માળીયા (મી)માં સોની વેપારીની બે કિલો ચાંદીનો ભાવ પોલીસ ચોપડે ૪૫૦૦૦ !
રિલ્સનું ઘેલું: મોરબી જીલ્લામાં નેશનલ-સ્ટેટ હાઇવે ઉપર બાઈકના જોખમી સ્ટંટ કરતાં તત્વોના પાંચ વિડીયો વાયરલ
SHARE
રિલ્સનું ઘેલું: મોરબી જીલ્લામાં નેશનલ-સ્ટેટ હાઇવે ઉપર બાઈકના જોખમી સ્ટંટ કરતાં તત્વોના પાંચ વિડીયો વાયરલ
મોરબી જિલ્લાના જુદા જુદા મુખ્ય માર્ગો ઉપર રિલ્સ બનાવવા માટે થઈને જીવ જોખમમાં મૂકીને બાઈક ઉપર સ્ટંટ કરવામાં આવતા હોય તેવા વિડિયો સોશિયલ મીડિયામાં ધડોધડ વાયરલ થઇ રહ્યા છે ગઈકાલે સવારના સમયે હળવદ અને માળિયા તાલુકા પંથકના ચાર વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા જેમાં જોખમી સ્ટંટ કરતાં યુવાનો નજરે પડતા હતા ત્યારબાદ મોડી રાત્રે વાંકાનેરના ચંદ્રપુર પાસેથી પસાર થતાં નેશનલ હાઈવે ઉપર બાઈક માથે સુતા સુતા વિડીયો બનાવવામાં આવ્યો હોય તે પ્રકારનો જોખમી સ્ટંટ કરતો વિડિયો વાયરલ થયો હતો દરમિયાન હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સ્ટંટ કરનારા ચાર શખ્સોની સામે પોલીસે ગુના નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી છે જોકે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર રિલ્સ મુકવા માટે થઈને આવા જોખમી સ્ટંટ કરનારા શખ્સો ક્યારેક નિર્દોષ લોકો માટે જીવણ સાબિત થઈ શકે તેમ છે જેથી કરીને આવા શખ્સોની સામે આકરા પગલાં લેવામાં આવે તે જરૂરી છે.
વર્તમાન સમયમાં સોશિયલ મીડિયામાં રિલ્સ બનાવવાની અને વ્યુઅર્સ વધારવા માટે થઈને યુવક યુવતીઓ સહિતના કોઈપણ પ્રકારના જોખમી સ્ટંટ કરવા માટે તૈયાર થઈ જતા હોય છે અને તેવી જ રીતે જોખમી સ્ટંટ કરતા સમયે કેટલીક વખત રીલ્સ બનાવનારાના જીવ ગયા હોય તેવું પણ બની ચૂક્યું છે તેમ છતાં પણ આવા જોખમી સ્ટંટ કરીને રિલ્સ બનાવવાની પ્રવૃત્તિ બંધ થતી નથી તે હકીકત છે ગઈકાલે સવારથી મોરબી જિલ્લાના હળવદ અને માળિયા તાલુકાના જુદાજુદા ચાર વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા હતા જેમાં છુટા હાથે બુલેટ ચલાવવું, એક્ટિવા બેફિકરાયથી ચલાવવું, બાઈકને ઘોડાની જેમ ઊંચું કરીને ચલાવવું આવા જોખમી સ્ટંટ કરતાં વિડિયો જોવા મળ્યા હતા અને આ વિડીયો પોલીસના ધ્યાન ઉપર આવતાની સાથે જ ડીવાયએસપી પી.એ. ઝાલાની સૂચનાથી તાત્કાલિક અસરથી બાઇકના સ્ટંટ કરનારા તત્વોને પકડીને તેના વાહનો ડિટેલ કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
હળવદ તાલુકા પોલીસ દ્વારા અર્જુનભાઈ કાનજીભાઈ ગોયલ જાતે ઠાકોર (૧૯) રહે. ગોરી દરવાજા બહાર હળવદ, મહેશ ઘનશ્યામભાઈ ગેડાણી જાતે કોળી (૧૯) રહે. જીઆઇડીસી હળવદ, ગોપાલભાઈ રાજુભાઈ પનારા જાતે ઠાકોર (૨૨) રહે. ગોરી દરવાજા બહાર હળવદ અને અર્જુનભાઈ બળદેવભાઈ સડલીયા જાતે ઠાકોર (૧૯) રહે. પંચમુખી ઢોરા દિવ્ય પાર્ક હળવદ વાળાની સામે કલમ ૨૭૯ તથા એમવી એક્ટની કલમ ૧૭૭, ૧૮૪ મુજબ ગુના નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને તેના વાહનોની ડિટેલ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.
જોકે મોડી સાંજે વાંકાનેર પાસે આવેલ ચંદ્રપુર નજીક નેશનલ હાઇવે ઉપર બાઈકની માથે સુતા સુતા બાઈક ચલાવતા હોય તે પ્રકારના સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયા હતા જેથી કરીને વાંકાનેર સિટી પોલીસ પણ હરકતમાં આવી હતી અને જોખમી સ્ટંટ કરનારા શખ્સોને શોધવા માટેની કવાયત શરૂ કરવામાં આવી છે જોકે આ રીતે મુખ્ય માર્ગો ઉપર અને ખાસ કરીને નેશનલ હાઇવે તેમજ સ્ટેટ હાઇવે ઉપર જીવ જોખમમાં મૂકીને રીલ્સ બનાવવા માટે થઈને જે શખ્સો દ્વારા જોખમી સ્ટંટ કરવામાં આવતા હોય છે તે પોતાના જીવ જોખમમાં મુકવાની સાથો સાથ નિર્દોષ વ્યક્તિઓ માટે પણ જીવલેણ બની શકે તેવી શક્યતા હોય છે જેથી આવા શખ્સોની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને તે લોકોના વાહનોને ડીટેઇન કરવામાં આવે તો જ આવી પ્રવૃત્તિ ઉપર બ્રેક લાગી શકે તેવું હાલમાં દેખાઈ રહ્યું છે.