મોરબી જલારામ પ્રાર્થના મંદિરે સદાવ્રત ભોજન કરાવીને જન્મદિનની ઉજવણી કરાઇ
વાંકાનેર પાલીકાના કર્મચારીઓની અચોક્કસ મુદ્દતની હડતાલ શરૂ
SHARE









વાંકાનેર પાલીકાના કર્મચારીઓની અચોક્કસ મુદ્દતની હડતાલ શરૂ
વાંકાનેર નગરપાલિકાના કર્મચારીને ઓફિસે આવીને ધમકી આપવામાં આવી હતી અને ગાળો દેવાઈ હતી જે સંદર્ભે વાંકાનેર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી તેમ છતાં પણ આજ દિવસ સુધી આરોપીની ધરપકડ કરવામાં આવી ન હતી તે સહિતના પ્રશ્નોને લઈને આજે વાંકાનેર નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા તમામ કામગીરી બંધ કરીને અચોક્કસ મુદ્દતની હડતાલ શરૂ કરવામાં આવી છે અને માંગણી ન સંતોષાય ત્યાં સુધી હડતાળ ચાલુ રહેશે તેવું હાલમાં પાલિકાના કર્મચારીઓએ જણાવ્યું છે.
વાંકાનેર નગરપાલિકાની બાજુમાં આવેલી સોસાયટીમાં થોડા સમય પહેલા ભૂતિયા નળ કનેકશન કાપવાની કામગીરી પાલિકાના કર્મચારીઓ દ્વારા કરવામાં આવી હતી ત્યારે ત્યાંના લોકો દ્વારા કર્મચારીઓની સાથે માથાકૂટ કરવામાં આવી હતી.આ ઉપરાંત સરફરાઝ મકવાણા નામના શખ્સે પાલિકા કચેરી ખાતે આવીને પાલિકાના કર્મચારીઓને ગાળો ભાંડી હતી અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી જેથી કરીને અશોક રાવલ નામના કર્મચારી દ્વારા વાંકાનેર પોલીસ સ્ટેશન ખાતે સરફરાઝ મકવાણાની સામે ફરિયાદ નોંધવામાં આવી હતી તેમ છતાં પણ આજ દિવસ સુધી આરોપીની ધરપકડ કરવામાં આવી નથી.
આટલું જ નહીં પરંતુ પાલિકાના હદ વિસ્તારમાં ભૂતિયા નળ કનેકશન કાપવા માટે થઈને પોલીસ પાસેથી બંદોબસ્ત માંગવામાં આવ્યો છે તો પણ યેનકેન પ્રકારે પોલીસ બંદોબસ્ત પણ નગરપાલિકાના કર્મચારીઓને ફાળવવામાં આવેલ નથી જેથી કરીને રોષે ભરાયેલા કર્મચારીઓ દ્વારા આજથી વાંકાનેર નગરપાલિકામાં હડતાલ કરવામાં આવી છે અને લાઇટ-પાણી, સફાઇ સહિતની કામગીરીને સદંતર બંધ કરવામાં આવી છે.વધુમાં પાલિકાના કર્મચારી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે જ્યાં સુધી તેઓની માંગણીઓ સંતોષવામાં નહિં આવે અને પાલિકાના કર્મચારીને જાનથી મારી નાંખવાની ધમકી આપનાર આરોપીની ધરપકડ કરવામાં નહીં આવે ત્યાં સુધી અચોકક્સ મુદ્દતની હડતાલ પાલિકાના તમામ કર્મચારીઓ દ્વારા ચાલુ રાખવામાં આવશે.
