એક વિડીયો થોડા સમય પહેલા સોશ્યલ મીડિયામાં મૂકવામાં આવ્યો હતો જેમાં પણ તોડકાંડ બાબતે બોલ્યા હતા તેમ છતાં પણ પોલીસ વિભાગ દ્વારા શા માટે તેને ગંભીરતાથી લેવામાં આવતો નથી તે પણ તપાસનો વિષય છે ત્યારે શું મોરબીના કલેક્ટર અને એસપી રાજકારણી અને પત્રકારથી ડરે છે ? આવી ચર્ચાએ હાલમાં લોકોમાં જોર પકડ્યું છે ત્યારે ખરેખર કલેક્ટર અને એસપી લોકોના હિતમાં જમીન કૌભાંડ, હનીટ્રેપ અને તોડકાંડની સુઓમોટો વાપરીને તટસ્થ અને નિષ્પશ તપાસ કરે તો કેટલાક ક્રિમિનલ માઈન્ડેડ રાજકારણી અને પત્રકારના મુખોટા લોકોની સમક્ષ ખુલ્લા પડે તેમ છે જોકે કલેક્ટર અને એસપી પોતાની સત્તાનો ઉપયોગ કરીને આ જમીન કૌભાંડ, હનીટ્રેપ અને તોડકાંડની જે મોરબીમાં ચર્ચાઓ થઈ રહી છે તેના મૂળ સુધી પહોંચવા માટે અને તેની સાથે સંડોવાયેલા શખ્સોને નમૂના રૂપ કહી શકાય તેવી સજા પડે તેના માટે કામગીરી કરશે કે કેમ તે તો આગામી સમય જ બતાવશે
જો પીઆઇની બદલી માટે ગાંધીનગર સુધી રજૂઆત થાય તો હનીટ્રેપ, જમીન કૌભાંડ અને તોડ કરનારાની સામે કેમ નહીં ?
મોરબીમાં તાજેતરમાં હળવદના પીઆઇની બદલી કરવામાં આવી છે અને હળવદ તાલુકામાં કરવામાં આવેલ જુગારની રેડ બાદ અધિકારી સાથે રાજકારણીને ચકમક જરી હતી અને ત્યાર બાદ ગાંધીનગર સુધી અધિકારીની બદલી કરવા માટે હળવદના રાજકીય આગેવાનોએ રજૂઆતો કરી હતી અને બાદમાં અધિકારીની બદલી કરેલ છે તેવું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે ત્યારે મોરબીમાં હનીટ્રેપ, જમીન કૌભાંડ અને તોડ વિગેરેની અનેક ચર્ચાઓ થઈ રહી છે તો પણ કોઈ પકડાતાં નથી અને કશું થતું નથી ત્યારે આ મુદે તટસ્થ તપાસ માટે મોરબીના રાજકીય આગેવાનો ગાંધીનગરમાં લોકોના હિત અને સલામતી માટે કયારે રજૂઆત કરશે તેના ઉપર નગરજનોની મીટ મંડાયેલ છે