મોરબી જિલ્લાના નકલી ટોલનાકાની તપાસ પૂર્ણ, રિપોર્ટ તૈયાર: બે દિવસમાં કલેક્ટર સુપ્રત કરાશે અહેવાલ
SHARE
મોરબી જિલ્લાના નકલી ટોલનાકાની તપાસ પૂર્ણ, રિપોર્ટ તૈયાર: બે દિવસમાં કલેક્ટર સુપ્રત કરાશે અહેવાલ
મોરબી વાંકાનેર હાઇવે ઉપર વઘાસિયા પાસે આવેલ ટોલનાકાને બાયપાસ કરીને ગેરકાયદે ટોલનાકા બનાવવામાં આવ્યા હતા અને ત્યાંથી પસાર થતા વાહન ચાલકો પાસેથી ઉઘરાણા કરવામાં આવતા હતા. જેની તપાસ માટે કલેક્ટર દ્વારા આદેશ કરવામાં આવ્યો હતો જેના આધારે વાંકાનેરના પ્રાંત અધિકારી દ્વારા જુદા જુદા ચાર વિભાગના અધિકારીઓની એક કમિટી બનાવવામાં આવી હતી અને આ કમિટીની તપાસ પૂર્ણ થઈ ગયેલ છે અને અહેવાલ તૈયાર કરી દેવામાં આવ્યો છે જે આગામી બે દિવસમાં વાંકાનેરના પ્રાંત અધિકારી દ્વારા કલેક્ટરને સુપ્રત કરવામાં આવશે ત્યાર બાદ ખોટી રીતે ઉઘરાણા કરનારા શખ્સોની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે
મોરબી વાંકાનેર હાઇવે ઉપર વઘાસિયા પાસે કેન્દ્ર સરકાર સંચાલિત ટોલ પ્લાઝા આવેલ છે અને તેનું સંચાલન હાલમાં સેફ વે નામની કંપનીને સોંપવામાં આવ્યું છે અને આ ટોલનાકા ઉપરથી પસાર થતા વાહન ચાલકો પાસેથી સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ ચાર્જ મુજબની રકમ વસૂલ કરવામાં આવે છે જોકે, આ ટોલનાકાને બાયપાસ કરીને ટોલનાકાની બાજુમાં આવેલ વ્હાઇટ હાઉસ નામના બંધ પડેલા કારખાનામાંથી ગેરકાયદેસર રસ્તો કાઢીને ગેરકાયદે ટોલના ઉઘરાણા કરવામાં આવતા હતા અને ત્યાંથી પસાર થતા વાહન ચાલકો પાસેથી ટોલનાકા ઉપર લેવામાં આવતા ટોલની અડધી રકમ કરતા પણ ઓછી રકમ લઈને ત્યાંથી વાહનોને પસાર થવા દેવામાં આવતા હતા તેવી જ રીતે વઘાસીયા ગામ પાસેથી પણ વાહનોને ગેરકાયદે ઉઘરાણા કરીને પસાર કરવા દેવામાં આવતા હતા
આમ ટોલનાકાની બંને બાજુએથી વાહનોની અવરજવર ગેરકાયદે થતી હતી અને ત્યાં પૈસાના ઉઘરાણા પણ થતા હતા જે બાબતના સમાચારો ગત તા ૪ ડિસેમ્બરના રોજ પ્રસિદ્ધ થયા બાદ તાત્કાલિક જિલ્લા કલેક્ટર દ્વારા તપાસનો આદેશ કરવામાં આવ્યો હતો જેથી કરીને બીજા જ દિવસે વાંકાનેરના પ્રાંત અધિકારી એ.એચ. સેરસિયાએ મામલતદાર, ટીડીઓ, પીઆઇ અને નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારી આમ કુલ મળીને ચાર અધિકારીઓની એક કમિટી બનાવી હતી જે આધિકારીઓ દ્વારા જે જગ્યાએથી ગેરકાયદે ઉઘરાણા કરીને વાહનો પસાર કરવામાં આવી રહ્યા હતા તે રસતોની ખરાઈ કરવામાં આવી હતી તેમજ કેટલા સમયથી આ ગેરકાયદે ટોલનાકા ચાલુ હતા તે સહિતના મુદાઓની તપાસ કરવામાં આવી હતી અને આ ચારેય અધિકારીઓ સંયુક્ત ટીમને જે તપાસ સોપવામાં આવી હતી તે તપાસ પૂર્ણ થઈ ગયેલ છે અને આગામી બે દિવસમાં વાંકાનેરના પ્રાંત અધિકારી દ્વારા કલેક્ટરને ફાઇનલ રિપોર્ટ આપવામાં આવશે જેના આધારે ગેરકાયદે ઉઘરાણા કરનારાઓની સામે આગળની કાર્યવાહી કરવામાં આવશે તેવું જાણવા મળેલ છે









