મોરબી સાર્થક વિદ્યા મંદિરના વિધાર્થીઓએ તાલુકા કક્ષાના કલા મહાકુંભમાં હાંસેલ કર્યું ઝળહળતું પરિણામ
મોરબીમાં પોલીસે સિલસિલો યથાવત રાખ્યો, ચોરને પડ્યા બાદ હવે ચોરીના ગુના નોંધવાનું શરૂ..!
SHARE









મોરબીમાં પોલીસે સિલસિલો યથાવત રાખ્યો, ચોરને પડ્યા બાદ હવે ચોરીના ગુના નોંધવાનું શરૂ..!
મોરબી પોલીસ દ્વારા અગાઉ ચોરી થયા બાદ જે તે સમયે ચોરીની ફરિયાદ નોંધવાના બદલે ચોરીની ફરીયાદ નોંધવાનું ટાળવવામાં આવે અને બાદમાં જ્યારે ચોર પકડાય ત્યારે એકી સામટા ચોરીના ગુનાઓ નોંધીને આરોપીની જેતે ગુનાઓમાં ધરપકડ બતાવવામાં આવે આ મુજબની થીયરીથી કામ કરવામાં આવતુ હતુ જે થીયરી હાલ પોલીસે યથાવત રાખી હોય તેવું જાણવા મળી રહ્યુ છે. કારણ કે થોડા દિવસો પહેલા મોરબી પોલીસ દ્વારા પાંચ ચોરીઉ બાઈક સાથે એક ઇસમની ધરપકડ કરવામાં આવી હતી જેમાં અગાઉ બે અને ગઇકાલે વધુ બે એમ કુલ ચાર વાહન ચોરીના ગુના નોંધવામાં આવ્યા છે એટલે કે ચોર પકડાયા બાદ ફરિયાદ નોંધવાનો સિલસિલો પોલીસે યથાવત રાખ્યો હોવાનું વધુ એક વખત સાબિત થયું છે.
મોરબીના માળીયા પોલીસ સ્ટાફે સુનિલ ભાવસિંગ નાયકા આદિવાસી હાલ રહે. જૂના ઘાંટીલાની સીમમાં મૂળ રહે.પાલસંડા છોટાઉદેપુર વાળાને પાંચ ચોરાઉ બાઇક સાથે પકડયો હતો અને તે અંગે બાદમાં ભોગ બનેલા લોકોની ફરિયાદ લેવાનું હવે શરૂ કરવામાં આવ્યુ હોય તેવું લાગી રહ્યું છે..! કારણ કે આગલા દિવસે વાહન ચોરી અંગે બે ફરિયાદો નોંધાઈ હતી ત્યારે ગઇકાલે વધુ બે વાહનચોરીના ગુના નોંધાયા છે.જેમાં ભોગ બનેલા પૈકીના વિરલ નંદલાલ રામાનુજ બાવાજી (૨૪) રહે.વિષ્ણુનગર કુબેરનગર પાસે નવલખી રોડ મોરબી વાળાએ સીટી એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે આયુષ હોસ્પિટલ ખાતેથી ગત તા.૩૦ જાન્યુઆરીના રોજ રાત્રીના આઠેક વાગ્યાના અરસામાં તેણે પોતાનું બાઇક નંબર જીજે ૩૬ કે ૨૯૮ કિંમત રૂપિયા ૨૦ હજારનું પાર્ક કર્યું હતું જે અજાણ્યો ઇસમ ચોરી ગયેલ છે અને તે ગુનામાં નામ જોગ સુનિલ ભાવસિંગ નાયકા આદિવાસીના નામે વાહન ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવી છે એટલે કે ફરિયાદી વિરલભાઇને ખબર કેવી રીતે પડી કે ચોર સુનીલ નાયક છે..?! અને જો તેને ખબર નથી પડી તો પોલીસે જેતે સમયે ચોરી થઇ ત્યારે ફરિયાદ કેમ લીધી નથી..? તે પણ તપાસનો વિષય છે.કારણ કે ચોરીનો બનાવ ૩૦ જાન્યુઆરીના રોજ બન્યા બાદ પાંચ દિવસ બાદ ૫ ફેબ્રુઆરીએ ચોર પકડાયા બાદ ગુનો નોંધાવા પામ્યો છે.
જયારે ચોરી અંગેની બીજી ફરિયાદ હળવદ પોલીસ સ્ટેશન ખાતે નોંધાવવામાં આવી છે જેમાં ભોગ બનેલ સુરેશભાઈ ડાયાભાઈ હડીયલ દલવાડી (૪૫) રહે.ટીકર હળવદવાળાએ પણ સુનિલ ભાવસિંગ નાયકા રહે.જુના ઘાંટીલા દલસુખ માવજી પટેલની વાડીએ માળીયા જી.મોરબી મૂળ રહે.પાલસંડા છોટાઉદેપુર વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે ગત તા.૧૩-૭-૨૧ ના રોજ સવારના અગિયાર વાગ્યાના અરસામાં જુના ઘાંટીલા રોડ ઉપર ફરિયાદીની વાડીની પાસે તેઓએ તેમનું જીજે ૩૬ ડી ૮૭૪૯ નંબરનું રૂપિયા ૨૦ હજારની કિંમતનું બજાજ પ્લેટીના પાર્ક કર્યું હતું જે ચોરી થઈ ગયું હતું અને વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે મોટરસાયકલનો વીમો ન હોય જે તે સમયે ફરિયાદ કરી ન હતી..!! પરંતુ ચોરાઉ બાઇક માળીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પકડાયું હોવાની જાણ થતાં હવે ફરિયાદ નોંધાવેલ છે..! તેવી મુજબની કેફિયત પણ ફરિયાદીએ પોલીસને આપી હોય હાલ બનાવ અંગે પીએસઆઇ વી.આર.શુકલએ ફરિયાદ નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.
અત્રે નોંધનીય છે કે ચોર પકડાયા બાદ ફરિયાદ નોંધવામાં આવે છે અને તે રીતે ચોરીનો ક્રાઇમ રેટ નીચો દર્શાવવા પ્રયાસ કરવામાં આવે છે અહીંએ પણ નોંધનીય છે કે થોડા દિવસો પહેલાં જેતપર ગામે દુકાનના તાળા તૂટયા હતા.તે રીતે જ વધુમાં જાણવા મળતી વિગતો મુજબ જાંબુડીયા ગામ પાસે જુદાજુદા બે ટ્રકોમાંથી ૪૦૦-૪૦૦ લીટર ડિઝલની ચોરી થવા પામી હતી.તે રીતે જ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોરબીના માર્કેટીંગ યાર્ડ પાસે ઓટો રીક્ષામાંથી સ્પેર વ્હીલ તેમજ મોબાઇલની પણ ચોરી થઈ હતી અને તે ઉપરાંત છુટા-છવાયા નાના-મોટા ચોરીના બનાવો બનતા હોય ભોગ બનેલ લોકો પોલીસ મથકે ફરીયાદ કરવા જાય છે પણ ચોરીની ફરીયાદ નોંધવામાં પોલીસને ટાઢ ચડી જતી હોય તેમ ફરીયાદ ટાળવામાં આવે છે અને ઉપર મુજબ ચોર પકડાય ત્યારે ભોગ બનેલ ફરીયાદીઓને બોલાવી-બોલાવીને ફરીયાદો નોંધવામાં આવે છે..! અને ત્યાર બાદ પકડાયેલા આરોપીને તાત્કાલિક ધરપકડ દેખાડીને ફટાફટ ગુનો ડિટેકટ થઇ ગયો છે તેવો ઘાટ બતાવવામાં આવે છે.જોકે જીલ્લામાં નાઇટ પેટ્રોલિંગ સઘન બનાવવામાં આવતું ન હોય તેનો ભોગ લોકો બની રહ્યા હોય પોલીસ દ્રારા સઘન પેટ્રોલિંગ કરવામાં આવે તેવી જીલ્લાના લોકો માંગ કરી રહ્યા છે.
