લાયન્સ કલબ ઓફ મોરબી સિટી દ્વાર વિનામુલ્યે નેત્રયજ્ઞ તેમજ ઓર્થોપેડીક કેમ્પ યોજાયો
મોરબી પોલીસ દારૂ-જુગારના ગુના નોંધવામાં પાવરધી, ચોરીના ગુના નોંધવામાં શું પેટમા દુખે છે..?
SHARE
મોરબી પોલીસ દારૂ-જુગારના ગુના નોંધવામાં પાવરધી, ચોરીના ગુના નોંધવામાં શું પેટમા દુખે છે..?
મોરબીમાં છેલ્લા દિવસોથી જુદાજુદા વિસ્તારોમાં ચોરીના બનાવો સામે આવી રહ્યા છે તે ઉપરાંત અમુક જગ્યાએ એકલદોકલ જતા લોકોના મોબાઈલ પડાવી લેવા કે છરીની અણીએ લૂંટી લેવાના બનાવો પણ સામે આવ્યા છે જોકે તેવા બનાવોમાં ફરિયાદો નોંધાતી નથી કે નોંધવામાં આવતી નથી તે હાલ તપાસનો વિષય છે અને તેને લઈને દિવસેને દિવસે ગુનેગારોને છૂટો દોર મળતો હોય તેમ ગુનાઓ વધી રહ્યા છે માટે આવા બનાવોમાં ગંભીરતા દાખવીને ફરિયાદ નોંધવામાં આવે તે જરૂરી બન્યું છે કારણ કે એકલદોકલ વ્યક્તિ જ્યારે દારૂ જુગારમાં પકડાય ત્યારે તાબડતોબ જે રીતે ગુનાઓ નોંધવામાં આવે છે તે રીતે લોકો ચોરને કે આરોપીને પકડીને પોલીસ સ્ટેશનને મૂકી આવે તે બનાવોમાં તાબડતોબ ફરિયાદો નોંધાતી નથી તે નવી વાસ્તવિકતા છે.આવા સમયે પોલીસની કામગીરી ઉપર સવાલ ઊઠે તે વ્યાજબી છે જો અન્ય ગુનાઓમાં તાબડતોબ ગુના નોંધાતા હોય તો ચોરી સમયે ફરિયાદ નોંધવામાં કે જાત ફરીયાદી બનવામાં પોલીસને શું પેટમાં દુખે છે..? તે પણ હાલ ઉચ્ચ કક્ષાએથી તપાસનો વિષય છે. શું આ રીતે ગુનાઓને દબાવીને ક્રાઈમરેટ નીચો લાવી શકાય ખરો..?
મોરબી જિલ્લાની એલસીબી-એસઓજી અને સ્થાનિક પોલીસ દ્વારા સમયાંતરે દારૂની ગાડીઓ ભરીને દારૂનો જથ્થો પકડવામાં આવતો હોય છે તે રીતે જ હથિયાર અને અન્ય ગુનાઓ તેમજ જુગારની રેડ કરવામાં આવતી હોય છે જે ખરેખર કાબીલે દાદ કામગીરી છે પરંતુ જ્યાં વાત આવે છે ચોરીના બનાવોની તો ત્યાં આજ પોલીસ કેમ પાછી પડે છે..? તે વિચારવાનો વિષય બની રહે છે. કારણકે જ્યારે પણ મોરબીમાં સ્થાનિક કક્ષાએ ચોરીના બનાવો બને છે અને જેમાં અમુક કિસ્સાઓમાં તો લોકો ચોરને પકડીને પોલીસ હવાલે કરે છે આવા બનાવોમાં પણ ચોરીને ફરિયાદ નોંધાતી નથી..! તે નરી વાસ્તવિકતા છે અને પાછળથી આ બાબતે પોલીસને પૂછવામાં આવે તો એવું કહેવામાં આવે છે કે કોઈ ફરિયાદ કરતું નથી..! તો જેમ અન્ય કિસ્સાઓમાં એટલે કે દારૂ કે જુગાર પકડાઈ અને પોલીસ સરકાર તરફેથી જાત ફરિયાદી બને છે તેમ આવા ચોરીના બનાવોમાં પણ શું પોલીસ જાત ફરિયાદી ન બની શકે..?
ઉપરોક્ત બાબતે સામે આવેલી તાજેતરની જ ઘટનાઓ જોઈએ તો મોરબીની અવની ચોકડી પાસે આવેલ નિરાલી ગારમેન્ટ નામની દુકાનમાંથી થોડા સમય પહેલા એક મહિલા દ્વારા પેન્ટની ચોરી કરવામાં આવી હતી જે અંગે મળતી માહિતી મુજબ અગાઉ તે મહિલા દુકાનદાર પાસેથી આશરે સાડા પાંચ હજાર રૂપિયાનો માલ ખરીદી ગઈ હતી જેના પણ પૈસા બાકી હતી હતાં અને પુનઃ તે મહિલા ખરીદી કરવાના બહાને દુકાને આવી હતી અને નિરાલી ગારમેન્ટમાં માલ જોયા બાદ દુકાનદાર મહિલાની નજર ચૂકવીને તેમાંથી પેન્ટની ચોરી કરી હતી અને આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી ત્યારબાદ તે મહિલા બાબતે દુકાનદાર દ્રારા પોલીસને પણ જાણ કરવામાં આવી હતી જોકે આ એક દુકાનદાર નહીં પરંતુ ત્યાં ત્રણથી ચાર અન્ય દુકાનદારોને ત્યાં પણ આ મુજબ ચોરીની ઘટના સામે આવી છે અને તેની જાણ પોલીસને કરવામાં આવેલ હોવા છતાં પણ ચોરીના ગુના નોંધાયા નથી તે હકીકત છે.
તે રીતે જો વાત કરીએ માળીયા મીંયાણાની તો માળિયા મીંયાણા તાલુકાના ઘાંટીલા ગામેથી લોકોએ સાધુના વેશમાં ઇકો ગાડી લઈને આવતા અને બળજબરીપૂર્વક સીમ વિસ્તારમાંથી લસણ ચોરી જતા છ જેટલા લોકોને પોલીસ હવાલે કર્યા હતા અને તેનો વિડિયો પણ સોશિયલ મીડિયામાં હાલ વાઇરલ થયેલો છે જેમાં જણાવવામાં આવી રહ્યું છે કે ઉપરોક્ત છ સાધુ વેસમાં આવતા ઇસમો ઇકો કાર લઈને આવે છે અને માગવાના બહાને આવીને સાધુ જેવા વેસ ધરાવતા આ ઈસમો દ્વારા ખેડૂતોના ખેતરમાં પડેલ લસણની ચોરી કરવામાં આવે છે તે બનાવમાં પણ પોલીસમાં જાણ કરે હોવા છતાં કે સોશ્યલ મીડીયામાં વાઇરલ વિડીઓ બાદ પણ ચોરી અંગે કોઈ ગુનો નોંધાયો નથી તે નવી વાસ્તવિકતા છે.
તે ઉપરાંત મોરબી તાલુકા પોલીસ મથકની હદમાં આવેલ જેતપર રોડ ઉપર તેમજ ખોખરા હનુમાન મંદિર રોડ ઉપર એકલદોકલ લોકોને હથિયાર વડે ઇજા પહોંચાડીને કે ભય બતાવીને લૂંટી લેવાની ઘટનાઓ પણ બની ચુકી છે જેમાં પણ ગુના નોંધાયા નથી.તે રીતે જ મોરબીના રફાળેશ્વર પાનેલી અને ઢુવા નજીકના વિસ્તારમાં પરપ્રાંતિયો કે એકલદોકલ રાહદારીઓને આંતરિને તેઓને ભય બતાવીને કે માર મારીને તેમની પાસે રહેલ રોકડ-મોબાઈલ લૂંટી લેવાના પણ બનાવો અગાઉ પોલીસ ચોપડે નોંધાયા છે જોકે તેમાં ક્યાંય ફરિયાદ નોંધાય હોય તેવો દાખલો નથી..! માટે આવા બનાવો સમયાંતરે બનતા રહેતા હોય અને તેમાં પોલીસ ફરિયાદ થતી ન હોય ગુનેગારોને ગુના આચારવામાં બળ મળી રહ્યું છે માટે જ્યારે પણ ચોરી કે લુંટની ઘટનાઓ સામે આવે ત્યારે તેમાં ફરિયાદ નોંધીને ઝીણવટભરી તપાસ કરી ગુનેગારોને પકડવામાં આવે તેવી લોકમાંગ ઉઠી રહી છે.









