માળીયા મીંયાણાની વિશાલા હોટલ નજીક વાહન અકસ્માતમાં ઘવાયેલ યુવાન રાજકોટ ખસેડાયો
SHARE









માળીયા મીંયાણાની વિશાલા હોટલ નજીક વાહન અકસ્માતમાં ઘવાયેલ યુવાન રાજકોટ ખસેડાયો
મોરબી જિલ્લાના માળીયા મીંયાણા તાલુકામાં આવેલી વિશાલા હોટલ પાસે મોડી રાત્રીના વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં ઈજાગ્રસ્ત થયેલા યુવાનને મોરબી સિવિલે અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હોવાનું જાણવા મળેલ છે.
મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે મોરબી જિલ્લાના માળીયા મીંયાણા તાલુકામાં આવેલ વિશાલા હોટેલની પાસે મોડી રાત્રીના વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો જે બનાવમાં ઈજાગ્રસ્ત થયેલા રાકેશ ફતેસિંગ હઠીલા (ઉમર ૩૫) રહે.છાંયા રોડ પોરબંદર વાળાને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો અહીં રાબેતા મુજબ પ્રાથમિક સારવાર આપીને તેને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હોવાનું જાણવા મળેલ છે હાલમાં એ ડિવિઝન પોલીસ મથકના હમીરભાઈ ગોહિલે પ્રાથમિક તપાસ કરી વધુ તપાસ અર્થે બનાવ માળીયા પોલીસ મથકની હદનો હોય માળીયા પોલીસમાં જાણ કરી હતી.
ગુમ થયેલ યુવતી મળી આવી
મોરબીના સીટી બી ડિવિઝન પોલીસ મથકની હદમાંથી થોડા સમય પહેલા નિર્મલાબેન ભાઇલાલભાઇ ગોહીલ નામની ૨૪ વર્ષીય યુવતી ગુમ થઇ ગઇ હતી જે અંગે મોરબી બી ડિવિઝનમાં જાણ કરવામાં આવી હતી.દરમિયાનમાં તપાસ ચલાવી રહેલા હેડ કોન્સ્ટેબલ જે.જે.ડાંગર તથા પોલીસ સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ ગત તા.૩-૪ ના રોજ ગુમ થયેલ નિર્મલાબેન ગોહિલ ઝાલોદ પોલીસ સ્ટેશન ખાતે હાજર થયા હતા અને ત્યાં તેમણે જણાવ્યું હતું કે ઝાલોદના રહેવાસી અજય દિનેશભાઇ તુવર નામના યુવાન સાથે પ્રેમસંબંધ હોય તેની સાથે લગ્ન કરીને રહેવા ઈચ્છે છે.હાલ આ અંગે નોંધ કરીને પોલીસે આ અંગેની આગળની રાબેતા મુજબની તપાસ હાથ ધરી છે.
યુવાન સારવારમાં
મોરબી નજીકના રાજપર ગામનો રહેવાસી મંથન બળવંતભાઈ નામનો ૧૭ વર્ષીય યુવાન એરોડ્રામ રોડ ઉપરથી બાઈક લઈને જતો હતો ત્યારે તે બાઇકમાંથી નિચે પડી જતા ઇજાગ્રસ્ત થયેલા મંથનને અહીંની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબી નજીકના રફાળેશ્વર ગામે રહેતો બળદેવ રામસિંગભાઈ ઝિંઝુવાડીયા નામનો ૩૯ વર્ષીય યુવાન રફાળેશ્વર ફાટકથી જોધપર તરફ બાઈક લઈને જતો હતો ત્યારે રસ્તામાં તેનું બાઇક સ્લીપ થઇ જતાં થયેલ અકસ્માત બનાવમાં ઘવાયેલા બળદેવ ઝિંઝુવાડીયાને પણ સારવાર માટે અત્રે ક્રિષ્ના હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.
