મોરબી જિલ્લા સંકલનની બેઠકમાં બહુમાળી બાંધકામના મુદે ધારાસભ્યની બાઘડાટીના એંધાણ: અણીદાર પ્રશ્નોનું લિસ્ટ તૈયાર
SHARE
મોરબી જિલ્લા સંકલનની બેઠકમાં બહુમાળી બાંધકામના મુદે ધારાસભ્યની બાઘડાટીના એંધાણ: અણીદાર પ્રશ્નોનું લિસ્ટ તૈયાર
મોરબીની આસપાસના વિસ્તારમાં છેલ્લા વર્ષોમાં બિલાડીના ટોપની જેમ બહુમાળી બાંધકામો ખડકાઇ રહ્યા છે અને આ બહુમાળી બાંધકામોને કોણ મંજૂરી આપે છે ? મંજૂરી વગરના બાંધકામો થતા હોય તો તેને રોકવા માટેની કેમ કોઈ કાર્યવાહી થતી નથી ? શરત ભંગના કેસ કેટલા કરવામાં આવ્યા ? આ સહિતના મુદ્દાઓને લઈને આગામી જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં ધારાસભ્ય દ્વારા બાઘડાટી બોલાવવામાં આવે તેવા સંકેતો મળી રહ્યા છે તેની સાથોસાથ વર્ષોથી રેવન્યુ વિભાગમાં યેનકેન પ્રકારે એક જ ટેબલ ઉપર ચીટકી રહેલા અધિકારીઓ અને કર્મચારીઓનું લીસ્ટ પણ આ બેઠકમાં માંગવામાં આવે તેવી શક્યતા છે.
મોરબી જિલ્લાના લોકોની સમસ્યાનો તાત્કાલિક નિકાલ થાય તે માટે સરકાર દ્વારા જે રીતે જિલ્લા સંકલનનું આયોજન કરવામાં આવે છે તે રીતે આગામી દિવસોમાં જિલ્લા સંકલન સમિતિનું આયોજન કરવામાં આવ્યું છે અને તે સંકલન સમિતિની બેઠકની અંદર કેટલાક ગંભીર મુદ્દાઓને લઈને ચર્ચાઓ કરવામાં આવે તેવી માહિતી સૂત્રો પાસેથી જાણવા મળી રહી છે હાલમાં મળી રહેલી માહિતી મુજબ મોરબી શહેર અને તેની આસપાસના વિસ્તારમાં આડેધડ બહુમાળી બાંધકામો ઉભા કરવામાં આવી રહ્યા છે અને બહુમાળી બાંધકામોનમાં નીતિ નિયમોનો ઉલાળીયો કરવામાં આવતો હોય છે તેમ છતાં પણ આવા બાંધકામ કરનારાઓની સામે જવાબદાર અધિકારી કે કર્મચારી દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી અને માત્ર નોટીસ આપીને કામગીરી કર્યાનો સંતોષ માની લેવામાં આવતો હોય છે ત્યારે આ આડેધડ ખડકાઇ રહેલા બહુમાળી બાંધકામોની સામે શા માટે થઈને આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે તે સહિતના ગંભીર પ્રશ્નોની આગામી જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં ચર્ચાઓ થાય તેવી શક્યતા છે.
મોરબીની બાજુમાં આવેલ રવાપર, સનાળા, વાવડી, રાજપર, મહેન્દ્રનગર સહિતના વિસ્તારોની અંદર આડેધડ બાંધકામ આભને આંબે તેવા બહુમાળી બાંધકામો કરવામાં આવી રહ્યા છે ત્યારે આ બહુમાળી બાંધકામોને કોના દ્વારા મંજૂરી આપવામાં આવે છે ? ત્યાં ફાયર સેફ્ટીના નિયમોની અમલવારી થાય છે કે કેમ ? તે ઉપરાંત બાંધકામના નીતિ નિયમો છે તેની અમલવારી થાય છે કે કેમ ? તે જોવાની તસ્દી ક્યારેય કોઈ અધિકારી દ્વારા લેવામાં આવતી નથી જેથી કરીને આડેધડ બાંધકામો ખડકી દેવામાં આવતા હોય છે ત્યારે આ બહુમાળી બાંધકામોને લઈને આગામી જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં ધારાસભ્ય દ્વારા બાઘડાટી બોલાવવામાં આવે તેવી શક્યતા છે અને ખાસ કરીને બહુમાળી બાંધકામોને મંજૂરી કોણ આપે છે ? જો મંજૂરી વગર બાંધકામ થતા હોય તો શરત ભંગના કેસ શા માટે કરવામાં આવેલ નથી ? અત્યાર સુધીમાં શરત ભંગના કેસ કેટલા કરવામાં આવેલા છે ? અને આ બેદરકારી દાખવા માટે જવાબદાર કોણ તે સહિતના અણીદાર પ્રશ્નો પણ જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં પૂછવામાં આવે તો નવાઈ નથી.
આટલું જ નહીં પરંતુ ડીએલઆરનો રિપોર્ટ બધામાં માંગવામાં આવતો નથી અને અમુક કિસ્સાઓમાં માગવામાં આવે છે તો આવું શા માટે કરવામાં આવે છે ? તેની સાથોસાથ મોરબી જિલ્લાના રેવન્યુ વિભાગમાં છેલ્લા ઘણા વર્ષોથી એક જ ટેબલ ઉપર કામગીરી કરતા અધિકારી કર્મચારીની સમયાંતરે ત્યાંને ત્યાં બદલી કરીને પાછા મૂળ જગ્યા ઉપર મૂકી દેવામાં આવતા હોય તેવું જોવા મળ્યું છે ત્યારે એકને એક ટેબલ ઉપર વર્ષોથી કામગીરી કરનારા અધિકારીઓ અને કર્મચારીઓની શા માટે થઈને બદલી કરવામાં નથી આવતી આ સહિતના પ્રશ્નોની ચર્ચા આગામી જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં કરવામાં આવે અને તેમાં કંઈક નવી ચોંકાવનારી માહિતીઓ સામે આવે તો નવાઈ નથી જોકે છેલ્લા ઘણા સમયથી ગેરકાયદે બાંધકામોને લઈને અટકળો થઈ રહી છે અને તાજેતરમાં જ મોરબીમાં આવેલા રાજ્યના કેબિનેટ મંત્રીની હાજરીમાં બે રાજકીય દિગ્ગજો વચ્ચે તણખા જરયા હતા અને તેમાં પણ ગેરકાયદે બાંધકામનો મુદ્દો ચર્ચાસ્પદ રહ્યો હતો ત્યારે હવે આગામી સંકલન સમિતિની બેઠક બાદ રાજકીય નવાજૂની થાય તો પણ નવાઈ નથી.