મોરબીમાં નસીલી સિરપના રિપેકિંગ માટે ૩૮૦૦ કિલો મીટરનો ફેરો, પોલીસ પણ મૂંઝવણમાં: ૩ આરોપીના ૧૦ દિવસના રિમાન્ડ મંજૂર
SHARE
મોરબીમાં નસીલી સિરપના રિપેકિંગ માટે ૩૮૦૦ કિલો મીટરનો ફેરો..?, પોલીસ પણ મૂંઝવણમાં: ૩ આરોપીના ૧૦ દિવસના રિમાન્ડ મંજૂર
મોરબી નજીકના રંગપર ગામે આવેલા ગોડાઉનમાંથી નસીલી સિરપની ૪૫૦ પેટી જથ્થો પકડવામાં આવેલ છે અને આ સિરપની બોટલોને બહારથી મંગાવીને ટાઇલ્સના બોક્સમાં તેનું રિપેકિંગ કરીને મોકલાવવામાં આવતી હોવાનું પકડાયેલા આરોપીઓ રટણ કરી રહ્યા છે જો કે, ઝારખંડથી આ માલ આવ્યો હતો અને ત્રિપુરા લઈને જવનો હતો તેવી માહિતી સામે આવી રહી હોય નસીલી સિરપને માત્ર રિપેકિંગ માટે ૩૮૦૦ કિલો મીટર વાહનમાં ફેરવવામાં આવે તે વાત પોલીસને પણ હાલમાં ગળે ઉતારી રહી નથી જેથી હાલમાં જુદીજુદી દિશામાં તપાસ શરૂ કરવામાં આવેલ છે અને પકડાયેલા ત્રણ આરોપીને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીઓને ૧૦ દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે જેથી તપાસનીસ અધિકારી દ્વારા ગોડાઉન ભાડે રાખીને માલ મંગાવનાર સહિતના બાકીના આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે.
ગુજરાતની અંદર નસીલી કફ સીરપનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે તેવામાં મોરબી તાલુકાનાં રંગપર (વિરાટનગર) ગામની સીમ સીતારામ હાર્ડવેર પાછળ આર-ટાઇલ નામનું ગોડાઉન આવેલ છે ત્યાં નશાકારક કોડીન યુકત કફ સીરપની બોટલોનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે એલસીબીની ટીમે ત્યાં રેડ કરી હતી ત્યારે ગોડાઉનમાંથી નશાકારક કોડીન યુકત કફ સીરપની ૪૫૦ પેટીઓ જેમાં ૯૦,૦૦૦ જેટલી બોટલો ત્યાંથી મળી આવી હતી જેથી કરીને પોલીસે ૧,૮૪,૯૩,૨૦૦ ની સિરપની બોટલો સહિત કુલ મળીને ૨,૦૪,૫૬,૨૦૦ નો મુદામાલ કબજે કર્યો હતો અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પકડાયેલા ત્રણ સહિત ૬ શખ્સોની સામે એનડીપીએસ એક્ટની કલમ ૮(સી),૨૧(સી),૨૯ મુજબ ફરિયાદ નોંધી હતી.
હાલમાં પોલીસે જે સિરપ પકડેલ છે તે ગોડાઉન ભાડે રાખીને માલ મંગાવનાર અને ગોડાઉનના સંચાલક દ્વારા માલ મોકલાવનારનો સંપર્ક કરીને તેઓની પાસેથી ગેરકાયદેસર રીતે નશાકારક કોડીન યુકત કફ સીરપની બોટલો ખરીદ કરવામાં આવી હતી અને ટ્રકમાં ચોખાની આડમાં મોરબી સુધી લઈ આવવામાં આવી હતી જેથી પોલીસે ૯૦,૦૦૦ બોટલો નસીલી સિરપ, ચોખાની ૬૫૦ બોરી, એક ટ્રક, ત્રણ મોબાઇલ અને રોકડા રૂપીયા મળીને ૨.૦૪ કરોડનો મુદામાલ કબજે કરેલ હતો અને ગોડાઉન સંચાલક મનીષભાઇ હરીભાઇ ઝાલાવાડીયા જાતે પટેલ (૨૯) રહે. રવાપર રોડ રામકો બંગ્લો પાછળ વૃંદાવન સોસાયટી વૃંદાવન પેલેસ બ્લોક નં-૩૦૧ મોરબી, ટ્રક ચાલક સરફરાજભાઇ રબ્બાનીભાઇ સૈયદ જાતે મુસ્લીમ (૩૭) રહે. મહારાષ્ટ્ર, ટ્રકનો કલીનર મહમદઅબ્દુલકરીમ મહમદઅબ્દુલરહેમાન જાતે મુસ્લીમ (૩૫) રહે. ખેરતાબાદ તેલંગણા વાળાને પકડવામાં આવ્યા હતા અને આ કેસની તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશના પીઆઇ હકૂમતસિંહ જાડેજાને સોપવામાં આવેલ છે જેથી તેઓએ રિમાન્ડની માંગણી સાથે ત્રણેય આરોપીને કોર્ટમાં રજૂ કર્યા હતા ત્યારે કોર્ટે ત્રણેય આરોપીઓના આગામી તા ૧૫ સુધી એટ્લે કે ૧૦ દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે.
અત્રે ઉલેખનીય છે કે, આ ગુનામાં ગોડાઉન ભાડે રાખીને માલ મંગાવનાર રવીકુમાર મહીપતભાઇ કંડીયા રહે. જેતપર (મચ્છુ), માલ મોકલનાર સાજેદા ટાઇલ્સ વાળા મસુદ આલમ રહે. ત્રીપુરા સહિત ત્રણ આરોપીને પકડવાના બાકી છે તેને પકડવા માટે તપાસનીસ અધિકારી દ્વારા ચક્રોગતિમાન કરવામાં આવેલ છે અને રવીકુમાર મહીપતભાઇ કંડીયા તેમજ મસુદ આલમની ધરપકડ કરવામાં આવે ત્યાં પછી ઘણી બાબતો પરથી પરદો ઉચકાઇ તેવી શ્કાયતા છે કેમ કે, હાલમાં પકડાયેલ ગોડાઉનનો સંચાલક એવી રટણ કરી રહ્યો છે કે, માલ ઝારખંડથી આવ્યો હતો અને અહી રિપેકિંગ કરીને તેને ત્રિપુરા મોકલાવવાનો હતો.
જો કે, મોરબીથી ઝારખંડ ૧૮૦૦ કિલો મીટર થાય છે અને મોરબીથી ત્રિપુરા પણ ૧૮૦૦ કિલો મીટર થયા છે તો શું માત્ર રિપેકિંગ માટે ૩૮૦૦ કિલો મીટર સુધી વાહનમાં નસીલી સિરપ કે જે પકડાઈ તો એનડીપીએસનો ગુનો બને છે તેને આરોપીઓ ફેરવે ખરા ? જેથી હાલમાં પોલીસ પણ મૂંઝવણમાં મુકાઇ છે અને ખરેખર નસીલી સિરપ જથ્થો શા માટે મોરબી કે જે ગુજરાતમાં આવે છે અને ત્યાં દારૂ બંધી છે તેની માલ મંગાવનારને ખબર હોવા છતાં પણ ગોડાઉન ભાડે રાખીને રિપેકિંગ માટે માલ મંગાવે તે વાત પોલીસ તો ઠીક નાના બાળકને પણ ગળે ઉતરે તેવી નથી જેથી આ સિરપ કાંડની ઊંડી તપાસ કરવામાં આવશે તો કેટલીક ચોંકાવનારી માહિતી સો ટકા સામે આવશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.









