મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો
SHARE
મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો
કેરાળી ગામે મારામારી: ઢુવા પાસે યુવાન પર છરી વડે હુમલો
મોરબીના સામાકાંઠે આવેલા ધરમપુર ગામે રહેતા પરીવારની સગીરવયની દિકરીને લગ્નની લાલચ આપીને તેણીનું અપહરણ કરી જવામાં આવી હોવાનો બનાવ સામે આવેલ છે.
પ્રાપ્ત વિગતો મુજબ ધરમપુર ગામે રહેતા પરીવારની સગીરવયની દિકરીને લલચાવી ફોસલાવીને લગ્નની લાલચ આપી અપહરણ કરી જવામાં આવેલ હોય ભોગ બનેલ દિકરીના પિતા દ્વારા હાલમાં તાલુકા પોલીસ મથક ખાતે અલ્પેશ મેરૂભાઈ દેકાવાડીયા રહે. પંચાસીયા તા.વાંકાનેર સામે ફરીયાદ નોંધાવવામાં આવેલ છે. તાલુકા પીઆઈ ઘેટીયા દ્વારા અપહરણ, પોકસો સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને ભોગ બનેલ સગીરાને શોધવા અને આરોપીને પકડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
વાહન અકસ્માત
મોરબી તાલુકાના રાજપર ગામે રબારી કોલોનીમાં રહેતા ગોપાલભાઈ ગુલાબભાઈ દેલવાડીયા (38) પગપાળા જતો હતો ત્યારે ગાડી વાળાએ અડફેટે લેતા સારવાર માટે સિવિલે ખસેડાયો હતો. જયારે બગથળા ગામે આવેલા કારખાનામાં કામ દરમ્યાન મીલર મશીનમાં હાથ આવી જતા ઈજા પામેલા પંકેશ દિપભાઈ ડામોર (18) રહે. પંચાસર રોડ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો.
વૃધ્ધા સારવારમાં
મોરબી-માળીયા હાઈવે ઉપર આવેલા નવી ટીંબડી ગામે રહેતા સમજુબેન બટુકભાઈ સિંચણાદા નામના 65 વર્ષના વૃધ્ધા ત્યાં આવેલ સુંદર મોહન હોટલની સામેથી જઈ રહ્યા હતા. ત્યારે અજાણ્યા બાઈક સવારે તેઓને ટકકર મારતા ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. તેમજ જેતપર રોડ પાવડીયારી પાસેના સિરામીક યુનીટ ખાતે રહીને મજુરીકામ કરતા જમનાબેન ગૌતમસિંઘ (19) નામની યુવતી કોઈ કારણોસર કપડા ધોવાનો પાઉડર પી જતા અત્રેની સિવિલે સારવાર માટે લાવવામાં આવી હતી.
મારામારીમાં ઈજા
મોરબી તાલુકાના કેરાળી ગામે રહેતા દેવસીભાઈ જીવરાજભાઈ મકવાણા નામના 42 વર્ષના યુવાનને યાજ્ઞિક નામના માણસે ધોકા-પાઈપ વડે માર મારતા માથામાં ઈજા થવાથી અહીંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. તેમજ માળક્ષયા (મીં) ખાતે રહેતો અરમાન હબીબભાઈ મોવર (18) નામનો યુવાન કોઈ કારણોસર ફિનાઈલ પી ગયો હોય સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.
છરી વડે હુમલો
મોરબી-વાંકાનેર હાઈવે ઉપર ઢુવા ગામ પાસે આવેલ દેવાંગી હોટલ નજીક વિક્રમભાઈ ગામાભાઈ જાંબુકીયા (45) રહે. મોરબી ઉપર કોઈના દ્વારા છરી વડે હુમલો કરવામાં આવતા તેને અહીંની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.
તેમજ જોડીયા તાલુકાના પીઠડ ગામનો ભરત રાયધનભાઈ અઘારીયા (35) નામનો દેવીપૂજક યુવાન કોઈ કારણસર દવા પી ગયો હોય તેને અત્રેની મંગલમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો. જયારે ટંકારાના લજાઈ ગામે રહેતા કેશુભાઈ હિમોભાઈ ઓહરીયા નામનો 35 વર્ષનો યુવાન લજાઈ ખાતે પગપાળા જઈ રહ્યો હતો. ત્યારે અજાણ્યા કાર ચાલકે હડફેટે લેતા તેને 108 વડે અહીંની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.









