હાલમાં ગાંધીજીના માર્ગે ચાલતું આંદોલન, હિંસક બનતા વાર લાગશે નહીં: મોરબીના જેતપર ગામે આવેલ બાવડી ગામના ખેડૂતોની સરકારને ચેતવણી
SHARE
હાલમાં ગાંધીજીના માર્ગે ચાલતું આંદોલન, હિંસક બનતા વાર લાગશે નહીં: મોરબીના જેતપર ગામે આવેલ બાવડી ગામના ખેડૂતોની સરકારને ચેતવણી
મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનનો આજે 15 મો દિવસ છે અને સરકાર તરફથી ખેડૂતોની માંગણી બાબતે હજુ સુધી કોઈ પ્રત્યોત્તર આપવામાં આવ્યો નથી ત્યારે ખેડૂતોની ધીરજ ખૂટી હોય તેવું દેખાઈ રહ્યું છે કારણ કે છાવણીએ આવતા ખેડૂતોએ સરકારને સીધી જ ચેતવણી આપતા કહ્યું હતું કે, “હાલમાં ગાંધીજીના માર્ગે આંદોલન ચાલી રહ્યું છે, પરંતુ હવે હિંસક આંદોલન બનતા વાર લાગશે નહીં”
મોરબી જિલ્લાના જેતપર ગામે 18 જૂનથી ખેડૂતો દ્વારા ખાનગી વીજ કંપનીના વીજપોલ સામે પૂરતું વળતર મેળવવા માટે થઈને આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે અને આ આંદોલન શરૂ થયું તેના પાંચમાં દિવસે અધિકારીઓ ખેડૂતો પાસેથી તેઓની માંગણીઓ લેખિતમાં લેવા માટે આવ્યા હતા જેથી ખેડૂતોએ તેઓની 6 માંગણી લેખિતમાં આપી હતી જે સરકાર સુધી પહોંચી ગઈ છે પરંતુ આંદોલનના 15 માં દિવસ અને માંગણીઓ આપી તેના 10 માં દિવસ પછી પણ ખેડૂતોની માંગીઓ બાબતે સરકાર શું કરવા ઈચ્છી રહી છે તેના માટે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી આટલુ જ નહીં ગઈકાલે કેબિનેટની બેઠક મળી ત્યાર બાદ મંત્રીની પત્રકાર પરિષદમાં પણ ખેડૂતોની માંગણી બાબતે કોઈ સ્પષ્ટતા કરી ન હતી અને ખેડૂતોને સરકાર તરફથી પ્રત્યુતર આપવામાં આવેલ નથી જેથી ખેડૂતો પણ સરકારના પ્રત્યોતરની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તેવું આંદોલન સમિતિના સભ્ય વૈભવ અમૃતિયાએ જણાવ્યુ છે
સમગ્ર ગુજરાતમાં ખેડૂતોના ખેતરની અંદર ખાનગી કંપનીના વીજપોલ ઊભા કરવા માટેની કવાયત ચાલી રહી છે જેથી ખેડૂતોમાં ક્યાંકને ક્યાંક આ કામની સામે આક્રોશની લાગણી છે અને હાલમાં જ્યારે જેતપર ગામે ખેડૂતો પૂરતું વળતર મેળવવા માટે આંદોલન કરી રહ્યા છે ત્યારે તેના સમર્થનમાં ગુજરાતમાંથી ખેડૂતો તથા મહિલાઓ સહિતના લોકો ઉપવાસી છાવણીએ આવી રહ્યા છે. દરમિયાન આજે ધાંગધ્રાના બાવડી ગામના ખેડૂતો ઉપવાસી છાવણીએ આવ્યા હતા ત્યારે રાજુભાઈ કવર નામના ખેડૂતે કહ્યું હતું કે, તેઓના ખેતરોમાંથી 720 kv ની વીજલાઈન પસાર થયેલ છે અને તે વીજ લાઈનની નીચેના ભાગમાં ખેડૂતો ખેતી કામ કરે છે તો પણ તેઓને વીજ કરંટ આવતો હોય છે ત્યારે મુખ્યમંત્રી, મંત્રી, સાંસદો, ધારાસભ્યો વિગેરેએ સ્થળ ઉપર જઈને પરિસ્થિતિ જોયા પછી ખેડૂતોને વળતર માટેનો નિર્ણય લેવો જોઈએ. અને જો નિર્ણય લેવામાં વિલંબ કરશે તો હાલમાં જેતપર ગામે જે આંદોલન ગાંધીજીએ માર્ગે ચાલે છે તેને હિંસા આંદોલન બનતા વાર નહીં લાગે તેવી ચીમકી ખેડૂતોએ ઉચ્ચારી છે.
જે રીતે જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનને ગામો ગામથી ખેડૂતોનું સમર્થન મળી રહ્યું છે તે જોતાં સરકાર દ્વારા ખેડૂતોના ખેતરમાં જે વીજ લાઈન માટેના વીજ પોલ ઉભા થાય છે તેના માટે વળતરની નવી જે કોઈ નીતિ બનાવવાની હોય તેની વહેલી તકે જાહેરાત કરવામાં નહીં આવે તો તેના આગામી દિવસોમાં માઠા પરિણામ આવી શકે છે કારણ કે, છેલ્લા 15 દિવસથી આમરણાંત ઉપવાસ ચાલુ છે અને દિવસને દિવસે ઉપવાસીઓની તબિયત લથડી રહી છે. ત્યારે જો કોઈ ઉપવાસીને કશું થયું તો સમગ્ર ગુજરાતમાં આંદોલન હિંસક બને અને ગુજરાત ભડકે બળે તેવું ચિત્ર હાલમાં દેખાઈ રહ્યું છે.









