મોરબીના સ્કિન સ્પેશિયાલિસ્ટ ડો. જયેશ સનારીયાને સૌરાષ્ટ્ર હેલ્થ કેર એક્સલેન્સ એવોર્ડ અપાયો
મોરબીમાં પાર્કિંગ મુદે થયેલ ઝઘડાનો ખાર રાખીને છરી, પાઇપ, તલવાર વડે બે યુવાન ઉપર હુમલો, રિવોલ્વર બતાવી મારી નાખવાની ધમકી: ગાડીમાં તોડફોડ
SHARE
મોરબીમાં પાર્કિંગ મુદે થયેલ ઝઘડાનો ખાર રાખીને છરી, પાઇપ, તલવાર વડે બે યુવાન ઉપર હુમલો, રિવોલ્વર બતાવી મારી નાખવાની ધમકી: ગાડીમાં તોડફોડ
મોરબીના શનાળા રોડ ઉપર સાગર હોસ્પિટલ વાળી શેરીમાં ગઈકાલે સાંજના સાડા આઠેક વાગ્યાના અરસામાં બે કાર, એકટીવા તથા અન્ય વાહનોમાં ઘસી આવેલા દશેક ઈસમો દ્વારા કારમાં રહેલા બે યુવાનોને નિચે ઉતારીને તેઓને ધોકા-પાઇપ વડે માર મારીને છરી વડે ઈજા કરવામાં આવી હતી અને રિવોલ્વર બતાવીને જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી હતી.તેમા યુવાનની કારમાં પણ તોડફોડ કરવામાં આવી હતી.બાદમાં બંને ઇજાગ્રસ્તોને સારવારમાં ખસેડ્યા હતા જેથી પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસ દ્વારા હાલમાં દશ જેટલા ઈસમોની સામે આર્મ્સ એકટ-રાયોટીંગ સહિતના કલમો હેઠળ ગુનો નોંધાયો છે.મોરબીના શનાળા રોડ ઉપર આવેલા સ્કાય મોલની પાસેના સોપીંગ સેન્ટર પાસે સિક્યુરિટીના માણસો દ્વારા પાર્કિંગ બાબતે અગાઉ એક પટેલ યુવાને માર મારવામાં આવ્યો હતો ત્યારે થયેલ ફરિયાદનો રોષ રાખીને તેમજ ફરીયાદીપક્ષ દ્રારા અગાઉ કરાયેલી મારામારીનો રોષ રાખીને આ હુમલો કરવામાં આવ્યો હોવાનું હાલ ભોગ બનનાર દ્વારા પોલીસને જણાવવામાં આવેલ હોય પોલીસ દ્વારા આર્મ્સ એકટ અને રાયોટીંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો છે
મારામારીના ઉપરોક્ત બનાવ બાબતે મળતી માહિતી પ્રમાણે ગઈકાલે સાંજના સાડા આઠેક વાગ્યાના અરસામાં મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સાગર હોસ્પિટલ વાળી શેરીમાં આ મારામારીનો બનાવ બન્યો હતો. જેમાં કારમાં જઈ રહેલા સંજય જેમલભાઇ મોરી જાતે રબારી (૨૬) રહે.સબ જેલ ચોક સામે રબારીવાસ મોરબી તેમજ તેની સાથે રહેલ સાહેદ કરણ સંજયભાઇ મકવાણા (૨૧) વાળાઓ કાર લઈને જતા હતા ત્યારે ગુનાહિત કૃત્ય આચરવાના ઇરાદે ગેરકાયદેસર મંડળી બનાવીને છરી, લોખંડના પાઇપ, લાકડાના ધોકા, તલવાર તથા રિવોલ્વર જેવા પ્રાણઘાતક હથિયારો સાથે બે કાર, એકટીવા તથા સ્કૂટરમાં આવેલા ૧૦ જેટલા હુમલાખોરોએ તેઓની કારને અટકાવી હતી અને સંજય રબારી તથા કરણ મકવાણાને કારમાંથી નીચે ઉતાર્યા બાદ કારમાં ધોકા-પાઇપ વડે તોડફોડ કરી હતી તથા બંનેને છરી ધોકા-પાઇપ તેમજ કમર પટ્ટા વડે માર માર્યો હતો.બનાવને પગલે સંજય જેમલ મોરી તથા કરણ સંજય મકવાણા નામના બંને યુવાનોને મોરબીની ખાનગી હોસ્પિટલ ખાતે સારવારમાં લઈ જવામાં આવ્યા હતા અને ત્યાંથી બનાવની જાણ થતાં એ ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ આર.એન.ભટ્ટ તથા સ્ટાફ તપાસ માટે દોડી ગયો હતો
હોસ્પિટલ ખાતે સારવાર લીધા બાદ ઇજાગ્રસ્તો પૈકીના સંજય જેમલભાઇ મોરી જાતે રબારી (૨૬) રહે.રબારીવાસ મોરબીએ સીટી એ ડિવિઝન પોલીસ મથક ખાતે દેવ હકાભાઇ કુંભારવાડીયા રહે.કેનાલ રોડ મોરબી, વિશાલ ડાંગર અને અમિત ડાંગર રહે.બંને ખાખરાળા, નાગદાન બોરીચા, અંકિત, હિતુ અને તીર્થ જયસુખ કૈલા તથા ત્રણ અજાણ્યા ઈસમો સામે ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે ઉપરોક્ત ૧૦ ઈસમોએ ગેરકાયદેસર મંડળી રચીને શનાળા રોડ સાગર હોસ્પિટલ પાસે તેઓને કારને આંતરિક હતી અને કારમાંથી બંનેને નીચે ઉતાર્યા હતા અને કારમાં તોડફોડ કરવામાં આવી હતી.તેમજ બાદમાં દેવ હકાભાઇ કુંભારવાડીયાએ ફરિયાદી સંજય રબારીને છરી મારી હતી.તેમજ વિશાલ ડાંગર અને અમિત ડાંગરે લાકડાના ધોકા વડે માથામાં ગંભીર ઇજાઓ કરી હતી.તેમજ સાહેદ કરણ મકવાણાને પણ ઢીકાપાટુ તથા કમર પટ્ટા વડે માર મારવામાં આવ્યો હતો.ઉપરોક્ત તમામ દશ ઈસમો દ્વારા તેઓને માર મારીને ઇજાઓ પહોંચાડવામાં આવી હતી અને તેઓની કારમાં નુકસાની પહોંચાડવામાં આવી હતી.તેમજ દેવ હકાભાઇ કુંભારવાડીયાએ ફરિયાદીને પોતાની રિવોલ્વર વડે ઇશારો કરી પતાવી દેવાની ધમકી આપી હતી.ઉપરોક્ત ફરિયાદ ભોગ બનનાર સંજય મોરી દ્વારા નોંધાવવામાં આવતા હાલમાં એ ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ આર.એન ભટ્ટ દ્વારા આઈપીસી કલમ ૩૨૫, ૩૨૩, ૩૪૧, ૫૦૪, ૫૦૬(૨), ૧૨૦(બી)(કાવત્રુ રચવુ) તેમજ રાઇટીંગ અને આર્મ્સ એકટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.
અત્રે નોંધનીય છે કે અગાઉ પણ છુટા હાથની મારામારી જે તે સમયે શનાળા રોડ સ્કાય મોલ પાસે બની હતી અને ગઈકાલે પણ સાંજના સમયે મોરબીના શનાળા રોડ ઉપર આ બાબતે વળતો હુમલો કરવામાં આવ્યો હતો.જોકે શહેરની અંદર છાશવારે આ પ્રકારના મારામારીના બનાવો બને છે જે પૈકીના પચાસ ટકા બનાવોમાં યેનકેન પ્રકારે ફરીયાદ પણ થતી નથી જેથી મારામારીના બનાવો સતત વધી રહ્યા છે અને તેને લઈને શહેરીજનોમાં ફફડાટનો માહોલ રહે છે.જોકે પોલીસ પકડ ઢીલી પડી રહી હોય અને પોલીસની ધાક ઓસરી રહી હોય તેવા બનાવો વારંવાર બની રહ્યા છે માટે કડકપણે સૌને કાયદાનું ભાન કરાવવામાં આવે તેવું પ્રબુદ્ધ નાગરિકોમાં હાલ ચર્ચાઇ રહ્યું છે.
વાહન અકસ્માતમાં ઇજા
મોરબીના લખધીરવાસ ચોકમાં વાંકાનેર દરવાજા નજીક વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં ઉમંગ સંદીપભાઈ ગોસાઈ (૨૧) રહે.કંસારા શેરી ગ્રીનચોક મોરબી વાળાને ઇજાઓ થતા મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો અને બનાવને પગલે જાણ થતા હાલ એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા દ્વારા આ બનાવની વધુ તપાસ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળેલ છે.
આગ બાબતે જાણ કરાઇ
મોરબીના જેતપર રોડ ઉપર બેલા ગામે આવેલ ખોખરા હનુમાન રોડ ઉપર થોડા દિવસો પહેલા ટ્રક કન્ટેનરમાં આગ લાગી હતી અને નુકસાની થવા પામી હતી જે બાબતે સાબુદિન દેવીભાઈ કઠાત જાતે મેવાત મુસ્લિમ (ઉંમર ૩૧) રહે.લુણવા તાલુકો મસુદા જીલ્લો અજમેર રાજસ્થાન વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી કે ખોખરા હનુમાન રોડ મોરબી ખાતે તેઓના કન્ટેનર નંબર જીજે ૧૨ બીડબલ્યુ ૭૬૧૧ માં ઉપરથી પસાર થતી વીજ લાઈન અડકી જવાના લીધે આગ લાગવાનો બનાવ બન્યો હતો.જેમાં કન્ટેનરમાં નુકસાની થવા પામી હતી હાલ ઉપરોક્ત આગના બનાવની જાણના પગલે તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયાએ નોંધ કરી એફએસએલ સહીતની આગળની તપાસ હાથ ધરી હતી.