મોરબી: પ્રેમિકા સાથે ફોન ઉપર વાત કરતાં સમયે મનદુખ થતાં યુવાને અનંતની વાટ પકડી
મોરબી નજીક અગાઉ પકડાયેલ પેટકોક ચોરીના ગુનામાં વધુ બે આરોપીની ધરપકડ બાદ જેલ હવાલે
SHARE







મોરબી નજીક અગાઉ પકડાયેલ પેટકોક ચોરીના ગુનામાં વધુ બે આરોપીની ધરપકડ બાદ જેલ હવાલે
મોરબી એલસીબીની ટીમ દ્વારા ગત જાન્યુઆરી માહિનામાં જુના સાદુળકા ગામ તરફ જવાના રસ્તા ઉપર આવેલ એબીસી મિનરલની બાજુમાં આવેલ પ્લોટમાં રેડ કરીને પેટકોક ચોરીનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો જે તે સમયે ઈમ્પોર્ટ કોલસો, હલકી ગુણવત્તાનો કોલસો અને વાહન વિગેરે મળીને 1.09 કરોડથી વધુનો મુદામાલ કબજે કર્યો હતો જે ગુનામાં વધુ બે આરોપીને પકડીને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરવામાં આવેલ છે.
મોરબીના જુના સાદુળકા ગામ તરફ જવાના રસ્તા ઉપર આવેલ સ્વામિનારાયણ ગુરુકુળની સામે એબીસી મિનરલની બાજુમાં આવેલા નવઘણભાઈ બાલાસરા તથા નિકુંજભાઈ રાજપરાના કબજા ભોગવટાવાળા પ્લોટમાં એલસીબીની ટીમે ગત જાન્યુઆરી માહિનામાં રેડ કરી હતી ત્યારે ઈમ્પોર્ટેડ કોલસો એટલે કે પેટકોકની ગાડીઓના ડ્રાઇવર સાથે સંપર્ક કરીને પેટકોકની ચોરી કરીને વાહનમાં હલકી ગુણવત્તાનો કોલસો મિક્સ કરીને કૌભાંડ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું.
જેથી ત્યારે પોલીસે સ્થળ ઉપરથી 188 ટન ઈમ્પોર્ટેડ કોલસો, મિક્સ કરેલ 100 ટન કોલસો, હલકી ગુણવત્તાનો 70 ટન કોલસો, એક ટ્રક, બે ટ્રેક્ટર લોડર, એક હિટાચી મશીન, એક બાઈક, પાંચ મોબાઇલ ફોન સહિત કુલ મળીને 1.09 કરોડથી વધુનો મુદામાલ કબ્જે કર્યો હતો. અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નવઘણભાઈ જસાભાઈ બાલાસરા અને નિકુંજભાઈ રાજપરા સહિત કુલ મળીને 10 શખ્સોની સામે ગુનો નોંધવામાં આવેલ હતો. જે ગુનામાં મોરબી એલસીબીના પી.એસ.આઇ. બી.ડી.ભટ્ટ અને તેની ટીમ દ્વારા આરોપી આકાશ ઉર્ફે હેરી અશ્વિનભાઈ દેવમુરારી (30) રહે. ગાયત્રી ચોક નવાગામ ઘેડ વિસ્તાર જામનગર તથા જગજીતસિંહ પ્રદ્યુમનસિંહ રાણા (32) રહે. આદિપુર કચ્છ વાળાની ધરપકડ કરવામાં આવી હતી અને તેને કોર્ટમાં રજૂ કરીને બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા જે રિમાન્ડ પુરા થતા બંને આરોપીઓને ફરી કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરવામાં આવ્યા છે અને આ ગુનામાં હજુ મુખ્ય સૂત્રધાર નવઘણભાઈ બાલાસરા તથા નિકુંજભાઈ રાજપરાને પકડવાના હજુ બાકી છે તેને પકડવા માટેની તજવીજ ચાલી રહી છે.
