ન્યાય માટે કાલે મોરબીથી ગાંધીનગરની કૂચ: ગુજરાત પ્રદેશ કોંગ્રેસના માજી પ્રમુખો, માજી ધારાસભ્યોએ, પીડિત પરિવારના લોકો ન્યાય યાત્રામાં જોડાશે
SHARE
ન્યાય માટે કાલે મોરબીથી ગાંધીનગરની કૂચ: ગુજરાત પ્રદેશ કોંગ્રેસના માજી પ્રમુખો, માજી ધારાસભ્યોએ, પીડિત પરિવારના લોકો ન્યાય યાત્રામાં જોડાશે
ગુજરાત ન્યાય પદયાત્રાનું કાલે મોરબીથી પ્રસ્થાન થવાનું છે ત્યાં પહેલા છેલ્લા ત્રણ દિવસથી પ્રદેશ કોંગ્રેસનાં કાર્યકારી પ્રમુખ અને ધારાસભ્ય અને મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ સહિતના લોકો મોરબીના ડોર ટુ ડોર પ્રચાર કરીને લોકોને ગુજરાત ન્યાય પદયાત્રામાં જોડાવા માટે અપીલ કરી રહ્યા છે. અને કાલે જયારે યાત્રાનું પ્રસ્થાન થશે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માજી પ્રમુખ, કોંગ્રેસનાં માજી ધારાસભ્યોએ, પીડિત પરિવારના લોકો, મોરબી અને કચ્છ જિલ્લાના લોકો મોટી સંખ્યામાં જોડાશે. અને આગામી તા 23 ના રીજ આ ગુજરાત ન્યાય યાત્રા ગાંધીનગર ખાતે પહોચશે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહજી ગોહિલની સુચનાનુસાર ૯ ઓગસ્ટ થી મોરબી ખાતે થી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માર્ગદર્શન હેઠળ "ગુજરાત ન્યાય પદયાત્રા" શરુ થવાની છે. અને રાજ્યમાં છેલ્લા ત્રણ દાયકાથી ભાજપના શાસનમાં ભયમુક્ત ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે તેના જ લીધે વડોદરા હરણી બોટ કાંડ, મોરબી બ્રીજ કાંડ, કાંકરિયા રાઈડ કાંડ, તક્ષશિલા આગ કાંડ જેવા અનેક બનાવો બનેલ છે જેમાં ગુજરાતના નિર્દોષ નાગરિકો ભોગ બની રહ્યા છે. અને જે લોકોનો ભોગ લેવાઈ રહ્યો છે તેના પરિવારને ન્યાય મળી રહ્યો નથી અને આરોપીઓને સજા પણ કરવામાં આવી રહી નથી જેથી કરીને આ બધી જ ઘટનામાં ભોગ બનેલા પીડીત પરિવારોને ન્યાય અપાવવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માર્ગદર્શન હેઠળ ગુજરાત ન્યાય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પીડિત પરિવારો, કોંગ્રેસના આગેવાનો હોદેદારો તેમાં કાર્યકરો અને ગુજરાતનાં નાગરિકો જોડાશે.
આ ન્યાય યાત્રા મોરબીથી કાલે સવારે નવ વાગ્યે ઝૂલતા પુલનો દરબાર ગઢ પાસેનો જે છેડો છે ત્યાંથી શરૂ કરવામાં આવશે ત્યારે પ્રદેશ કોંગ્રેસનાં કાર્યકારી પ્રમુખ અને ધારાસભ્ય જીજ્ઞેશભાઈ મેવાણી, માજી ધારાસભ્ય લલિતભાઈ કાગાથરા, અમિતભાઈ ચાવડા, ભરતસિંહ સોલંકી, સિદ્ધાર્થભાઈ પટેલ, જગદીશભાઈ ઠાકોર, અમીબેન, ઋત્વિકભાઈ મકવાણા, કોંગ્રેસ સેવાદળના પ્રદેશના પ્રમુખ લાલજીભાઈ દેસાઇ, વિક્રમભાઈ માડમ, હિતેશભાઇ વોરા, ઇંદ્રનીલ રાજ્યગુરુ, વિમલભાઈ ચુડાસમા, મોરબી જિલ્લા કોંગેસના પ્રમુખ કિશોરભાઇ ચિખલિયા સહિતના હાજર રહેશે તેમજ ઝૂલતા પુલની ઘટનામાં જેમને પોતાના સ્વજનોને ગુમાવ્યા છે તે પીડિતો પણ મોટી સંખ્યામાં હાજર રહેવાના છે આ યાત્રા મોરબીથી પ્રસ્થાન કરીને ટંકારા, રાજકોટ, ચોટીલા, સુરેન્દ્રનગર, વિરમગામ, સાણંદ, અમદાવાદ થી ગાંધીનગર ખાતે પહોચશે અને ત્યાં યાત્રાનું સમાપન થશે.
જો કે, યાત્રાનું મોરબીથી કાલે પ્રસ્થાન થશે ત્યારે કચ્છ અને મોરબી જિલ્લાના કોંગ્રેસનાં સૈનિકો તેમાં જોડાશે ત્યાર બાદ સુરેન્દ્રનગર જીલ્લામાં બોટાદ, ભાવનગર, અમરેલીના કોંગ્રેસનાં સૈનિકો તેમાં જોડાશે, રાજકોટમાં જામનગર, જુનાગઢ, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર જિલ્લાના કોંગ્રેસનાં સૈનિકો તેમાં જોડાશે અમદાવાદ જીલ્લામાં અમદાવાદ અને મધ્ય ગુજરાતના જીલ્લાઓમાંથી કોંગ્રેસનાં સૈનિકો તેમાં જોડાશે અને ગાંધીનગરમાં યાત્રા પહોચે ત્યારે ઉત્તર ગુજરાતના જીલ્લાઓ તેમજ સમગ્ર ગુજરાતમાંથી કોંગ્રેસનાં તમામ જીલ્લા અને શહેર પ્રમુખઓ સહિતના કોંગ્રેસનાં સૈનિકો તેમાં જોડાશે તેવું આયોજન હાલમાં કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું છે.
વધુમાં મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયા સાથે વાત કરતાં તેમણે જણાવ્યુ હતું કે, છેલ્લા વર્ષોમાં જે પણ મોટી દુર્ઘટના ગુજરાતમાં બનેલ છે તેમાં સામાન્ય લોકો હોમાયા છે જો કે, એકપણ ઘટનામાં લોકોને ન્યાય મળેલ નથી જેથી કરીને લોકોને ન્યાય અપાવવા માટે આ ગુજરાત ન્યાય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને ખાસ કરીને લોકોને સવાલ થાય કે મોરબીથી યાત્રાનું પ્રસ્થાન શા માટે કરવામાં આવી રહ્યું છે તેના જવાબમાં પ્રમુખે જણાવ્યુ હતું કે ગુજરાતમાં જે દુર્ઘટનાઓ છેલ્લા વર્ષોમાં બનેલ છે તેમાં સૌથી વધુ લોકો મોરબીની ઝૂલતા પુલ દુર્ઘટનામાં હોમાયા હતા જેથી કરીને આ યાત્રાનું પ્રસ્થાન મોરબીથી કરવામાં આવી રહ્યું છે. તાજેતરમાં રાજકોટના ગેમઝોનમાં જે ઘટના બની તેમાં 3000 ડિગ્રીની આગમાં 12 ભૂલકાંઓ સહિત 27 લોકો ભૂંજાયા હતા તેમના પરિવારજનોને પણ ન્યાય મળેલ નથી જેથી આ યાત્રા મોરબીથી સીધી રાજકોટ જશે. મોરબીની ઘટનામાં સરકારે મોરબી પાલિકાને સુપરસિડ કરી છે પાનાં અધિકારી કે પદાધિકારીની સામે કોઈ પગલાં લેવામાં આવેલ નથી. આમ ભાજપ સરકાર પોતાની પાર્ટીના મોટા ભ્રષ્ટાચારીઓને, મોટા મગરમચ્છોને છોડી મૂકી ફક્ત નાની માછલીઓને પકડે છે. જેથી કરીને ન્યાય માટે આ યાત્રા કાઢવામાં આવી રહી છે.
અંતમાં કોંગ્રેસના આગેવાને જણાવ્યુ હતું કે, ગુજરાતમાં બનેલ ઘટનામાં લોકોને ન્યાય અપાવવા માટે જો સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવવા પડે, વિધાનસભા કે સંસદમાં અવાજ ગુંજતો કરવો પડે તો તેના માટે અમે લોકો તૈયાર છીએ અને અંતે રોડ ઉપર ઉતરીને પણ જનતાને જગાડી ભ્રષ્ટ ભાજપને ઉઘાડી આપવા માટેનું કામ હવે કરવામાં આવશે. એટલા જ માટે 9 ઓગસ્ટ ક્રાંતિ દિવસથી મોરબીથી ન્યાય યાત્રા શરૂ કરવામાં આવશે અને વિધાનસભાનું સત્ર ચાલુ હોય ત્યારે જ 300 કિલોમીટરનું અંતર પૂરું કરીને આ પદયાત્રા ગાંધીનગર પહોચશે. અને ત્યાં જઈને એક જ માંગ કરવામાં આવશે કે આ ઘટનાઓમાં પીડિત પરિવારોની માંગ મુજબ પ્રમાણિક, નિષ્પક્ષ અધિકારીઓને તપાસ સોંપવામાં આવે, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલે, અને પીડિતોને યોગ્ય વળતર ચૂકવવામાં આવે અને જયાં સુધી આ માંગો નહીં સંતોષાય ત્યાં સુધી આંદોલન ચાલતું રહેશે.