વાંકાનેરના વીરપર પાસે દેશી દારૂની બે ભઠ્ઠી ઉપર રેડ: 3200 લિટર આથો, 295 લિટર દેશીદારૂ કબ્જે: એક આરોપી પકડાયો-એકની શોધખોળ
SHARE









વાંકાનેરના વીરપર પાસે દેશી દારૂની બે ભઠ્ઠી ઉપર રેડ: 3200 લિટર આથો, 295 લિટર દેશીદારૂ કબ્જે: એક આરોપી પકડાયો-એકની શોધખોળ
વાંકાનેર તાલુકાના વિરપર ગામની સીમમાં વાડીના શેઢે દેશીદારૂ બનાવવાની ભઠ્ઠી ચાલુ હતી ત્યાં એલસીબીની ટીમે રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી 275 લિટર તૈયાર દારૂ અને દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 2600 લિટર આથો મળી આવ્યો હતો જેથી ભઠ્ઠીના સાધનો સહિત પોલીસે કુલ મળીને 1,31,800 નો મુદામાલ કબ્જે કર્યો હતો.
મોરબી જીલ્લામાં પ્રોહીબીશન-જુગારની પ્રવૃતિ સદંતર નાબુદ કરવા એલસીબીના પીઆઇ એમ.પી. પંડયાને એસપી અને આઇજી તરફથી સુચના આપવામાં આવી હતી દરમ્યાન એલ.સી.બી.ના શેખાભાઇ મોરી, ભાવેશકુમાર મિયાત્રા તથા વિક્રમભાઇ રાઠોડને સયુંકતમાં ખાનગીરાહે બાતમી મળી હતી કે, વિરપર ગામે રહેતા મનિષભાઇ ઉર્ફે મનોજભાઇ રામજીભાઇ મકવાણા પોતાના ગામ વિરપર પાસે સોરસગો તરીકે ઓળખાતી સીમમાં વાડીના શેઢે દેશી દારૂ બનાવવાનો આથો ગાળી ભઠ્ઠી ચલાવી રહ્યો છે જેથી કરીને હકીકત વાળી જગ્યાએ રેઇડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી 275 લિટર દેશી દારૂ જેની કિંમત 55 હજાર, 2600 લિટર આથો જેની કિંમત 65 હજાર, 3 ગેસના ચૂલા, 5 ગેસના બાટલા, વિગેરે મળીને પોલીસે 1,31,800 નો મુદામાલ કબ્જે કર્યો છે જો કે, આરોપી સ્થળ ઉપર હાજર ન હોવાથી હાલમાં મનિષ ઉર્ફે મનોજ રામજીભાઇ મકવાણા રહે. વીરપર (માટેલ) વાળાની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
આવી જ રીતે વાંકાનેર તાલુકાના વીરપર અને માટેલ ગામની વચ્ચે આવેલ વડીયા વિસ્તારમાં ખરાબાની જગ્યામાં સ્થાનિક પોલીસ દ્વારા દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 600 લીટર આથો તથા તૈયાર 20 લિટર દેશી દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે કુલ મળીને 16,000 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી વરસીંગભાઇ મંગાભાઈ દેકાવાડીયા (31) રહે. વીરપર તાલુકો વાંકાનેર વાળાની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

