મોરબીના થોરાળા ગામે ઝેરી દવા પીધેલ મહીલાનું સારવાર દરમ્યાન મોત
28-10-2021 11:09 AM
SHARE
JOIN OUR GROUP
મોરબીના થોરાળા ગામે ઝેરી દવા પીધેલ મહીલાનું સારવાર દરમ્યાન મોત
મોરબીના થોરાળા ગામે ઝેરી દવા પીધેલ પરણીત મહીલાનું સારવાર દરમ્યાન રાજકોટ ખાતે મોત નિપજયુ હતુ. મોરબી તાલુકાના થોરાળા ગામે અમૃતભાઈ પટેલની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતાં સંગીતાબેન મુકેશભાઈ ધાણકા જાતે આદીવાસી (ઉંમર ૨૦) એ તા.૨૫-૧૦ ના બપોરે ત્રણેક વાગ્યે કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેઓને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલે ખસેડાયા હતા જયાં સારવાર દરમ્યાન આજે તા.૨૮-૧૦ ના વહેલી સવારે છએક વાગ્યાના અરસામાં સંગીતાબેન મુકેશભાઈ ધાણકા જાતે આદીવાસી (ઉંમર ૨૦) નું મોત નિપજેલ છે. વધુમાં પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગતો પ્રમાણે મૃતક સંગીતાબેનનો લગ્નગાળો એક વર્ષનો હતો અને તેમને સંતાનમાં ત્રણ મહિનાની એક દીકરી હોવાનું જાણવા મળેલ છે.જોકે તેઓએ કયા કારણોસર ઝેરી દવા પીને જીવનનો અંત આણ્યો તે હાલ પોલીસ તપાસનો વિષય છે.
પરિણિતા સારવારમાં
મોરબી તાલુકાના અમરાપર ગામે રહેતી પરિણિતાએ ફિનાઇલની ગોળીઓ ખાઇ લેતા સારવારમાં ખસેડાઇ હતી. મોરબીના અમરાપર ગામે રહેતા કાજલબેન દીપકભાઈ રૂદાતલા નામની ૨૭ વર્ષીય પરણીતાએ તેના ઘેર ફીનાઇલની ગોળીઓ ખાઇ લેતાં તેને અહીં મંગલમ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયા હતા.બનાવની જાણ થતાં તાલુકા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.વધુમાં જાણવા મળતી વિગતો મુજબ કાજલબેનનો લગ્નગાળો ચાર વર્ષનો છે અને સંતાનમાં એક બાળક હોવાનું જાણવા મળે છે.હાલ પીએસઆઇ અજમેરીએ બનાવના કારણ અંગે આગળની તપાસ હાથ ધરી છે.
વાહન અકસ્માતમાં ઈજા
મોરબીના ત્રાજપર ખારી વિસ્તારમાં પ્રાથમિક શાળા પાસે રહેતો સિકંદર ગુલામહુસેન કટીયા નામનો ૧૭ વર્ષનો યુવાન પોતાના ભાઈ સાથે બાઈકમાં જતો હતો ત્યારે ત્રાજપર ચોકડી નજીક બાઇક સ્લીપ થઇ જતાં ઈજાગ્રસ્ત થયેલા સિકંદરને સારવારમાં ખસેડાયો હતો. તે રીતે જ મોરબીના ટીંબડી ગામે રહેતો રાજુભાઇ ભગવાનજીભાઈ પરમાર નામનો ૩૩ વર્ષીય યુવાન માળીયા ફાટક ઓવરબ્રીજ ઉપરથી જતો હતો ત્યાં ગીબડાયુકત રોડના લીધે બાઈક સ્લીપ થઇ જતાં ઇજાઓ થવાથી તેને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે રાજકોટ લઇ જવાયો હતો.જ્યારે લીલાપર ગામે રહેતા રેખાબેન દિલીપભાઈ અગેચાણીયા નામની ૩૮ વર્ષીય મહિલાને સામાકાંઠે સોઓરડી ચોકડી પાસે બાઇક સ્લીપ થઇ જવાના બનાવમાં ઇજાઓ થતાં આયુષ હોસ્પિટલે સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.