મોરબીના મચ્છુ-2 ડેમમાંથી પાણી ખેંચવા માટે વધારાની ઇલેક્ટ્રીક મોટરો ચાલુ કરાઇ, ચોમાસા સુધી પાણીનો કોઈ પ્રશ્ન નહીં: ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા
SHARE
મોરબીના મચ્છુ-2 ડેમમાંથી પાણી ખેંચવા માટે વધારાની ઇલેક્ટ્રીક મોટરો ચાલુ કરાઇ, ચોમાસા સુધી પાણીનો કોઈ પ્રશ્ન નહીં: ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા
મોરબીના મચ્છુ-2 ડેમમાં પાણી હોવા છતાં પણ પાણી ખેંચવા માટેની ઇલેક્ટ્રીક મોટર ચાલુ કરવામાં આવતી ન હતી જેથી તમામ મોટરો ચાલુ કરવા માટેની મોરબીના ધારાસભ્ય દ્વારા સૂચના આપવામાં આવી હતી ત્યાર બાદ તે સ્થળ ઉપર ચેક કરવા માટે પહોચ્યા હતા અને મોરબી શહેર અને આસપાસના વિસ્તારમાં પાણીની સપ્લાયમાં કોઈ પ્રશ્ન ઊભા ન થયા તેના માટે વધારાની ચાર ઇલેક્ટ્રીક મોટરો ચાલુ કરવામાં આવેલ છે અને આગામી ચોમાસા સુધી લોકોને પીવાના પાણીમાં કોઈ પ્રશ્ન ઊભો ન થાય તેવી વ્યવસ્થા જાળવી રાખવા માટે અધિકારીઓને સૂચના આપવામાં આવેલ છે.
મોરબીના મચ્છુ-2 ડેમના જે 38 દરવાજા છે તે દરવાજામાંથી 5 દરવાજા પહેલા બદલાવવામાં આવેલ છે અને હાલમાં 33 દરવાજા બદલવા માટેની કામગીરી ચાલી રહી છે. તે 33 દરવાજા પૈકીના 18 દરવાજા બદલવાની કામગીરી અત્યાર સુધીમાં પૂર્ણ થઈ ગઈ છે જોકે, બાકીના 15 દરવાજા બદલવાનું કામ યુદ્ધના ધોરણે કરીને આગામી ચોમાસા પહેલા આ તમામ દરવાજાને બદલવા માટેની કામગીરી પૂર્ણ થાય તેના માટેનું આયોજન અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું છે જોકે થોડા દિવસો પહેલા મોરબીના ધારાસભ્ય મચ્છુ-2 ડેમ ખાતે દરવાજાની કામગીરી જે ચાલી રહી છે તેનું નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા હતા ત્યારે ત્યાં મૂકવામાં આવેલ પાણી ખેંચવા માટેની ઇલેક્ટ્રીક મોટરમાંથી માત્ર દસ જ મોટર ચાલુ હતી જેથી કરીને તમામ મોટરો ચાલુ કરવામાં આવે અને લોકોને પૂરતા પ્રમાણમાં પાણી આપવામાં આવે તેના માટેની તેઓએ સૂચના આપેલ હતી.
જોકે ત્યાં મુકવામાં આવેલ ઇલેક્ટ્રીક મોટરોમાંથી જે મોટરો બંધ હતી તેને ધારાસભ્યની સૂચના પછી અધિકારી ચાલુ કરેલ છે કે નહીં તે ચેક કરવા માટે ધારાસભ્ય મચ્છુ-2 ડેમ ખાતે ફરી પાછા પહોચ્યા હતા. ત્યારે ત્યાં મૂકવામાં આવેલ મોટરમાંથી હાલમાં એકી સાથે 14 મોટરોને ચાલુ કરીને ડેમમાંથી પાણી ખેંચવામાં આવી રહ્યું છે જો કે, 2 મોટરને સ્પેરમાં રાખવામા આવેલ છે. આમ મચ્છુ-2 ડેમોમાં જે જળ જથ્થો છે તેમાંથી ઇલેક્ટ્રીક મોટર વડે પાણી ખેંચીને પાણી પુરવઠા દ્વારા મોરબી શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોની અંદર પાણીની સપ્લાય કરવામાં આવે છે જોકે વધારાની ચાર મોટરો ચાલુ કરવામાં આવતા પાણીના જુદાજુદા વિસ્તારોમાં જે પાણીનો પ્રશ્ન હતો તે મહદઅંશે ઉકેલાઈ ગયો હોય તેવું જોવા મળી રહ્યું છે
વધુમાં આ બાબતે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે મોરબીનો મચ્છુ-2 ડેમ મોરબી અને માળિયા તાલુકા માટે આશીર્વાદ સમાન છે અને આ ડેમની અંદર હાલમાં પણ પાણીનો જળ જથ્થો છે તેનો ઉપયોગ કરીને લગભગ 15 થી 20 દિવસ સુધી લોકોને પીવાનું પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તેમ છે જો કે, પહેલા પાણી જ ડેમમાંથી ઓછું ઊપડતાં હતા જેથી પાણીના પ્રશ્ન હતા અને આગામી દિવસોમાં નર્મદાની મોરબી બ્રાન્ચ કેનાલમાં પાણી આવવા લાગશે જેથી મચ્છુ-2 ડેમમાંથી મોરબી શહેર અને ગ્રામ્ય વિસ્તાર તથા માળિયા તાલુકાના જે વિસ્તારમાં પાણીની સપ્લાઈ કરવામાં આવે છે ત્યાં પીવાના પાણી માટેની મુશ્કેલીનો લોકોને આગામી ચોમાસા સુધી કોઈ સામનો કરવો પડશે નહીં.