ટંકારા નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા સ્કુટર સવાર યુવાનનું મોત
મોરબી : માળીયા(મિં.) ના વાધરવા ગામે બે મકાનમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ મળીને ૩.૭૦ લાખની ચોરી, અન્ય ત્રણ મકાનમાં પણ હાથફેરો
SHARE









મોરબી : માળીયા(મિં.) ના વાધરવા ગામે બે મકાનમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ મળીને ૩.૭૦ લાખની ચોરી, અન્ય ત્રણ મકાનમાં પણ હાથફેરો
મોરબીના માળીયા મિંયાણા તાલુકાના વાધરવા ગામે બે રહેણાંક મકાનમાં તસ્કરોએ ધામા નાખ્યા હતા અને બે મકાનના તાળા તોડી ઘરમાં અપપ્રવેશ કરીને સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ મળીને કુલ રૂા.૩.૭૦ લાખની કિંમતના મુદામાલની ચોરી કરી ગયેલ છે.જેથી કરીને હાલમાં ભોગ બનેલા યુવાન દ્વારા માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આ બનાવની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.તે ઉપરાંત અન્ય ત્રણ મકાનોમાં તસ્કરોએ ચોરી કરી હોવાનું અથવા ચોરીનો પ્રયાસ કર્યો હોવાનું હાલ સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે આમ એક જ રાતમાં પાંચ જેટલા મકાનોને તસ્કરોએ નિશાન બનાવ્યા હોય માળીયા મીંયાણા પોલીસના નાઇટ પેટ્રોલિંગના લીરેલીરા ઉડી ગયા હોય તેવો ઘાટ સર્જાયો છે. તેમજ એકી સાથે વધુ મકાનોમાં એકીસાથે ચોરી થઈ હોય તસ્કર ગેંગ સક્રિય થઇ હોય લોકોમાં તેને લઈને ફફડાટ વ્યાપી ગયો છે અને વધુ પ્રમાણમાં નાઇટ પેટ્રોલીંગ કરવામાં આવે તેવી લોકો પણ માંગ કરી રહ્યા છે.
ચોરીના ઉપરોકત બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે માળીયા મિંયાણા તાલુકાના વાધરવા ગામે રહેતા મનહરભાઈ ભારમલભાઈ બોરીચા જાતે આહિર (ઉમર ૪૪) એ માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે તા.૯-૫ ના રાત્રિના બે વાગ્યાથી લઈને સવારના પાંચ વાગ્યા સુધીના સમયગાળામાં તેમના મકાનની અંદર અજાણ્યા શખ્સો દ્વારા પ્રવેશ કરીને લોખંડના કબાટને તોડીને કબાટમાં રાખેલ રોકડા રૂા.૨,૩૪,૦૦૦ તેમજ સોના-ચાંદીના દાગીના કિંમત રૂા.૧૪,૦૦૦ ની અને તેની પાડોશમાં રહેતા દિગ્વિજયસિંહ બળવંતસિંહના મકાનમાં પણ પ્રવેસીને લોખંડનો કબાટ તોડી આસરે નવેક તોલા સોના-ચાંદીના દાગીના જેની કિંમત રૂા.૧,૨૨,૦૦૦ આમ કુલ મળીને બે મકાનમાંથી ૩.૭૦ લાખની માતબાર રકમના મુદ્દામાલની ચોરી કરવામાં આવેલ છે.જેથી કરીને ભોગ બનેલા મનહરભાઈ બોરીચા દ્વારા માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધવામાં આવેલ છે જેના આધારે પીએસઆઇ બી.ડી.જાડેજા દ્રારા ગુનો નોંધીને તસ્કરોને પકડવા માટે તજવીજ ચાલુ કરાયેલ છે.
વધુમાં સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ અન્ય ત્રણ મકાનોમાં પણ તસ્કરોએ ચોરી તેમજ ચોરીનો પ્રયાસ કર્યો છે જેમાં જાણવા મળતી વિગતો મુજબ અશોકસિંહ પ્રવિણસિંહના મકાનમાં પણ ચોરી કરવામાં આવેલી છે તે રીતે જ અરવિંદભાઈ પ્રેમજીભાઈ ધામેચાના મકાનમાંથી અંદાજે પાંચેક હજાર રૂપિયાની રોકડની ચોરી કરવામાં આવેલી છે તેમજ એક વાણંદના મકાનને પણ તસ્કરોએ નિશાન બનાવ્યું હોય આમ પાંચેક મકાનોમાં એક જ રાત દરમિયાન ચોરી થઇ હોય કોઇ તસ્કર ગેંગ સક્રિય થઇ હોય તેવું લાગી રહ્યું છે.જેને પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે અને પોલીસના નાઈટ પેટ્રોલીંગ બાબતે અનેક તર્ક-વિતર્કો ઉઠી રહ્યા છે માટે નાઈટ પેટ્રોલીંગ સઘન બનાવવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે.
